અલકમા બિન અબ્દહ અલ્ તમીમી

January, 2001

અલકમા બિન અબ્દહ અલ્ તમીમી (છઠ્ઠી સદી) : પ્રાચીન અરબી કવિ. તે અલકમા અલ્ફહલ(નરકેસરી)ના નામથી પ્રખ્યાત છે. કબીલા તમીમના સુપ્રસિદ્ધ કવિ ઇમ્રુઉલ કૈસ(મૃત્યુ ઈ. સ. 540)ના તેઓ મિત્ર હતા. છઠ્ઠી સદીના પ્રથમાર્ધમાં તેમણે કાવ્યરચના કરી કહેવાય છે. લખમી અને ગસ્સાની અરબો વચ્ચે થયેલી લડાઈઓ વિશે તેમની કવિતામાં વર્ણન છે. તેમના ભાઈ શાશ અને તમીમ કબીલાના અમુક સભ્યોને હલીમાની લડાઈમાં ગસ્સાની વંશના રાજા અલ્હારિસ બિન જબલા(ઈ. સ. 5295-69)એ કેદ કરેલા, તેમાંથી તેમનો છુટકારો થયેલો તેનો ઉલ્લેખ તેમની કવિતામાં છે.

અરબ પ્રણાલિકા પ્રમાણે અલકમા અને ઇમ્રુલ કૈસ વચ્ચે કાવ્યરચનાની સ્પર્ધા થયેલી, જેમાં તેઓ વિજયી થયેલા. આ બાબત મધ્યસ્થ રહીને ન્યાયપૂર્ણ ચુકાદો આપનાર ઉમ્મે જુન્દુબને ઇમ્રુલ કૈસે છૂટાછેડા આપેલા; પછી અલકમાએ તેની સાથે લગ્ન કર્યાં હતાં.

અલકમા અલ્ફહલના કસીદાઓમાં ચોટદાર વર્ણનો હોય છે. અરબ વિવેચકોએ તેમને ઉત્તમ શક્તિશાળી અરબ કવિઓમાં સ્થાન આપેલું છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ