અલ્જિનિક ઍસિડ : મેન્યુરૉનિક અને ગ્લુકુરૉનિક ઍસિડ એકમોનો રેખીય (linear) બહુલક (polymer). આ ઍસિડનો ક્ષાર (અલ્જિન) ભૂખરા રંગની સમુદ્ર-શેવાળમાં મળે છે. સ્ટેનફર્ડને 1880માં આયોડિનના નિષ્કર્ષણની વિધિને સુધારવાના પ્રયત્ન દરમ્યાન અલ્જિન સૌપ્રથમ મળ્યું હતું.
અલ્જિનિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટે મૅક્રોસિસ્ટિક પાયરિફેરા, વિવિધ પ્રકારની લેમિનેરિયા અને એસ્કોફાઇલમ નોડોસમ જાતની સમુદ્ર-શેવાળો વપરાય છે. ભારતમાં તામિલનાડુ અને સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠે મળતી ટર્મિનેલિયા નામની શેવાળ પણ ઉપયોગમાં લેવાય છે. શેવાળની કોષદીવાલમાં અલ્જિનિક ઍસિડના કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, સોડિયમ અને પોટૅશિયમના ક્ષારો હોય છે. આલ્કલીયુક્ત પાણી વડે અલ્જિનિક ઍસિડનું દ્રાવ્ય ક્ષાર રૂપે નિષ્કર્ષણ કરવામાં આવે છે. આ દ્રાવણમાં ઍસિડ ઉમેરતાં અલ્પદ્રાવ્ય અલ્જિનિક ઍસિડ અવક્ષેપ રૂપે મળે છે. તેનો બહુલીકરણ-આંક (degree of polymerisation, DP) 100થી 800 છે. વિવિધ જાતની શેવાળમાંથી મળતા અલ્જિનિક ઍસિડમાં ઉપરના બે એકમોનું પ્રમાણ વિભિન્ન હોય છે. ફક્ત મેન્યુરૉનિક ઍસિડ એકમોનો ઉપયોગ કરીને અલ્જિનિક ઍસિડનું બંધારણ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે :
આ પદાર્થ સ્વાદહીન છે, અને પોતાના વજનથી 200-300ગણું પાણી શોષી શકે છે. આઇસક્રીમની બનાવટમાં (મિશ્રણ થીજતાં પાણી બરફ રૂપે અલગ ન પડે તે માટે), પીણામાં, ખાદ્ય પદાર્થોની બનાવટમાં (દા. ત., પ્રોપિલીન ગ્લાયક્રૉલ અલ્જિનેટ), કાપડના છાપકામમાં, પાણીના શુદ્ધીકરણમાં, દાંતનાં ચોકઠાં માટેનું જરૂરી બીબું (impression) મેળવવા માટે, તેલના કૂવાના શારકામ વગેરેમાં અલ્જિનિક ઍસિડ તથા ક્ષારો ઉપયોગમાં લેવાય છે.
પ્રવીણસાગર સત્યપંથી