અશ્વ અક્ષાંશ (horse latitude) : ઉ. અને દ. ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધમાં 30° થી 35° ઉ. અને દક્ષિણ અક્ષાંશ વચ્ચેના પટાઓનું ક્ષેત્ર. તે પશ્ચિમી પવનો અને વ્યાપારી પવનો વચ્ચે આવેલું છે.
સૂર્યની સાથે આ પટાઓ ઉત્તરદક્ષિણ થોડા સરકે છે. વિષુવવૃત્ત તથા ધ્રુવવૃત્તમાં ગરમ થયેલી હવા અહીં ઊતરે છે. બંને ગોળાર્ધમાં આવેલાં આ ક્ષેત્રોમાં હવાનું દબાણ ઊંચું હોય છે, પણ તે લાંબો વખત ટકતું ન હોવાથી હવામાન પ્રમાણમાં શાંત રહે છે અને તેથી દરિયા ઉપરનો આ પ્રદેશ વહાણવટા માટે અનુકૂળ નથી હોતો. ભૂમિ ઉપર શુષ્ક વાતાવરણથી રણપ્રદેશ ઉદભવ પામે એવી પરિસ્થિતિ સર્જાય છે.
એક સમયે વહાણમાં ઘોડાઓ સ્પેનથી અમેરિકા લઈ જવાતા હતા ત્યારે દબાણના પટાઓમાં પૂરતો પવન નહિ મળવાને લીધે વહાણોને દીર્ઘ સમય સુધી રાહ જોવી પડતી હશે અને તેથી ખોરાક-પાણી ખૂટતાં ઘોડાઓને જળસમાધિ કરાવવી પડતી હશે તે કારણે આ પટાને અશ્વ અક્ષાંશ કહ્યા હશે. અંગ્રેજી ભાષામાં નૌકાશાસ્ત્રમાં વપરાતો શબ્દપ્રયોગ ‘to horse’નો અર્થ અનિશ્ચિત (erratic) રીતે દિશા બદલવી એમ થાય છે તે હકીકતને પણ આની સાથે સંબંધ હોવાનો સંભવ છે. આમ છતાં શીર્ષકના શબ્દપ્રયોગનું મૂળ અનિશ્ચિત ગણાય છે.
જયંતિલાલ જટાશંકર ત્રિવેદી