અલારખિયા, હાજી મહંમદ શિવજી (જ. 13 ડિસેમ્બર 1878; અ. 22 જાન્યુઆરી 1921) : ‘વીસમી સદી’ માસિક દ્વારા ગુજરાતી પત્રકારત્વમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અને બ્રિટન-અમેરિકાનાં ખ્યાતનામ સામયિકો જેવું સામયિક ગુજરાતીમાં આપવાનો આદર્શ સેવનાર નિષ્ઠાવાન પત્રકાર. તેમણે 1901માં ‘ગુલશન’ કાઢ્યું હતું, જે એક વર્ષ ચાલેલું. 1916માં ‘વીસમી સદી’નો પ્રારંભ. ‘વીસમી સદી’ના અંકો આજે પણ ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વના એક વિરલ યુગનું સ્મરણ કરાવે છે. હાજી મહમદે સામયિકને સંગીન બનાવવા પાછળ જામેલો ધંધો ખોયો, જમીન-મકાન ગુમાવ્યાં અને જાત ઘસી નાખી હતી. 43 વર્ષની વયે તેમનું અકાળ અવસાન થયું. કનૈયાલાલ મુનશી, ચંદ્રશંકર પંડ્યા અને નરસિંહરાવ દિવેટિયા જેવા અનેક સાહિત્યકારોની પ્રગતિમાં ‘વીસમી સદી’નો હિસ્સો હતો. સ્વ. ચાંપશી ઉદેશી હાજી મહંમદને યોગ્ય રીતે જ ‘કલાનો શહીદ’ કહે છે. ‘કલાને ઘરોઘર પહોંચતી કરવાનો’ એમનો ઉદ્દેશ હતો. ‘વીસમી સદી’ દ્વારા તેમણે મુદ્રણ, સજાવટ તથા વાચનસામ્રગીનું ઊંચું ધોરણ સિદ્ધ કર્યું હતું. કલાત્મક ચિત્રોની બાબતમાં ‘વીસમી સદી’ અદ્વિતીય હતી. અલારખિયાની સંપાદનસૂઝ ઉચ્ચ કક્ષાની હતી.
પત્રકારત્વ ઉપરાંત સાહિત્યક્ષેત્રે પણ તેમણે પ્રદાન કરેલું છે. ‘મહેરુન્નિસા’ તથા ‘ઇમાનનાં મોતી’ જેવાં નાટકો ઉપરાંત તેમણે ‘રશીદા’ નામની નવલકથા લખી હતી. ‘સ્નેહી વિરહ પંચદશા’ એમની સર્વપ્રથમ કૃતિ હતી.
કચ્છના વ્યાપારી ખોજા પરિવારમાંથી આવતા અલારખિયા હાજી મહંમદે ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વને એક નવી દિશા આપી છે.
યાસીન દલાલ