અવ્વૈયાર (ઈ. સ. બારમી કે તેરમી સદી) : તમિળ કવયિત્રી. સંઘકાળની અવ્વૈયાર જેવી જ મધ્યકાળમાં અવ્વૈયાર નામની એક કવયિત્રી હતી. એનું મૂળ નામ, જન્મ, માતાપિતા વગેરે વિશે કશી માહિતી મળતી નથી. સંઘકાળની અવ્વૈયારની જેમ એને વિશે પણ જાતજાતની દંતકથાઓ પ્રચલિત છે. એ દંતકથાઓમાં સત્યનો અંશ છે કે નહિ, અને હોય તો કેટલો એ વિશે કશુંક નિશ્ચિતપણે કહી શકાય એવી સામગ્રી મળતી નથી. એની મુખ્ય કૃતિઓ છે : ‘આત્તિશુડિ’, ‘કોન્રૈવેદન’, ‘મૂદુરૈ યા વાક્કુણ્ડામ’, ‘નલ્વળિ’, ‘અવ્વૈક્કુરળ’, ‘વિનાયકર્ અક્વલ’, ‘જ્ઞાનક્કુરળ’ વગેરે. આ ઉપરાંત એણે અનેક વિષયો પર પદો રચ્યાં છે. ‘આત્તિશૂડિ’ અને ‘કોન્રૈવેદન’ ઉપદેશાત્મક રચનાઓ છે. વિષયવસ્તુ તથા નિરૂપણરીતિની દૃષ્ટિએ એને સૂક્તિસંગ્રહ કહી શકાય, એની સૂક્તિઓ સમાજમાં લોકોક્તિના રૂપમાં પ્રચલિત થયેલી છે. ‘વાક્કુણ્ડામ’, ‘નલ્વળિ’ તથા ‘અવ્વૈક્કુરળ’ નીતિગ્રંથો છે. એમાં નીતિનો ઉપદેશ સંખ્યાબંધ દૃષ્ટાંતકથાઓ સહિત આપ્યો છે. ‘નલ્વળિ’ તમિળનો અત્યંત પ્રસિદ્ધ નીતિગ્રંથ છે. ‘વિનાયકર્ અક્વલ’ ભક્તિપ્રધાન ગેય પદોનું સંકલન છે. ‘જ્ઞાનક્કુરળ’માં તપનો મહિમા, જ્ઞાનીના અનુભવ વગેરેનું નિરૂપણ છે. અવ્વૈયારે સ્કુટ ગેય પદોમાં પોતાના જીવનના અનુભવોનું વર્ણન કર્યું છે. અવ્વૈયારને સામાન્ય જનતાનાં સુખદુ:ખનો ઘણો અનુભવ હતો. એમનાં પદોમાં સમકાલીન રાજાઓ, વીરો તથા મહાપુરુષો સંબંધી અનેક પ્રકારની માહિતી મળે છે. એમની શૈલીમાં માધુર્ય તથા સરળતા છે.
કે. એ. જમના