અવલોક (દશમી શતાબ્દીનો અંત; વાક્પતિરાજ મુંજનો શાસન- કાળ) : ‘દશરૂપક’ ઉપરની ધનિક-રચિત ટીકા. ધનંજય-રચિત ‘દશરૂપક’ સંસ્કૃત નાટ્યશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. ચાર પ્રકાશ (પ્રકરણ) અને લગભગ 3૦૦ કારિકાઓમાં લખાયેલા આ ગ્રંથમાં નાટ્યશાસ્ત્રના આધારે રૂપકો(નાટ્ય)ના ભેદ, ઉપભેદ આદિનું નિરૂપણ છે અને ચતુર્થ પ્રકાશમાં રસોનું નિરૂપણ છે. આ જ ‘દશરૂપક’ની કારિકાઓ ઉપર ધનંજયના ભાઈ અને વિષ્ણુના પુત્ર ધનિકે ‘અવલોક’ નામની ટીકા ગદ્યમાં લખી છે. આ ટીકામાં ધનિકે 33૦ કરતાં પણ વધુ પદ્યો ઉદ્ધૃત કર્યાં છે. આ ટીકાનું એક સ્વતંત્ર ગ્રંથ જેટલું મહત્વ છે. ધનિક નાટ્યમાં શાંત રસ અને તેના સ્થાયી ભાવ ‘શમ’નો સ્વીકાર કરતા નથી. ધનિકે સાહિત્યશાસ્ત્રનો ‘કાવ્યનિર્ણય’ નામે ગ્રંથ પણ લખ્યો છે.

ભગવતીપ્રસાદ પંડ્યા