અષ્ટસખી : રાધાની આઠ પરમશ્રેષ્ઠ સખીઓ. વૈષ્ણવ સંપ્રદાયોની આ વિશિષ્ટ વિભાવના છે. ચૈતન્ય સંપ્રદાયમાં રાધા મહાભાવસ્વરૂપા છે અને તે સુષ્ઠુકાન્તાસ્વરૂપા, ધૃતષોડશશૃંગારા અને દ્વાદશાભરણાશ્રિતા છે. લલિતા, વિશાખા, ચંપકલતા, ચિત્રા, સુદેવી, તુંગવિદ્યા, ઇંદુલેખા અને રંગદેવી – આ આઠેય સખીઓ રાધાથી અભિન્ન છે અને તેઓ રાધાના કાયવ્યૂહરૂપા છે. રાધા-કૃષ્ણ-લીલાનો તેમના દ્વારા વિસ્તાર થાય છે. તેઓને કૃષ્ણસંગસુખની ઝંખના ક્યારેય હોતી નથી કેમ કે તેમને રાધા-કૃષ્ણના પ્રેમ-મિલનમાં જ આત્મીય મિલન-સુખની પરિપૂર્ણતાનો અનુભવ થાય છે. આથી અષ્ટસખીઓ રાધા-કૃષ્ણના મિલનની વિવિધ યોજનાઓ કર્યા કરતી હોય છે. આ ગોપીઓ શ્રીકૃષ્ણની રસશક્તિ છે અને તેઓ લીલાઓનો વિસ્તાર કરવા ઉપરાંત ભક્તોમાં પ્રેમભક્તિ-સાધના દૃઢ કરાવી તેમનામાં આનંદભાવનો આવિર્ભાવ કરાવે છે.
વલ્લભસંપ્રદાયમાં ચંપકલતા, ચંદ્રભાગા, વિશાખા, લલિતા, પદ્મા, ભામા, વિમલા અને ચંદ્રરેખાને અષ્ટસખીઓ માનવામાં આવે છે. મધુરભાવના ભક્તોને પુષ્ટિમાર્ગમાં સખીરૂપ ગણવામાં આવ્યા છે અને એમાં અષ્ટછાપના પરમ ભગવદીય આઠ ભક્તો જેઓ ગોચારણ-લીલામાં અષ્ટસખા ગણાતા. તેઓ મધુરભાવ સિદ્ધ કર્યો હોવાને કારણે નિકુંજલીલામાં અષ્ટસખા શ્રીકૃષ્ણ-રાધાની અષ્ટસખીઓ હોવાનું દર્શાવાય છે. તદનુસાર સૂરદાસ ચંપકલતા, પરમાનંદદાસ ચંદ્રભાગા, કુંભનદાસ વિશાખા, કૃષ્ણદાસ લલિતા, છીતસ્વામી પદ્મા, ગોવિંદસ્વામી ભામા, ચતુર્ભુજદાસ વિમલા અને નંદદાસ ચંદ્રરેખાનો ભાવ સિદ્ધ કરનારા સખીભાવના ભક્તો મનાય છે.
બિહારીલાલ ચતુર્વેદી