અલાસ્કા

January, 2001

અલાસ્કા : અમેરિકાના સંયુક્ત રાજ્યો(U.S.A.)માંનું ઉત્તરમાં વાયવ્યે આવેલું રાજ્ય. વિસ્તાર(15,30,700 ચોકિમી.)ની દૃષ્ટિએ તે અમેરિકાનું સૌથી મોટું રાજ્ય છે; જોકે વસ્તી 7,40,339 (2023) અત્યંત છૂટીછવાયી છે. તેની પશ્ચિમે બેરિંગ સમુદ્ર અને સામુદ્રધુની, ઉત્તર અને વાયવ્યે આર્ક્ટિક મહાસાગર, દક્ષિણે પ્રશાંત મહાસાગર અને અલાસ્કાનો અખાત અને પૂર્વે કૅનેડાનો યુકોન પ્રદેશ તથા બ્રિટિશ કોલંબિયા પ્રાંત આવેલાં છે. 60° ઉ. અ. ઉપર આવેલું હોવાથી શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે 11° સે. થઈ જાય છે. ઉનાળામાં વધારેમાં વધારે તાપમાન 14° સે. હોય છે. આ રાજ્યનો એક તૃતીયાંશ ભાગ જંગલોથી છવાયેલો છે. બાકીના ઘણાખરા ભાગમાં ટુંડ્ર પ્રદેશનાં પ્રકારની નાની વનસ્પતિ અને ઘાસ થાય છે.

15થી 40 હજાર વર્ષ પહેલાં આવેલા ઉત્તર અમેરિકાના સ્થળાંતરિતોના વંશજો તરીકે અહીંના ઇન્ડિયનોની ગણના થાય છે. એસ્કિમો અને એલેઉત પ્રજા ત્રણથી આઠ હજાર વર્ષ પહેલાં અલાસ્કા આવેલી આર્ક્ટિક પ્રજાની વંશજ મનાય છે.

Ketchikan, Alaska

અલાસ્કા, કેચિકન શહેરનું એક ર્દશ્ય

સૌ. "Ketchikan, Alaska" | CC BY-SA 4.0

રશિયન વેપારીઓ દ્વારા 1784માં પહેલી યુરોપીય વસાહત અલાસ્કામાં સ્થપાઈ. 1799થી 1867 સુધી રશિયન-અમેરિકન કંપની દ્વારા અલાસ્કા વિસ્તારનો વહીવટ ચલાવાયો હતો. રશિયા પાસેથી અમેરિકાએ આ પ્રદેશ 1867માં એક એકરદીઠ લગભગ બે સેન્ટની કિંમતે 72,00,000 ડૉલરમાં ખરીદ્યો હતો. 1880-90 દરમિયાન સોનું મળી આવ્યા બાદ અમેરિકન વસાહતો વધી. 1912માં અમેરિકન કૉંગ્રેસે અલાસ્કાને પ્રદેશ બનાવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સંરક્ષણ સવલતો અને અલાસ્કાના ધોરી માર્ગના બાંધકામની જરૂરિયાતો જાપાન સાથેની દુશ્મનાવટને લીધે ઊભી થઈ. 3 જાન્યુઆરી, 1959ના રોજ અલાસ્કાને સંઘમાં દાખલ કરાયું અને તે દેશનું 49મું રાજ્ય બન્યું.

ટૅક્સાસ પછી ખનિજ તેલના ઉત્પાદનમાં અલાસ્કાનો અમેરિકામાં બીજો ક્રમ છે. 1977માં ટ્રાન્સ-અલાસ્કા પાઇપલાઇન ખુલ્લી મુકાઈ. સોનું, ચાંદી, કોલસો અને તાંબું પણ મોટા પ્રમાણમાં મળી આવે છે. અલાસ્કાનું ત્રીજા ભાગનું શ્રમદળ સરકારી સંસ્થાઓ અને સંરક્ષણનાં મથકોમાં કામ કરે છે. મત્સ્ય-ઉદ્યોગ અને વન-ઉદ્યોગ પણ ચાલે છે. ખેડાણલાયક જમીન અત્યંત ઓછી હોવાને લીધે ખોરાકનો પુરવઠો આયાત કરાય છે. પરિવહનની સવલતો વધતાં પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસ્યો છે. અલાસ્કા સાંસ્કૃતિક રીતે અમેરિકાના મુખ્ય પ્રવાહથી અલગ પડે છે. સ્થાનિક પ્રજાનાં હુન્નર અને કળા તથા રશિયન વસાહતના અવશેષો હજુ પણ જોવા મળે છે.

Tok, Alaska

અલાસ્કા, ટોક નગરનું એક ર્દશ્ય

સૌ. "JLS Photography - Alaska" | CC BY-NC-ND 2.0

અલાસ્કા લાંબી પર્વતમાળા ધરાવે છે. સૌથી ઊંચું શિખર મેકકિન્લી (6,198 મીટર) છે.  આ સિવાય અહીં અનેક નાની મોટી હિમ નદીઓ આવેલી છે.

હેમન્તકુમાર શાહ