અલગ મતદાર મંડળ : ધર્મ કે કોમના ધોરણે અલગ મતદારમંડળ રચીને તેના જ ઉમેદવારને મત આપવાની વ્યવસ્થા. લોકશાહીના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે સાધારણ રીતે મતદારમંડળની વ્યવસ્થા ભૌગોલિક કે પ્રાદેશિક ધોરણે કરવામાં આવે છે, જેમાં મતદાર તેના મતદારમંડળમાંથી ઉમેદવારી કરતા કોઈ પણ ઉમેદવારને મત આપવાનો અધિકાર ધરાવે છે. અલગ મતદારમંડળમાં પ્રદેશના બદલે કોમ કે ધર્મને પ્રાધાન્ય આપીને મતદારોને પણ તે રીતે વિભાજિત થવાની ફરજ પાડવામાં આવે છે. તે પદ્ધતિ લોકશાહી રીતરસમ અને મતદારમંડળની સર્વસામાન્ય વ્યવસ્થાની વિઘાતક છે.
ભારતમાં 1906માં ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના થતાં મુસલમાનોનાં હિતોની રક્ષા કરવાના બહાના હેઠળ મુસ્લિમ લીગે મુસલમાનો માટે અલગ મતદારમંડળની માગણી કરી હતી. આગાખાને ભારતના તે વખતના ગવર્નર જનરલ લૉર્ડ મિન્ટો સમક્ષ તે રજૂ કરી હતી. તેને પરિણામે 1909ના મોર્લેમિન્ટો કાયદા દ્વારા અલગ મતદારમંડળ ભારતમાં પ્રથમ વાર દાખલ કરવામાં આવેલું. 1919ના મોન્ટેગ્યુચેમ્સફર્ડ કાયદામાં શીખ કોમને, અને 1935ના બંધારણીય ધારા દ્વારા ભારતીય ઈસાઈઓ, ઍંગ્લો-ઇન્ડિયનો અને હરિજનોને માટે પણ અલગ મતદારમંડળો ઊભાં કરવામાં આવ્યાં હતાં. નોંધપાત્ર બાબત તો એ છે કે મૂળ મોન્ટફર્ડ યોજનામાં દાખલ કરવામાં આવેલાં આવાં મતદારમંડળોનો વિરોધ કરવામાં આવ્યો અને તે રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. છતાં 1919ના અને તે પછી 1935ના કાયદામાં તે ચાલુ રાખવામાં આવ્યાં. એટલું જ નહિ પણ મુસલમાનો ઉપરાંતની અન્ય કોમોને પણ તેમાં આવરી લેવામાં આવેલી. આ રીતે કોમવાદના વિષનો ફેલાવો કરનાર આ વ્યવસ્થા વિસ્તાર પામી હતી.
કોમવાદ પર આધારિત અલગ મતદારમંડળોની આ વિઘાતક પદ્ધતિને લીધે ભારતની રાજકીય અને સામાજિક વ્યવસ્થા છિન્નભિન્ન થતી ગઈ. એટલું જ નહિ પણ દેશમાં સદીઓથી ચાલી આવતી સમન્વયની પ્રક્રિયા તથા તેમાંથી ઉદભવતી ભાવાત્મક એકતા પર કુઠારાઘાત થયો. ભારત દેશ ભિન્ન ભિન્ન ધર્મો, જાતિઓ અને વર્ણોમાં વિભાજિત થતો ગયો અને તેને પરિણામે અલગતાવાદી પરિબળો મજબૂત થતાં ગયાં. આવાં પરિબળોથી દેશને બચાવવા માટે મહાત્મા ગાંધીએ તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે શરૂઆતથી જ આ પ્રથાનો સખત વિરોધ કર્યો હતો.
1909માં અલગ મતદારમંડળો દાખલ થયાં ત્યારે તેનો શરૂઆતનો ઉદ્દેશ મુસલમાનોને ખુશ કરી ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનાં મૂળિયાં મજબૂત કરવાનો હતો. પરંતુ ધીમે ધીમે તેનો ઉપયોગ ‘ભાગલા પાડો અને રાજ કરો’(divide and rule)ના સૂત્રને વિસ્તારવા માટે અને તે દ્વારા ભારતની આઝાદીની લડતને ક્ષીણ કરવા માટે થતો રહ્યો. ભારતની પ્રજાની એકતામાં ભંગાણ પાડવા માટે દાખલ કરવામાં આવેલી આ વ્યવસ્થામાંથી જ 1947માં દેશના ભાગલા પડ્યા અને કોમવાદના સિદ્ધાંત પર આધારિત પાકિસ્તાનની સ્થાપના થઈ.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે