અશેળિયો : દ્વિદળી વર્ગની એક વનસ્પતિ સં. आहलिव, आहालिम्ब, अशालिक, चन्द्रशुरा; હિં. हालीम, यनसुर. શાસ્ત્રીય નામ Lepidium sattvum L. તેનું કુળ Cruciferae. તેનું નવું નામ Brassicaceae છે. કોબીજ-ફ્લાવર, મૂળો-મોગરા, સળગમ વગેરે તેનાં સહસભ્યો. કોમળ, 25-3૦ સેમી. ઊંચા, એકવર્ષાયુ, ઊભા નાના છોડ, રુવાંટી વગરનાં, પક્ષવત્ વિદર (pinnatipartite) નીચેનાં પર્ણો અર્ધખંડિત, પર્ણદંડવાળાં, ઉપરના ભાગે સાદાં પર્ણો. સફેદથી પીળાં, લાંબી કલગીમાં ગોઠવાયેલાં પુષ્પો બારીક, ચપટાં અને આછાં કે ઘેરાં રાતાં. નૌકાકાર બીજ ધરાવે.
ભારતમાં સર્વ સ્થળોએ ઉગાડવામાં આવે છે. ખાનદેશમાં નદીના અથવા ઝરાના કાંઠે વાવેતર થાય છે. કુમળાં પાન અને દાંડીઓનું કચુંબર તથા શાક થાય છે.
આર્યુર્વેદ અનુસાર બલ્ય, ધાતુપૌષ્ટિક, વૃષ્ય, સ્તન્યવર્ધક, આર્તવજનક, વાત-વેદનાનિવારક ઉપરાંત કટિશૂળહર, આંતર રક્તસ્રાવનું શમન કરનાર. મરડ-પછાડ પર લેપ કરવાથી શૂળ તથા સોજો મટાડે છે. અશેળિયાનો સૌપ્રથમ ઉલ્લેખ ‘ભાવપ્રકાશ’માં મળે છે.
શોભન વસાણી
સરોજા કોલાપ્પન