અશ્વદળ : યુદ્ધમાં શત્રુ પર આક્રમણ કરવા અથવા યુદ્ધની આનુષંગિક કામગીરી બજાવવા માટે સશક્ત અને ચપળ ઘોડાઓ પર આરૂઢ થયેલ સૈનિકોની પલટન. અન્ય પ્રાણીઓ કરતાં ઘોડાઓની ગતિશીલતા, ચપળતા તથા વ્યૂહાત્મક ઉપયોગની વિવિધ સંભાવનાઓને લીધે ભૂતકાળમાં અશ્વદળે યુદ્ધભૂમિ પર ઉચ્ચ કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે. સંગઠિત યુદ્ધકલાના વિકાસની સાથોસાથ અશ્વદળની શરૂઆત અને વિકાસ થયાં હોય તેવા કેટલાક પુરાવા સાંપડે છે. પ્રાથમિક સ્તર પર તેનો વિકાસ એશિયાના મેદાની વિસ્તારોમાં થયો હતો અને તે પછી જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે સેનાના એક અનિવાર્ય અંગ તરીકે અશ્વદળનો અંગીકાર થયો હતો. મૅસિડોનિયાના સમ્રાટ ફિલિપને અશ્વદળના ગર્ભિત સામર્થ્યનું સર્વપ્રથમ આકલન થયેલું, જોકે આક્રમણના પ્રમુખ ઘટક તરીકે અશ્વદળનો સફળ ઉપયોગ કરવાનો જશ તેના પુત્ર અને મહાન સેનાપતિ સિકંદરને ફાળે જાય છે. તેણે ખેલેલા દરેક યુદ્ધમાં તેના અશ્વદળનું પરાક્રમ નોંધપાત્ર સાબિત થયું છે. હિડાસ્પસના યુદ્ધમાં પોરસના પરાજય માટે સિકંદરના અશ્વદળની સર્વોચ્ચ કાર્યક્ષમતા જવાબદાર ગણાય છે, જોકે પોરસના ચતુરંગ બળમાં 4૦,૦૦૦ અશ્વારોહી સૈનિકો હતા તેવો ઉલ્લેખ ઇતિહાસે કર્યો છે. રોમન સેનાએ જે અજેય શક્તિ હાંસલ કરી તેમાં પણ લશ્કરના સહાયક અંગ તરીકે અશ્વદળનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.
અશ્વદળની ત્રણ પાંખ રહેતી : (1) ઓછા વજનવાળાં હથિયાર તથા સાધનોથી સજ્જ એવી પાંખ, જેનો ઉપયોગ જાસૂસી કરવા; શત્રુનાં સ્થાન, સંખ્યા તથા હિલચાલની ગુપ્ત રીતે માહિતી મેળવવા; અણધાર્યું આક્રમણ કરી શત્રુને હેરાન કરવા; શત્રુની પુરવઠા-કડી છિન્નભિન્ન કરવા થતો. (2) મધ્યમ વજનવાળાં હથિયાર અને સાધનોથી સજ્જ એવી પાંખ, જેનો ઉપયોગ પરાજિત થયેલા અને નાસભાગ કરતા શત્રુનો પીછો કરી તેનો સદંતર નાશ કરવા સારુ થતો. (3) ભારે હથિયાર તથા સાધનોની સુસજ્જ પાંખ, જેનો ઉપયોગ શત્રુ પક્ષ પર સીધું આક્રમણ કરી તેની વ્યૂહરચનાને છિન્નભિન્ન કરવા તથા પોતાના સૈન્યની બાજુઓનું રક્ષણ કરવા માટે થતો.
અશ્વદળની શરૂઆત ઈ. પૂ. 1૦૦૦ની સાલમાં અસિરિયામાં થઈ. ભારતમાં ઈ. પૂ. 6૦૦ના અરસામાં તેની શરૂઆત થઈ હોય તેવા કેટલાક પુરાવા સાંપડ્યા છે. અથર્વવેદ તથા ઋગ્વેદમાંના કેટલાક ઉલ્લેખ પરથી તે જમાનામાં યુદ્ધમાં અશ્વનો ઉપયોગ થતો હોય તેમ જણાય છે, પરંતુ વૈદિક કાળમાં અશ્વદળનાં સંગઠિત અસ્તિત્વને સમર્થન મળતું નથી. રઘુવંશમાં અશ્વદળનો ઉલ્લેખ છે, પરંતુ રામાયણ કે મહાભારતના કાળમાં યુદ્ધભૂમિ પર અશ્વદળનો ઉપયોગ થયો હોય તેવા પ્રબળ પુરાવા ઉપલબ્ધ નથી. મહાભારતકાળમાં સાત અક્ષૌહિણી સેનાનું વર્ણન જોવા મળે છે. દ્રુપદ, વિરાટ, શિખંડી, ભીમસેન અને અર્જુન અક્ષૌહિણી સેનાપતિઓ હતા. દ્રોણપર્વમાં પણ શલ્ય, કર્ણ અને શ્રીકૃષ્ણને ઉચ્ચ કોટિના અશ્વારોહીઓ ગણાવ્યા છે. મેગૅસ્થેનીસના વિવરણ મુજબ ચંદ્રગુપ્ત મૌર્યની સેનામાં 3૦,૦૦૦ અશ્વસૈનિકો હતા. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં હસ્તિદળ, હયદળ, રથદળ અને પાયદળ એમ ચતુરંગ સેનાનો ઉલ્લેખ છે. અશ્વોની માવજત અને સ્વાસ્થ્ય જેવી બાબતો આવરી લેતા કેટલાક ગ્રંથો ભારતમાં પ્રાચીન કાળમાં લખાયેલા છે. દા.ત., અશ્વશાસ્ત્ર, અશ્વાયુર્વેદ વગેરે. પાશ્ચાત્ય દેશોની સેનામાં અશ્વદળના ઉપયોગના અનેક દાખલાઓ છે. કાર્થેજના પ્રશાસક હૅનિબાલની સેનામાં (ઈ. પૂ. 247-183) હલકું તથા ભારે બંને પ્રકારનું અશ્વદળ હતું. ઈ. પૂ. છઠ્ઠી અને પાંચમી સદીમાં ઈરાનનું અશ્વદળ પ્રસિદ્ધિ પામ્યું, જેની માવજતમાં દરાયસનો ફાળો મહત્વનો હતો. મધ્ય એશિયામાં તુર્કી તથા મુઘલોનું અશ્વદળ ખૂબ વખાણાયેલું. ચંગીઝખાને અશ્વદળના જોરે જ અડધું વિશ્વ જીત્યું હતું તેવી માન્યતા છે. મુઘલોની સેનામાં અઢીથી ત્રણ લાખ જેટલી સંખ્યા ધરાવતા સૈનિકોનું સંગઠિત અશ્વદળ હતું. કુશળ પૂર્વનિયોજન તથા ચતુરાઈભર્યા સંયોજન માટે તે વખણાયેલું. મુસલમાનોના શાસનકાળ દરમ્યાન ભારતમાં યુદ્ધભૂમિ પર અશ્વદળનો બહોળો ઉપયોગ કરવામાં આવતો. મુહમ્મદ ઘોરી, અલાઉદ્દીન ખલજી, દક્ષિણના બહમની વંશનાં પ્રશાસનો અને નિઝામશાહી, આદિલશાહી તથા કુતુબશાહીમાં અશ્વદળને સેનાના અગ્રિમ ઘટક તરીકે ગણવામાં આવતું. શિવાજી જેવા મરાઠા રાજ્યકર્તાઓ તથા મહારાણા પ્રતાપ જેવા રાજપૂત યોદ્ધાઓએ અશ્વદળનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. તૈમૂર લંગનું અશ્વદળ સુવિખ્યાત હતું. તેની સામે મુઘલો, ઈરાનીઓ, અફઘાનો, રશિયનો તથા તુર્કસ્તાન ઑટોમન સામ્રાજ્યની સેનાઓને પરાજય વહોરવો પડ્યો હતો.
બાબર તથા તે પછીના મુઘલ સમ્રાટોએ અશ્વદળની વ્યૂહરચના અંગે તૈમૂર લંગનું અનુકરણ કર્યું હતું. પેશવાઓ પાસે એક લાખ જેટલા સૈનિકોનું અશ્વદળ હતું. પહેલા બાજીરાવનું અશ્વદળ સુસંગઠિત અને કાર્યદક્ષ હોવા છતાં પાયદળ સાથેના સંકલનના અભાવને લીધે તે રણભૂમિ પર અસરકારક નીવડેલું નહિ. બીજા બાજીરાવનું અશ્વદળ ‘પૂના હૉર્સ’ના નામથી ખ્યાતિ પામ્યું હતું. આધુનિક ભારતીય લશ્કરમાં પણ તે નામની પલટન હતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં પૅલેસ્ટાઇનની રણભૂમિ પર અશ્વદળનો ઉપયોગ થયો હતો અને તે જ યુદ્ધમાં સૉમ (Somme) નદી પરની લડાઈમાં તેણે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. રશિયા અને ચીનની આધુનિક સેનામાં અશ્વદળ હતું એટલું જ નહિ, પરંતુ ચીને કોરિયાના યુદ્ધમાં (195૦-53) તેનો ઉપયોગ કર્યો હતો.
ઔદ્યોગિક ક્રાંતિ પછીના ગાળામાં પશ્ચિમના દેશોમાં અશ્વદળનું મહત્વ ઘટતું ગયું. ભારે બખ્તરના ઉપયોગને લીધે તેની કાર્યક્ષમતામાં ઘટાડો થયો. નેપોલિયનની સેનામાં ત્રણે પાંખવાળું અશ્વદળ હતું, પરંતુ પાયદળ સાથેના તેના સંકલનના અભાવને લીધે તેને સફળતા મળી ન હતી. અમેરિકાના આંતરવિગ્રહ, ફ્રૅંકે-જર્મન યુદ્ધ, બોઅર યુદ્ધ, રૂસ-જાપાન યુદ્ધ જેવાં યુદ્ધોમાં અશ્વદળે નોંધપાત્ર કામગીરી બજાવી છે. પરંતુ દારૂગોળાની શોધ, ભારે તોપો અને પોલાદી રણગાડી, બખ્તરબંધ ગાડીઓ, લાઈટ મશીનગન, બૉમ્બ, મિસાઇલ્સ જેવાં અત્યાધુનિક સાધનો તથા યુદ્ધની આધુનિક વ્યૂહરચનાના વિકાસ સાથે સેનાના અંગ તરીકે અશ્વદળનું મહત્વ સદંતર ઘટ્યું છે. ભારત સહિત જે દેશોમાં આજે અશ્વદળની પલટનો છે ત્યાં હવે તેનો ઉપયોગ આંતરિક શાંતિ અને વ્યવસ્થા માટે તથા રાજકીય સમારંભોની શોભાવૃદ્ધિ માટે થાય છે.
ભૂતકાળમાં અશ્વદળના વિકાસમાં તથા રણભૂમિ પર તેની અસરકારકતા વધારવામાં જીન અને પેંગડાની શોધનો ફાળો સવિશેષ ગણાય છે. આ બંનેની શોધ ચીનમાં થયેલી. જીનને લીધે અશ્વારૂઢ સવારની ગતિશીલતા અને કાર્યક્ષમતામાં વધારો થયો, તો પેંગડાને લીધે સવારને પોતાનું સંતુલન જાળવી રાખવાની તથા જમીન પરના શત્રુ પર પ્રાણઘાતક હુમલો કરવાની ક્ષમતા પ્રાપ્ત થઈ.
કેટલાક સેનાપતિઓ અને યોદ્ધાઓના અશ્વોએ તેમના પરાક્રમને લીધે ઇતિહાસમાં કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેમાં સિકંદરનો બુસેફેલસ, કૉર્ટેઝનો એલ માર્ઝિલો, ડ્યૂક ઑવ્ વેલિંગ્ટનનો કૉપનહેગન તથા મહારાણા પ્રતાપનો ચેતક વિશેષ ઉલ્લેખનીય છે.
કે. કે. પટેલ
બાળકૃષ્ણ માધવરાવ મૂળે