અવકાશ જીવવિદ્યા (exobiology) : અન્ય ગ્રહો ઉપરનું જીવનું અસ્તિત્વ તપાસતું વિજ્ઞાન. જીવવિજ્ઞાનની આ શાખા અવકાશમાં અન્ય ગ્રહો પર જીવની સંભાવનાને લગતી શોધ સાથે સંકળાયેલી છે. અવકાશયાનોના વિકાસ બાદ વિજ્ઞાનની આ શાખાનો વિશેષ વિકાસ થયો છે. અન્ય ગ્રહો પર જીવનની શક્યતા, બુદ્ધિ ધરાવતા સજીવોની સંભાવના વગેરે બાબતો અંગેનું સંશોધન તેનો વિષય છે. કાર્બનયુક્ત પૂર્વસંયોજનોનું અસ્તિત્વ, ચયાપચયની આડપેદાશો, જીવના અવશેષો, ત્યાંના સજીવો દ્વારા સંભવત: વિકસાવેલાં યંત્રો વગેરેની તપાસ દ્વારા આ સંશોધનો થાય છે. જીવનું અસ્તિત્વ પ્રસ્થાપિત ન કરી શકાય તોપણ આ વિદ્યાશાખા પૃથ્વી પર જીવની ઉત્પત્તિ સમજાવવામાં અને વિષમ પર્યાવરણમાં જીવન ટકાવવાના ઉપાયો શોધવામાં ઘણો મહત્વનો ફાળો આપી શકે તેમ છે.
ફક્ત મંગળ ગ્રહ હવે તો એક જ એવો છે, જ્યાં સજીવોનું અસ્તિત્વ નકારી શકાય નહિ એવી પરિસ્થિતિ છે. કદાચ સૂર્યમાળાની બહાર એવા ગ્રહો પણ મળે, જ્યાં જીવન પાંગર્યું હોય.
જૈવરસાયણશાસ્ત્રીઓ આજે એવા મત ઉપર આવ્યા છે કે અવકાશમાં કોઈ પણ સ્થળે જીવન હોવા માટે, પાણી પ્રવાહી સ્વરૂપે હોવું અનિવાર્ય છે અને નહીં કે થીજેલી સ્થિતિમાં. ગુરુના ગ્રહ ઉપર કાર્બનિક અણુની રચના સંભવિત છે, જેમાં ઍમિનોઍસિડનો સમાવેશ થાય છે. કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે ગુરુ અને શનિનાં વાદળોમાં પ્રવાહી સ્વરૂપે પાણીનાં બુંદ નિલંબિત થયેલાં છે અને તેમાં બૅક્ટેરિયા હોવાનો સંભવ છે.
નરેન્દ્ર ઈ. દાણી
પ્રહલાદ છ. પટેલ