અષ્ટસિદ્ધિ : પ્રાચીન ભારતનાં દર્શનો વગેરેમાં ગણાવવામાં આવેલી અને તપ દ્વારા મળેલી વિશિષ્ટ શક્તિઓ. સિદ્ધિ શબ્દ પૌરાણિક પાત્રોનાં નામને પણ સૂચવે છે. સિદ્ધિ એ શિવપુરાણ મુજબ ગણેશની પત્નીનું નામ છે. રામાયણ મુજબ રાજા જનકના પુત્ર લક્ષ્મીનિધિની પત્નીનું નામ સિદ્ધિ હતું. મહાભારત મુજબ કુંતીના સ્વરૂપે પ્રગટ થયેલી દેવીનું નામ સિદ્ધિ છે એમ આદિપર્વમાં કહ્યું છે. મહાભારતના વનપર્વમાં થયેલા ઉલ્લેખ મુજબ વીર નામના અગ્નિ અને સરયૂના પુત્રનું નામ સિદ્ધિ હતું કે જેણે પોતાના તેજથી સૂર્યને પણ ઢાંકી દીધેલો. જ્યારે મહાભારતના શલ્ય પર્વમાં થયેલા ઉલ્લેખ મુજબ સિદ્ધિ એ નામની શક્તિ કુમાર કાર્તિકેયના સૈનિકોની આગળ ચાલનારી હતી.
આઠ સિદ્ધિઓ તરીકે યોગદર્શન મુજબ અલૌકિક આઠ શક્તિઓ છે કે જે ખૂબ જાણીતી છે. યોગીને યોગની સાધના સારી રીતે કર્યા પછી આ આઠ સિદ્ધિઓ મળે છે. ‘અણિમા’ સિદ્ધિ એટલે અણુ જેવા રૂપના નાના થવાની શક્તિ એ પ્રથમ છે. એ પછી એનાથી વિપરીત આકાશ જેવા વ્યાપક અને મોટા રૂપના થવાની શક્તિને ‘મહિમા’ સિદ્ધિ કહે છે. એવી રીતે ત્રીજી ‘ગરિમા’ સિદ્ધિ ખૂબ ભારે વજનના થવાની શક્તિ છે. એનાથી વિપરીત રૂ જેવા હલકા થવાની શક્તિને ‘લઘિમા’ સિદ્ધિ કહે છે. પાંચમી સિદ્ધિ ‘પ્રાપ્તિ’ છે કે જે અત્યંત દૂર રહેલા પદાર્થને સ્પર્શવાની શક્તિ છે. છઠ્ઠી સિદ્ધિનું નામ ‘પ્રાકામ્ય’ છે કે જેમાં ઇચ્છા થાય તે વસ્તુ યોગી મેળવી શકે છે. સાતમી સિદ્ધિનું નામ ‘ઈશિત્વ’ છે કે જેનાથી યોગી પોતાના શરીર અને અંત:કરણ પરનું સંપૂર્ણ પ્રભુત્વ મેળવી શકે છે. અંતિમ આઠમી સિદ્ધિ ‘વશિત્વ’ નામથી ઓળખાય છે કે જે શક્તિ વડે યોગી તમામ વસ્તુઓને વશ કરી શકે છે. કઠોર સાધના પછી જ આ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
બૌદ્ધ દર્શનમાં ગણાવવામાં આવેલી અષ્ટસિદ્ધિઓમાં (1) ખડ્ગ, (2) અંજન, (3) પાદલેપ, (4) અંતર્ધાન, (5) રસરસાયણ, (6) ખેચર, (7) ભૂચર અને (8) પાતાલનો સમાવેશ થાય છે. સાંખ્યદર્શન મુજબ ગણાવેલી સિદ્ધિઓમાં (1) તાર, (2) સુતાર, (3) તારતાર, (4) રમ્યક, (5) આધિદૈવિક, (6) આધિભૌતિક અને (7) આધ્યાત્મિક એ સાત સિદ્ધિઓનો સમાવેશ થાય છે. જ્યારે પુરાણોમાં (1) અંજન, (2) ગુટિકા, (3) પાદુકા, (4) ધાતુભેદ, (5) વેતાલ, (6) વજ્ર, (7) રસાયન અને (8) યોગિની એ આઠ સિદ્ધિઓ ગણાવવામાં આવી છે. આ સિદ્ધિ ધરાવનારને સિદ્ધ કહેવામાં આવે છે. આ સિદ્ધ લોકો પાસે મેશ વગેરેથી અદૃશ્ય થવાની, પાદુકા વગેરે પહેરીને ઊડવાની, બીજી ધાતુને સોનામાં બદલવાની, આકાશમાં ઊડવાની, પાતાળમાં જવાની, શક્તિશાળી દાસની પાસે ધાર્યું કામ કરાવવાની વગેરે શક્તિઓ કે સિદ્ધિઓ હોય છે. સંક્ષેપમાં, જાતજાતના ચમત્કારો કરી શકવાની શક્તિ સિદ્ધ લોકો પાસે હોય છે. વળી ઈશ્વરમાં આઠે સિદ્ધિઓ રહેલી છે, જેનાથી ઈશ્વર આ અદભુત વિશ્વને સ્વાભાવિક રીતે ઉત્પન્ન કરે છે, પાલન કરે છે અને અંતે તેનો સંહાર પણ કરે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી