અવન્તિ : સોળ મહાજનપદોમાંનું એક. ‘અવન્તિ’ એ માલવ પ્રદેશની જૂની સંજ્ઞા હોવાનું પાણિનિ તેમ મહાભારત – રામાયણ – પુરાણો – ઉત્કીર્ણ લેખો વગેરેથી જાણવામાં આવ્યું છે, જેની રાજધાની ‘અવંતિ’ કિંવા ઉજ્જયિની હતી. ત્યાંના લોકો ‘આવંત્ય’ કહે છે. ‘મહાવસ્તુ’ અને ‘લલિતવિસ્તાર’(બૌદ્ધ ગ્રંથો)માં જંબૂદ્વીપનાં સોળ જનપદોમાંના એક તરીકે એનો ઉલ્લેખ થયેલો છે. અહીંના રાજા ચંડપ્રદ્યોત મહાસેને અને તેને રાજપુરોહિતે ભગવાન બુદ્ધ પાસેથી બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતો. રઘુવંશ અને મેઘદૂતમાં કાલિદાસે ‘અવંતિ’નો ઉલ્લેખ કર્યો છે અને રાજધાની ‘વિશાલા’ કહી છે. આ ‘વિશાલા’ તે જ ઉજ્જયિની. વિંધ્યપૃષ્ઠનિવાસી તરીકે થયેલો નિર્દેશ હકીકતે વિંધ્ય ગિરિમાળાની પૂર્વના પ્રદેશ તરીકે હોવાનું જ સમર્થન કરે છે. હૈહ્યોની પાંચ શાખાઓમાંની એક ‘અવંતી’ કહેલ છે એ પણ એ જ પ્રદેશનું સમર્થન કરે છે. મહાભારત આરણ્યક પર્વમાં ઋક્ષ (સાતપુડા) ગિરિમાળાને અવંતિની સીમાનો સ્પર્શ કરતી બતાવી છે એ પણ ધ્યાનપાત્ર છે. હકીકતે અત્યારના પશ્ર્ચિમ માળવા, નિમાડ અને મધ્યપ્રદેશનો કેટલોક નજીકનો પ્રદેશ ‘અવંતિ’ છે. સાતમી-આઠમી સદી પછીથી અવંતિને ‘માળવા’ કહેવાનું શરૂ થયું. ‘આવંત્યમંડલ’ એ આ જ. મહાભારત યુદ્ધમાં નાશ પામેલા વિંદ અને અનુવિંદ રાજવીઓ આ દેશના અધિપતિ હતા. ક્ષત્રપરાજ રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખ(ઈ.સ. 15૦)માં પહેલા દેશ ‘આકર’ પછી ‘અવંતિ’ આવે છે તે એની પૂર્વ અને પશ્ર્ચિમે માળવા ઉપરની સત્તાનો ખ્યાલ આપે છે.
કે. કા. શાસ્ત્રી
રસેશ જમીનદાર