અલકિન્દી

January, 2001

અલકિન્દી (નવમી સદી) : અરબ ફિલસૂફ. આખું નામ અબુ યૂસુફ યાકૂબ ઇબ્ન ઇસ્હાક અલ કિન્દી. જન્મ કૂકા શહેરમાં. જીવનનો મોટો સમય બગદાદમાં વ્યતીત થયેલો. નિખાલસ સ્વભાવને કારણે તેમને ‘અરબોના ફિલસૂફ’નું બિરુદ મળ્યું હતું. ઍરિસ્ટોટલના તત્વજ્ઞાનથી અતિપ્રભાવિત તેઓ કદાચ પહેલા અને છેલ્લા અરબ ફિલસૂફ હતા. તેમણે ઍરિસ્ટોટલના અને પ્લૅટોના વિચારોનો સમન્વય કર્યો છે. નવપાયથેગોરિયન ગણિતશાસ્ત્રને તેમણે બધા વિજ્ઞાનનું મૂળ ગણ્યું છે. ફિલસૂફ ઉપરાંત તેઓ ખગોળવેત્તા, રસાયણશાસ્ત્રી, નેત્રવિદ્યાના નિષ્ણાત અને સંગીતજ્ઞ પણ હતા. કહે છે કે એમની કૃતિઓની સંખ્યા 265 જેટલી હતી. દુર્ભાગ્યે, એમાંથી મોટો ભાગ અપ્રાપ્ય છે. એમની સંગીતની ત્રણચાર પુસ્તિકાઓ અરબી સંગીતની સૌથી પહેલી કૃતિઓ છે. એમનાં કેટલાંક પુસ્તકોના લૅટિન ભાષામાં તરજૂમા થયા છે.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી