અલ્ કાઝી ઇબ્રાહીમ

January, 2001

અલ્ કાઝી, ઇબ્રાહીમ (જ. 18 ઑક્ટોબર 1925, પુણે, મહારાષ્ટ્ર; અ. 4 ઑગસ્ટ 2020, નવી દિલ્હી) : ભારતીય નાટ્યજગતની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિ. પિતા મૂળ અરબ અને માત્ર અરબી જાણે. માતા ઉર્દૂ, હિન્દી, મરાઠી અને ગુજરાતી પર પણ સારો કાબૂ ધરાવતાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણીને નાટ્યકળાના અભ્યાસ અર્થે તેઓ લંડન ગયા. ત્યાં રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામેટિક આર્ટ અને બ્રિટિશ ડ્રામા લીગમાં નાટ્યકલાના વિવિધ સંપ્રદાયો તથા સિદ્ધાંતોનું અધ્યયન કર્યું. લંડન યુનિવર્સિટીના ગ્રંથાલય અને વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં કલાકો ગાળીને જગતના મહાન સન્નિવેશકારો તથા તેમની દૃશ્યરચનાઓ અને વેશભૂષાઓનાં મૉડેલો તથા ચિત્રોનો અભ્યાસ કર્યો.

Alkazi

અલ્ કાઝી, ઇબ્રાહીમ

સૌ. "Alkazi" | CC BY-SA 4.0

કૉલેજમાં હતા તે અરસામાં મુંબઈના એક નાટ્યનિષ્ણાત સુલતાન પદમશીએ ‘થિયેટર ગ્રૂપ’ નામની સંસ્થા સ્થાપેલી. અલ્ કાઝી વીસ વર્ષની ઉંમરે એ સંસ્થાના પ્રમુખ ચૂંટાયેલા. લંડનથી આવ્યા બાદ, કોલાબા પરના પોતાના નાનકડા આવાસમાં, રાચરચીલું ખસેડીને, નાટકોનાં રિહર્સલ કરવા માંડ્યાં. મકાનની અગાસી પર એક ખૂણામાં રંગમંચનું આયોજન કરીને નિમંત્રિત પ્રેક્ષકો સમક્ષ, ઓછામાં ઓછાં સાધનોથી સન્નિવેશ–વેશભૂષા ઇત્યાદિના ભપકા વગર સફળતાપૂર્વક હિન્દી અને અંગ્રેજી નાટકો ભજવ્યાં. તે માટે તેમને સન્નિષ્ઠ કલાકારોનો સાથ મળ્યો હતો. અહીં જ નાટ્યશાળા સ્થાપીને નાટ્યકળાની તાલીમ આપવાની પ્રવૃત્તિ શરૂ કરી.

1962માં દિલ્હીની રાષ્ટ્રીય નાટ્યશાળા(National School of Drama)ના નિયામક તરીકે તેમને સરકારે નિમંત્ર્યા, જ્યાં તેમણે 1977 સુધી કામ કરીને નાટ્યનિર્માણ, દિગ્દર્શન તથા નાટ્યરુચિનાં ઊંચાં ધોરણો સ્થપાય તેવા પ્રયોગો કરીને ભારતમાં તેમજ ભારત બહાર પ્રથમ કક્ષાના નાટ્યવિદ તરીકે ખ્યાતિ મેળવી. તેમણે કરેલા–કરાવેલા અંગ્રેજી હિન્દી નાટ્યપ્રયોગોમાં ‘ઇડિપસરૅક્સ’, ‘ટ્રોજન વિમેન’, ‘કિંગ લિયર’, ‘એનીમી ઑવ્ ધ પીપલ’, ‘લૂક બૅક ઇન અગર’, ‘કોકેશ્યન ચૉક સરકલ’, ‘અંધા યુગ’, ‘આષાઢ કા એક દિન’, ‘આધે અધૂરે’, ‘તુઘલક’, ‘મૃચ્છકટિક’, ‘શાકુન્તલ’, ‘મધ્યમ વ્યાયોગ’, ‘કંજૂસ’, ‘જશમા ઓડણ’ વગેરેને ગણાવી શકાય. તેમણે કેટલાક નવોદિત હિન્દી તથા બિનહિન્દી નાટ્યલેખકોનાં નાટકોને રજૂ કરીને હિન્દી નાટ્યપ્રવૃત્તિને ભારતના વિશાળ ફલક પર સ્થાપી આપી. ઉત્તમ નાટકોને ભારતના વિભિન્ન પ્રદેશોમાં ભજવાવીને તેમણે પ્રેક્ષકોની નાટ્યરુચિને સંસ્કારી.

1977માં રાષ્ટ્રીય નાટ્યશાળાથી છૂટા થયા બાદ અલ્ કાઝી તેમનાં પત્ની રોશન સાથે દિલ્હીમાં ચિત્રપ્રદર્શિની સંસ્થાની સ્થાપના કરીને આધુનિક ચિત્રકારો તથા શિલ્પકારોની ઉત્તમ કૃતિઓનાં પ્રદર્શનો ભરે છે. શ્રીમતી અલ્ કાઝી અંગ્રેજીમાં કાવ્યો રચે છે. ભારતીય વેશભૂષા વિશે એક સચિત્ર ગ્રંથ પણ તેમણે પ્રસિદ્ધ કર્યો છે. વર્લ્ડ થિયેટર એન્સાઇક્લોપીડિયા જે અમેરિકામાં તૈયાર થઈ રહ્યો છે તેના એશિયા વિભાગનું સંપાદન અલ્ કાઝી કરે છે. નાટ્યક્ષેત્રમાંની તેમની સિદ્ધિની કદર રૂપે 1962માં દિલ્હીની સંગીત નાટ્ય અકાદમીનો પુરસ્કાર અને 1966માં પદ્મશ્રીનો ઇલકાબ ભારત સરકાર તરફથી તેમને એનાયત થયેલો. 1986માં મધ્ય પ્રદેશ સરકાર તરફથી તેમને કાલિદાસ સન્માન પુરસ્કાર એનાયત થયો છે. ડિસેમ્બર, 1998માં નાટ્યકલાના ‘જીવતા-જાગતા કોશ’ (living treasure) તરીકે તેમનું મુંબઈમાં જાહેર સન્માન થયેલું. તેમને 1991માં પદ્મભૂષણ અને 2010માં પદ્મવિભૂષણ એનાયત થયો હતો.

ગોવર્ધન પંચાલ