અલફખાન (જ. –; અ. 1316) : ગુજરાતનો પહેલો મુસ્લિમ સૂબો. તે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીનો સાળો હતો. નામ મલેક સંજર. સૂબા તરીકે તેનું નોંધપાત્ર કામ ગુજરાતના છેલ્લા હિંદુ રાજા કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવળદેવીને દેવગિરિ પાસેથી પકડીને સુલતાનના આદેશ મુજબ દિલ્હી મોકલવાનું હતું. ત્યારપછી ગોહિલવાડ, રાણપુર, સૈજકપુર વગેરે ઈ. સ. 1309માં જીતી ગુજરાતમાં મુસ્લિમ શાસન બળવાન કર્યું. પોતાની સૂબેદારી દરમિયાન (1304-1316) ગુજરાતનો વહીવટ કરી કાબેલ તથા બાહોશ અધિકારી તરીકે તેણે નામના મેળવી હતી. તત્કાલીન ગુજરાતની રાજધાની પાટણમાં તેણે સફેદ આરસની વિશાળ અને ભવ્ય જામે મસ્જિદ બંધાવી હતી. આ મસ્જિદના સુંદર અભિલેખનના બે નાના ભગ્ન અવશેષ પાટણમાં સચવાઈ રહ્યા છે. કડીનો કિલ્લો પણ તેણે બંધાવ્યો હતો.
1316માં શારીરિક તેમજ માનસિક અસ્વસ્થતાથી પીડાતા અલાઉદ્દીને અલફખાનને ગુજરાતમાંથી બોલાવી મલેક કાફૂરની ભંભેરણીથી તેની કતલ કરાવી. તેના મૃત્યુ પછી ખલજી વંશની પડતી બેઠી એમ એક તત્કાલીન ઇતિહાસકાર નોંધે છે.
અલફખાનની સહિષ્ણુતાનાં વખાણ સમકાલીન જૈન સૂત્રો કરે છે. શત્રુંજય પર્વત પર આવેલ જૈન મંદિરોના પુનરુદ્ધારમાં અલફખાને કરેલી સહાયનાં જૈન સૂરિઓએ મુક્ત કંઠે વખાણ કર્યાં છે. આ દીર્ઘદૃષ્ટિવાળા કુશળ વહીવટકર્તા સૂબાએ ગુજરાત પ્રાંતની સમૃદ્ધિ વધારવા વિશેષ ધ્યાન આપ્યું હોવાનું ઇતિહાસકારો લખે છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ