અલી અકબર ‘દેહખુદા’ (જ. 1879, તેહરાન; અ. 1956) : ઈરાનના ફારસી કવિ. ઉપનામ દેહખુદા. પિતા કઝવીનના ખેડૂત હતા. વિદ્યાભ્યાસ પછી દેહખુદા યુરોપના પ્રવાસે ગયા. ત્યાં ઘણાં વરસ સુધી રહ્યા. પાછા ફર્યા પછી ‘સૂરે ઇસ્રાફીલ’ સમાચારપત્રમાં ‘દખવ’ નામથી ‘ચરદ પરદ’ની કટાર લખતા હતા. રાજકીય કારણોસર તેમને દેશનિકાલની શિક્ષા કરવામાં આવી હતી. શાહ મુહમ્મદઅલી કાચારના પદભ્રષ્ટ થયા પછી તેઓ ઈરાન આવ્યા અને રાષ્ટ્રીય ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
તેમની પ્રખ્યાત કૃતિ ‘અમ્સાલ વ હિકમ’ ચાર ભાગમાં છે. તેમણે શબ્દકોશ તૈયાર કરીને ફારસી ભાષાની મોટી સેવા કરી છે. તેમણે ‘રૂહુલ કવાનીન’ અને ‘સિર્રે અઝમત વઇન્હિતાતે દવલતે રૂમ’ વગેરે અનેક ગ્રંથોના અનુવાદ કર્યા છે.
દેહખુદા અર્વાચીન રાષ્ટ્રવાદી ફારસી કવિઓમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ