અળગિરિસામી, કુ. (જ. 23 સપ્ટેમ્બર 1923, ઇડૈશેવલ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ; અ. 5 જુલાઈ 197૦) : તમિળ લેખક. એમનાં ‘સારસાંત્રી’, ‘જી. એલય્યા’ તથા ‘કુળ્ળૈ’ ઉપનામો છે. એમને અંગ્રેજી પર પણ પ્રભુત્વ છે. એમણે લગભગ 25 જેટલી કૃતિઓની રચના કરી છે; જેમાં ‘કર્પકવૃક્ષમ્’, ‘દૈવયમ્ પિરન્દદુ’ વાર્તાસંગ્રહો; ‘કવિચ્ચકવર્તી’, ‘વૈકુણ્ડતિલ્લ’, ‘વાલ્મીકિ કમ્બર’ વગેરે નાટ્યકૃતિઓ; ‘મુડ્ડુડહી પળ્ળુ’, ‘વિલ્લિભારદ્’ (નૃત્યનાટક); ‘તમિળ–તન્દ કવિયમુદમ્’ (નિબંધસંગ્રહ); ‘મુનરુ પિળ્ળૈ હળ’ (બાલસાહિત્ય) વગેરે પ્રસિદ્ધ છે. એમણે અગિયાર અંગ્રેજી રચનાઓનો તમિળમાં અનુવાદ કર્યો છે. એમણે કેટલાંક સામયિકોનું પણ સંપાદન કર્યું છે. તેમણે ગાંધીસાહિત્યના સંપાદનમાં પણ કેટલુંક કાર્ય કરેલું. તેઓ ગાંધીવાદી વિચારધારાના સમર્થક છે. એમની કેટલીક કૃતિઓ વિદેશી ભાષાઓમાં પણ અનૂદિત થઈ છે. એમના વાર્તાસંગ્રહ ‘અન્બળિપ્પુ’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 197૦નો પુરસ્કાર મળ્યો છે.
કે. એ. જમના