અલીવર્દીખાન (જ. 10 મે 1671, ડેક્કન; અ. 10 એપ્રિલ 1756, મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળ) : બંગાળનો નવાબ. બંગાળમાં શુજાઉદ્દીનની સરકારમાં સામાન્ય સ્થિતિમાંથી સ્વપ્રયત્ને ઊંચા હોદ્દા પર આવેલો સરદાર. મૂળ નામ મીર્ઝા મુહમ્મદઅલી. 1728માં શુજાઉદ્દીને તેને અકબરનગર(રાજમહલ)ના ચકલાનો ફોજદાર નીમ્યો હતો. આ વિસ્તાર ઉપર તેણે કુશળતાપૂર્વક કામગીરી બજાવીને લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપ્યાં. અલીવર્દીનો ભાઈ હાજીઅહમદ મુર્શિદાબાદમાં રહીને શુજાઉદ્દીનનો સલાહકાર બન્યો હતો. તેના જ્યેષ્ઠ પુત્ર મુહમ્મદ રાઝા(પાછળથી નવઝીશ મુહમ્મદખાન)ની નિમણૂક મુર્શિદાબાદમાં નવાબની લશ્કરી ટુકડીઓને પગાર આપનાર અધિકારી અને કસ્ટમના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે થઈ હતી. તેનો બીજો પુત્ર આગા મુહમ્મદ સઇદ (પાછળથી સઇદ અહમદખાન) રંગપુરના ફોજદાર તરીકે નિમાયો હતો.
1773માં અલીવર્દીખાનની નિમણૂક બિહારના નાયબ સૂબેદાર તરીકે થઈ. અલીવર્દીએ બિહારમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં અને જમીનદારોને નમાવ્યા.
માર્ચ, 1740માં તેણે પટણા છોડી મુર્શિદાબાદ તરફ પ્રયાણ કર્યું. 10મી એપ્રિલ, 1740ના રોજ સરફરાઝના લશ્કર સાથે યુદ્ધ થયું અને સરફરાઝનું યુદ્ધમાં મૃત્યુ થયું. તેથી અલીવર્દી બંગાળના નવાબ તરીકે ગાદીએ બેઠો. દિલ્હીથી પોતાના હોદ્દા માટે તેણે શાહી ફરમાન મેળવી લીધું.
અલીવર્દીએ સરકારમાં ફેરફારો કર્યા. પોતાના જ્યેષ્ઠ ભત્રીજા નવઝીશ મુહમ્મદખાનને શાહી જમીનોનો દીવાન અને ઢાકાનો નાયબ સૂબેદાર નીમ્યો, તેમજ હુસેન કુલીને તેનો નાયબ બનાવ્યો. તેના સૌથી નાના ભત્રીજા ઝઇનુદ્દીન અહમદને બિહારનો નાયબ સૂબેદાર બનાવ્યો. અબ્દલ અલીખને તિરહૂતની સરકારનો હવાલો સોંપ્યો તેમજ બિહાર અને બિસ્વાક પરગણાંઓના રેવન્યુ કલેક્ટર તરીકે કામગીરી સોંપી. મીર મુહમ્મદ જાફરખાનને લશ્કરનો પે-માસ્ટર બનાવ્યો. કાસિમ અલીખાનને રંગપુરનો ફોજદાર અને નુરુલ્લા બેગખાનને નવા લશ્કરનો પે-માસ્ટર બનાવ્યો. અતુલ્લાહખાનને ભાગલપુરનો ફોજદાર નીમ્યો. અલીવર્દીના નવા સ્થાનનો ઓરિસાના નાયબ સૂબેદાર રુસ્તમ જંગે (મુર્શિદ કુલી બીજો) વિરોધ કર્યો પણ છેવટે તેને નમાવવામાં આવ્યો એટલે તે દખ્ખણ તરફ નાસી ગયો.
1742થી 1751ના સમય દરમિયાન મરાઠાઓના હુમલાઓએ અલીવર્દીખાનને જંપીને બેસવા દીધો નહીં. આ સાથે તેના સમયમાં મુસ્તફાખાન, સમશેરખાન, સરદારખાન અને અફઘાન સૈનિકોએ 1745માં અને 1748માં બળવાઓ કર્યા હતા.
અલીવર્દીખાને જૂન, 1751માં મરાઠાઓ સાથે સંધિ કરી. અલીવર્દીખાનનું મૃત્યુ થયું ત્યાં સુધી એણે સુંદર વહીવટ કર્યો હતો.
યતીન્દ્ર દીક્ષિત