અલી (હજરત) (જ. 599, મક્કા, અરબસ્તાન; અ. 661, કૂફા, અરબસ્તાન) : ઇસ્લામના પેગમ્બર હજરત મુહમ્મદના પિતરાઈ ભાઈ, જમાઈ તેમજ તેમના ચોથા ખલીફા (ઉત્તરાધિકારી). મૂળ નામ અલી. પિતાનું નામ અબૂ તાલિબ. નાની વયે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. નવો ધર્મ સ્વીકારવામાં તેમનો બીજો કે ત્રીજો નંબર હોવાનું મનાય છે. હિજરતની રાત્રે પેગમ્બરસાહેબની કતલ કરવાના ઇરાદાવાળા વિરોધી મક્કાવાસીઓને થાપ આપવા તેમની શૈયા પર સૂતા અને પાછળથી પોતે પણ હિજરત કરી મદીના ચાલ્યા ગયા. તબૂક સિવાય બધાં ધર્મયુદ્ધોમાં તેમણે ભાગ લીધો હતો. ખૈબરના યુદ્ધમાં ઇસ્લામી લશ્કરની આગેવાની લઈ અદ્વિતીય પરાક્રમ દાખવીને તેમણે વિજય મેળવેલો. શૌર્ય અને પરાક્રમમાં તેઓ પોતાના સમકાલીનોમાં અજોડ લેખાતા.
પેગમ્બરસાહેબના ઈ. સ. 632માં અવસાન પછી તેમના જમાઈ હોવાને સંબંધે તેમના ઉત્તરાધિકારી (ખલીફા) થવાનો પોતાનો અધિકાર છે તેમ તેઓ માનતા. છેવટે ઈ. સ. 656માં ત્રીજા ખલીફા હજરત ઉસ્માનના શહીદ થયા પછી મદીનાવાસીઓ તેમજ ત્રીજા ખલીફાના વિરોધીઓના સમર્થનથી ચોથા ખલીફા તરીકે તેમની વરણી થઈ; પણ સીરિયાના ગવર્નર અમીર મુઆવિયા તથા તેમના પક્ષકારોએ હજરત ઉસ્માનના ખૂનનો બદલો લેવાની માગણી કરી, જેને પરિણામે તેમની અને અમીર મુઆવિયા વચ્ચે બે લડાઈઓ થઈ. લવાદ દ્વારા મતભેદ દૂર કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. પરિણામે તેમની ખિલાફતનાં વર્ષો દરમિયાન જ તત્કાલીન ઇસ્લામી દુનિયાના પશ્ચિમ ભાગમાં દમાસ્કસના ગવર્નર અમીર મુઆવિયાનું સ્વતંત્ર શાસન રહ્યું. તેમણે ખિલાફતનું મથક મદીનાથી ખસેડી ઇરાકમાં આવેલ કૂફા શહેરમાં રાખ્યું હતું.
ઈ. સ. 661માં કૂફાની મસ્જિદના દ્વાર પર ફજર(પ્રાત:કાળ)ની નમાજના સમયે અબ્દુર્રહમાન ઇબ્ને મુલ્જિમે ઝેરીલી તલવારના કરેલા હુમલાને પરિણામે બેત્રણ દિવસ પછી મૃત્યુ પામ્યા. કૂફાથી થોડે અંતરે આવેલ નજફ નામના સ્થળે તેમનું દફન થયું. તેમનું દફનસ્થળ ઘણાં વર્ષો સુધી ગુપ્ત રાખવામાં આવ્યું હતું.
હજરત અલીના સમયથી ઇસ્લામમાં બે ફાંટાઓ પડી ગયા. તેમના તરફદારો અરબીમાં શીઅતે અલી શિયા કહેવાયા. પેગમ્બરસાહેબનાં પુત્રીથી થયેલા તેમના બે પુત્રો ઇમામ હસન તથા ઇમામ હુસૈન તેમજ ઇમામ હુસૈનના સીધા વંશજો પેગમ્બરસાહેબના ઉત્તરાધિકારી, બલકે ઇમામતના હકદાર ગણાયા.
હજરત અલીની વાક્છટા અદભુત હતી. સાદાઈ, ધાર્મિક ક્રિયાકાંડના પાલનમાં દૃઢતા, ભૌતિક પદાર્થો પ્રત્યે અનાસક્તિ જેવા તેમના ચારિત્ર્યગુણો મહત્વના છે. ધાર્મિક યુદ્ધો જેહાદોમાં જે માલસામાન પ્રાપ્ત થતો તેની ન્યાયપુર:સર વહેંચણી કરવાના તથા તે યુદ્ધોમાં પકડાયેલા કેદીઓ પ્રત્યે કડકાઈભર્યું શિસ્ત દાખવવાના તેઓ આગ્રહી હતા.
કુરાન અને હદીથ(હદીસ)ના મહાન અભ્યાસી તરીકે પણ તેઓ ખ્યાત હતા. તેમનાં અરબી સુવાક્યો અને મુક્તકોનો અગિયારમા-બારમા સૈકામાં સંકલિત થયેલો સંગ્રહ ‘નહજુલ–બલાગત’ અરબી સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ