અવર્ણકતા, ત્વકીય (albinism) : ચામડીમાં શ્યામ કણોની ઊણપ. ચામડી, વાળ તથા આંખના નેત્રપટલ(iris)ના કૃષ્ણ કોષો(melanocytes)માં રહેલા કૃષ્ણવર્ણક(melanin pigment)ના કણો તેમને કાળાશ આપે છે. કૃષ્ણવર્ણકની ઊણપ આખા શરીરમાં અથવા કોઈ એક ભાગમાં હોય ત્યારે ત્વકીય અવર્ણકતા થાય છે. તેથી તે વ્યક્તિ ભૂરિયો લાગે છે. આ એક વારસાગત રોગ છે. આખું ને આખું કુટુંબ ભૂરિયું હોય એમ પણ બને.
સામાન્ય રીતે, ઉષ્ણકટિબંધમાં રહેતા કાળા લોકોમાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેની સાથે ક્યારેક બીજી જન્મજાત ખામીઓ પણ હોય છે. આ રોગનો દર્દી ક્ષય જેવી બીમારીનો સામનો કરી શકતો નથી. તે પ્રકાશ કે ગરમી સહન કરી શકતો નથી. તેને કારણે દર્દીની આંખો લોલકની માફક સતત હાલ્યા કરે છે. સૂર્યના પ્રકાશમાં વધુ સમય રહેવાથી નાની વયે ચામડીમાં ઘડપણનાં ચિહનો જોવા મળે છે, જેવાં કે શૃંગસ્તરવર્ધન (kiratosis), ત્વકીય શૃંગ (cutaneous horn), કૅન્સર વગેરે. વારસાગત ખામીને કારણે થતા આ રોગની કોઈ ચિકિત્સા ઉપલબ્ધ નથી.
અરુણ અમીન