અલગારીની રખડપટ્ટી (1969) : પ્રવાસવર્ણન. લેખક રસિક ઝવેરી. વિદેશપ્રવાસના – ખાસ કરીને ઇંગ્લૅન્ડના એક વર્ષના અનુભવોનું માર્મિક કથન એમાં થયેલું છે. પહેલાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયેલી આ લેખમાળામાં લેખકે જહાજમાં કરેલી મુસાફરી, તેમજ લંડનના ડીપાર્ટમેન્ટલ સ્ટૉર્સ, ઇન્ડિયા હાઉસ, ટૅક્સી-ડ્રાઇવર, ખિસ્સાકાતરુ, પબ, ઝૂંપડપટ્ટી, કૉલેજિયન યુવતી, હિપ્પી વગેરે સાથેના પ્રસંગોનું આલેખન કર્યું છે. લંડનની ટ્યૂબ ટ્રેન અને લંડનની પોલીસના પ્રસંગો ઉપરાંત ઑક્સફર્ડ સ્ટ્રીટમાં મળી ગયેલ ટૉમ-મૅરી-માયકલ જેવાં સાથે બંધાઈ ગયેલા સ્નેહસંબંધની વાતો હૃદયસ્પર્શી છે. કથનરીતિ રમતિયાળ અને રસદાર છે.
કુમારપાળ દેસાઈ