અવલોકિતેશ્વર : મહાન બોધિસત્વ. અવલોકિતેશ્વરના સામાન્યત: ચાર અર્થો થાય છે : (1) માનવને જે કંઈ દેખાય છે તેના સ્વામી, (2) પ્રચલિત સ્થાનના સ્વામી, (3) માનવને દેખાતા ઈશ્વર, (4) જેનો સાક્ષાત્કાર થયો છે તેવો ઈશ્વર.
ટિબેટ અને ભારતના વિદ્વાનોના મતાનુસાર અવલોકિતેશ્વર એટલે માનવીઓ પ્રત્યે કરુણાદૃષ્ટિથી જોનારો ઈશ્વર. એ બધી બાજુએથી બધું જ જુએ છે, અને બધાંનું રક્ષણ કરે છે, એથી એને સમંતમુખ (બધી બાજુએ મુખ હોય એવા) પણ કહે છે. પણ પછી એમના વ્યક્તિત્વમાં શૈવ ગુણધર્મ સમાવિષ્ટ થતાં, એ અવલોકિતેશ્વર કહેવાવા લાગ્યા. એમનાં બીજાં બે નામો લોકનાથ તથા લોકેશ્વર છે.
સ્વર્ગવાસી બુદ્ધ અને એમની શક્તિ પાંડરામાંથી અવલોકિતેશ્વરનો જન્મ થયો. એમનું સૌંદર્ય બંને નેત્રોમાં સમાયું હોવાથી દયા અથવા કરુણા એમનો પરમ ગુણ છે. મધુસાગર કે રથના ચક્ર જેવડાં કમળો નિર્માણ કરવાનું તેમનું સામર્થ્ય છે. મહાયાન ગ્રંથોમાં જણાવ્યું છે કે એ લંકામાં ગયા ત્યારે ત્યાંની રાક્ષસીઓ એમના પર મુગ્ધ થઈ ગઈ, પણ એમણે એ બધીને સન્માર્ગે વાળી. મગધમાં એક વાર દુષ્કાળ પડ્યો હતો અને અન્ન ન મળતું હોવાથી, માણસો નરમાંસભક્ષી બન્યા હતા તે જોઈ એમણે વરસાદ લાવી લોકોને બચાવ્યા હતા.
બૌદ્ધ કલ્પના પ્રમાણે પ્રવર્તમાન કલ્પ ભદ્રકલ્પ છે અને તેના પર અવલોકિતેશ્વરનું પ્રભુત્વ છે. ‘સદધર્મપુંડરીક’ ગ્રંથમાં લખ્યું છે કે ‘તે બીજા બોધિસત્વો કરતાં શ્રેષ્ઠ છે. એ પરિત્રાણકર્તા છે. હજારો બુદ્ધોની પૂજા કરવા કરતાં તેમનું એકલાનું જ ધ્યાન ધરવું ઉચિત છે. એ બુદ્ધ, બોધિસત્વ, મહેશ્વર, કુબેર, વજ્રપાણિ વગેરે રૂપો ધારણ કરે છે. એ અમિતાભના સ્વર્ગમાં હોય છે અને ક્યારેક એમની જમણી તરફ તો ક્યારેક ડાબી તરફ બેસે છે.’’
‘કારંડવ્યૂહ’ ગ્રંથમાં કહ્યું છે તેમ, ‘એમનું સ્વરૂપ વિરાટ છે. ચંદ્રસૂર્ય એમનાં નેત્રમાંથી પ્રગટ થાય છે. મહાદેવ તેમના મસ્તકમાંથી પ્રગટ થાય છે. એમના હૃદયમાંથી નારાયણનો અને ખભામાંથી બ્રહ્મદેવનો જન્મ થાય છે. એ લક્ષભુજ અને કોટિ કોટિ નેત્રવાળા છે. એમની આંગળીઓમાંથી અમૃતની નદીઓ વહે છે.’’
અવલોકિતેશ્વરનું સૌથી મહાન કાર્ય ‘ૐ મણિપદ્મે હુમ્’ મંત્ર જગતને આપ્યો તે. એ મંત્રનું સામર્થ્ય અપાર છે. ટિબેટના બૌદ્ધો માને છે કે લગભગ ઈ. સ. 4૦૦માં આ મંત્ર તેમની ભૂમિ પર સ્વર્ગમાંથી પડ્યો. આ મંત્રવિદ્યાની અવલોકિતેશ્વર સિવાય બીજા કોઈને જાણ નથી એવી તેમની માન્યતા છે.
સંસ્કૃતના જર્મન વિદ્વાન વિન્ટરનિટ્ઝને મતે ઈસુની પાંચમી સદીમાં ભારતમાં તેમની ઉપાસના શરૂ થયેલી. એમની પ્રાચીનતમ મૂર્તિ ઈ. સ. પાંચમી સદીની મળે છે. ચીની પ્રવાસી ફહિયાને (ઈ. સ. 399) ભારતમાં અવલોકિતેશ્વરની પૂજા થતી નજરે જોયેલી. એ લંકાથી ચીન જતો હતો ત્યારે સમુદ્રનું ભયંકર તોફાન આવ્યું ત્યારે એણે પ્રાણરક્ષા માટે અવલોકિતેશ્વરની પ્રાર્થના કરી હતી. ટિબેટમાં અવલોકિતેશ્વર લામાપંથના મુખ્ય દેવ છે. ત્યાંના મુખ્ય લામામાં એ અવતરિત થાય છે એમ મનાય છે. ચીનમાં અવલોકિતેશ્વર નારીરૂપમાં દર્શાવાયા છે, તેમાં ભારતની અર્ધનારીશ્વરની કલ્પનાનો પ્રભાવ હોવાનો સંભવ છે. એમની એક સુંદર મૂર્તિ લખનૌ મ્યુઝિયમમાં છે, જેમાં એમણે હાથમાં કમળ ધારણ કરેલું છે.
ચન્દ્રકાન્ત મહેતા