અશ્વઘોષ (ઈસુની પહેલી સદી) : મગધ દેશનો રાજ્યાશ્રિત કવિ. અશ્વઘોષના નામ વિશે દંતકથાઓમાંથી એક દંતકથાનુસાર કહેવાય છે કે કનિષ્ક રાજાએ મગધ પર આક્રમણ કર્યું અને મગધના રાજા પાસે બુદ્ધનું ભિક્ષાપાત્ર અને કવિ અશ્વઘોષ માગ્યાં. રાજા પોતાના માનીતા કવિને મોકલવા રાજી ન હતા અને તેથી પોતાના દરબારીઓને બતાવવા સારુ અશ્વશાળાના અશ્વો આગળ ઘાસ નાખીને અશ્વઘોષને ઉપદેશ આપવા કહ્યું. ભૂખ્યા અશ્વો પર કવિના ઘોષ(વાણી)ની એવી અસર ઊપજી કે અશ્વોએ ઘાસ તો ન ખાધું, પણ નયનોમાંથી હર્ષની આંસુધારા વહેવા લાગી તેથી કવિનું નામ અશ્વઘોષ પડ્યું. જોકે કનિષ્ક તો અશ્વઘોષને લઈ ગયા જ.
અશ્વઘોષ વિશે ડૉ. જૉન્સ્ટન ‘સૌન્દરનંદ’ મહાકાવ્યની પુષ્પિકા પરથી તેમના ‘બુદ્ધચરિત’ (ભાગ 2, પૃ. 124)માં લખે છે કે ‘સુવર્ણાક્ષીના પુત્ર, સાકેતના રહેવાસી ભિક્ષુ, આચાર્ય ભદન્ત અને મહાકવિ અને મહાવાદી અશ્વઘોષની આ કૃતિ છે. તારાનાથ લામા કવિના પિતાના નામ વિશે લિખિત સંદર્ભના અભાવે સંઘગુહ્ય હોવાનું સ્વીકારે છે અને કવિનાં લગ્ન ખોર્તાના વેપારીની સહુથી નાની પુત્રી સોષા સાથે થયેલું સ્વીકારે છે. તે સમયે અયોધ્યામાં મહાસાંઘિક પંથની બોલબાલા હતી અને તે પંથની શ્રદ્ધામાં અશ્વઘોષે પોતાનું પ્રદાન કર્યું તે બતાવે છે કે તેમનું વતન સાકેત (અયોધ્યા) હોવું જોઈએ.
ધર્મપરિવર્તન પહેલાં અશ્વઘોષ દ્વિજ હતા તેમ આર્યમંજુશ્રી મૂલકલ્પમાં નોંધેલું છે. કેવળ દ્વિજ શબ્દ પરથી કેટલાક વિદ્વાનો તેમને બ્રાહ્મણ માને છે-તે અતિસાહસ છે, પરંતુ ‘સૌન્દરનંદ’ અને ‘શારિપુત્રપ્રકરણ’માં ઘણે ઠેકાણે બ્રાહ્મણો અને બ્રાહ્મણ સંસ્કૃતિ પ્રત્યે આદરસૂચક ઉલ્લેખો છે. તે કારણે તે બ્રાહ્મણ હતા તેમ માની શકાય. તેમણે રામાયણ, મહાભારત, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, ગીતા, વૈદ્યક, કામશાસ્ત્ર, સંગીત વગેરેનો ઊંડો અભ્યાસ કરેલો દેખાય છે, છતાં તેમના કાવ્યમાં સાંખ્યસિદ્ધાંતની અસર સ્પષ્ટ જણાઈ આવે છે, તેથી તે હીનયાન સંપ્રદાયના હોય તેવી સંભાવના છે.
અશ્વઘોષને કનિષ્કના રાજ્યાશ્રયને લીધે પોતાના કવિત્વ અને દાર્શનિકતાને વિકસાવવાની પૂરી તક મળી. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને તે અત્યંત સરળતાથી અને સ્પષ્ટતાથી રજૂ કરી શકતા. તેથી તે બૌદ્ધ અને દાર્શનિક કવિ હતા. ઉપદેશવાદી અને પ્રચારવાદી કવિ હોવાને લીધે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને કાવ્યમય બનાવી શક્યા. તેનું રહસ્ય સમજાવતાં તેમણે ‘સૌન્દરનંદ’(18.63)માં લખ્યું છે કે ‘કડવી દવાને મધમાં ભેળવીને ભાવતી કેવી રીતે કરી શકાય? (તે રીતે મેં અહીં કાવ્ય વડે કર્યું છે).’
‘બુદ્ધચરિત’ અને ‘સૌન્દરનંદ’ એ બે મહાકાવ્યો, ‘શારિપુત્રપ્રકરણ’ અને ‘રાષ્ટ્રપાલ નાટક’ (અપ્રાપ્ય) એમ ચાર કૃતિઓ અશ્વઘોષની મનાય છે.
1. ‘બુદ્ધચરિત’ પ્રથમ પાંચ સર્ગોમાં બુદ્ધના ગર્ભાધાન અને જન્મથી મહાભિનિષ્ક્રમણ સુધીની કથા છે. તે પછીના સર્ગોમાં બુદ્ધની તપશ્ચર્યાથી બુદ્ધત્વપ્રાપ્તિ અને ધર્મપ્રચારના આરંભથી મહાન અશોકના શાસન સુધીનું નિરૂપણ છે. અહીં ભગવાન બુદ્ધ નાયક છે. તેમનાં જીવન, દર્શન અને ઉપદેશનું કથાવસ્તુ છે અને મહાકાવ્યની બધી જ પરંપરાગત લાક્ષણિકતાઓ વણેલી છે. વિન્ટરનિત્ઝ જેવા વિદ્વાનો આ મહાકાવ્યને બીજું ગણે છે, પણ અન્ય વિદ્વાનો (જેઓ કાલિદાસને ઈસુ પૂર્વે 56માં નહિ માનતાં ઈસુની ચોથી સદીમાં માને છે તેઓ) આ મહાકાવ્યને સંસ્કૃત ભાષાનું પ્રથમ પ્રશિષ્ટ મહાકાવ્ય ગણે છે. ઈસુની પાંચમી સદીમાં આ મહાકાવ્યનો ચીની અનુવાદ અને સાતમી સદીમાં તિબેટી અનુવાદ થયેલો મળે છે. તેમાં કુલ 28 સર્ગો છે, જોકે મૂળ મહાકાવ્ય ચૌદમા સર્ગના એકત્રીસ શ્લોકો સુધીનું સંસ્કૃતમાં મળે છે.
2. ‘સૌન્દરનંદ’ – અઢાર સર્ગના આ મહાકાવ્યના કથાવસ્તુનો આધાર મહાવગ્ગ, અંગુત્તરનિકાય અને નિદાનકથામાંથી લીધો છે. તેમાં શુદ્ધોદન રાજાની વંશાવળીથી માંડીને નંદનો જન્મ અને તેની કામાસક્તિમાંથી અર્હત્પદની પ્રાપ્તિની ઇચ્છા, તેને માટે સ્થિરચિત્તતા એમ ક્રમિક આધ્યાત્મિક વિકાસનું કથાવસ્તુ છે. આટલા નાના વસ્તુ દ્વારા બૌદ્ધ દર્શનને ઉપસાવવા શૃંગારવર્ણન, વિયોગવર્ણન, સંવાદી દામ્પત્ય અને રાગ-વિરાગ વચ્ચે ઝોલા ખાતા હૈયાનું હૃદયંગમ વર્ણન કર્યું છે.
3. ‘શારિપુત્રપ્રકરણ’ – નવ અંકના આ નાટકમાં જન્મે બ્રાહ્મણ શારિપુત્ર-અપરનામ શારદ્વતીપુત્ર-બૌદ્ધ ધર્મની શ્રેષ્ઠતા જાણીને બુદ્ધ પાસે દીક્ષા લે છે. બુદ્ધ સાથે તેનો વાર્તાલાપ અને સાથોસાથ મોદગલ્યાયનની દીક્ષાની કથાને અંતે બુદ્ધ ભરતવાક્ય બોલે છે. 1911માં પ્રો. લ્યુડર્સને તુર્ફાનમાંથી મળેલી ખંડિત હસ્તપ્રતોમાં આ પ્રકરણની સાથે રૂપનાટકનું એક પાનું તેમજ ગણિકાનાટકનાં કેટલાંક પાનાં મળ્યાં છે.
જયદેવ જાની