અલ્જિયર્સ : આફ્રિકાના અલ્જિરિયાનું પાટનગર અને મુખ્ય બંદર. સાહેલ ટેકરીઓ પર વસેલા અલ્જિયર્સ શહેરની વસ્તી 39,15,811 (2011) છે. ફિનિશિયા(આધુનિક લેબનન અને આસપાસના વિસ્તારનો પ્રાચીન પ્રદેશ)ની પ્રજાએ ઉત્તર આફ્રિકામાંનાં તેનાં અનેક સંસ્થાનોની સ્થાપના વખતે અરબોએ 935માં આ શહેરની સ્થાપના કરી હતી. અનેક આક્રમણોમાં નાશ પામેલા અલ્જિયર્સની પુન: સ્થાપના બર્બર વંશે દસમી સદીમાં કરી હતી. ત્યારથી તે ભૂમધ્ય વિસ્તારમાં ઉદ્યોગ અને વાણિજ્યનું અગત્યનું કેન્દ્ર બન્યું. સોળમી અને સત્તરમી સદીમાં તે સ્પૅનિશ અને તુર્ક (1518) પ્રજાઓને આધીન રહ્યું હતું. 1830માં ફ્રાન્સે તે કબજે કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્તર આફ્રિકાનાં મિત્રરાજ્યોનાં દળોનું તે વડું મથક હતું અને ફ્રાન્સનું કામચલાઉ પાટનગર બન્યું હતું. અલ્જિરિયાની સ્વાતંત્ર્યની લડતમાં અલ્જિયર્સ શહેરે મહત્વનો ભાગ ભજવ્યો હતો. અગિયારમી સદીમાં બંધાયેલ મલિકી અને સત્તરમી સદીમાં બંધાયેલ હનાફી મસ્જિદો અહીં આવેલી છે.
હેમન્તકુમાર શાહ