અલંકારશાસ્ત્ર : સંસ્કૃત સાહિત્યમાં કાવ્યગત સૌન્દર્યનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર. ‘પ્રતાપરુદ્રીય’ની ટીકામાં ‘અલંકારશાસ્ત્ર’ શબ્દનો પ્રયોગ આ માટેનું સમર્થક પ્રમાણ છે. અલંકાર સિવાય કાવ્યના આત્મસ્થાનીય રસ કે ધ્વનિ, કાવ્યના ઉત્કર્ષક ધર્મો જેવા કે ગુણ, રીતિ, ઔચિત્ય વગેરે તત્વોનું નિરૂપણ કરતા આ શાસ્ત્રને ‘અલંકારશાસ્ત્ર’ જ નામ આપવામાં ઔચિત્ય મનાયું છે.
આ શાસ્ત્ર માટે જોકે આરંભિક યુગમાં ‘કાવ્યાલંકાર’ એવા શબ્દનો પણ પ્રયોગ મળી આવે છે; કાવ્યશાસ્ત્રના આદિયુગના બધા જ આચાર્યો જેવા કે ભામહે કારિકા રૂપે લખાયેલ પોતાના ગ્રંથને કાવ્યાલંકાર, ઉદભટે પોતાના ગ્રંથને ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ તો રુદ્રટે ‘કાવ્યાલંકાર’, વામને ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’ એવાં નામ આપેલ હોવાથી ‘કાવ્યાલંકાર’ એ નામમાં આવેલ ‘અલંકાર’ શબ્દ સૌન્દર્યનો બોધ કરાવે છે, પણ આ નામનો પ્રચાર થઈ શક્યો નથી.
વામનના ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’માં પ્રયુક્ત ‘सौन्दर्यम् अलंकार :’ અર્થાત્ ‘સૌન્દર્ય એ અલંકાર છે’ – એ સૂત્રના આધારે, કાવ્યના સર્વાંગીણ સૌન્દર્યનું પરીક્ષણ કરતા શાસ્ત્રને ‘સૌન્દર્યશાસ્ત્ર’ એવું નામ આપવાના પ્રયત્નો પણ થયા છે.
દશમી શતાબ્દીના આરંભમાં થયેલ રાજશેખરે પોતાના ‘કાવ્યમીમાંસા’ ગ્રંથમાં આ શાસ્ત્રને ‘સાહિત્યવિદ્યા’ એવું નામ આપ્યું છે. કાવ્યમાં પ્રયોજાતા શબ્દ તથા અર્થના સાહિત્ય (સહભાવ) અંગેની મીમાંસાના આશયથી આ નામ આપવામાં આવ્યું હોય; આમ છતાં આ નામ પણ પ્રચાર પામી શક્યું નથી.
આ શાસ્ત્ર માટે ‘ક્રિયાકલ્પ’ એવું નામ પણ મળી આવે છે. વાત્સ્યાયને ‘કામશાસ્ત્ર’માં દર્શાવેલ 64 કલાઓમાં એક કલાના નામ રૂપે આ શબ્દનો નિર્દેશ કર્યો છે. આમાં ક્રિયા એટલે કાવ્ય અને કલ્પ એટલે વિધાન – એ રીતનું ‘ક્રિયાકલ્પ’ એટલે ‘કાવ્યવિધાન’ એવો તેનો અર્થ છે, છતાં આ નામ પણ પ્રચલિત થઈ શક્યું નથી; પણ કાવ્યશોભાનાં આધાયક સમસ્ત તત્વોનું નિરીક્ષણ કરનાર આ શાસ્ત્ર માટે ‘અલંકારશાસ્ત્ર’ એ નામ વ્યાપક રીતે લોકપ્રિય થયેલું છે અને રસ, અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ, ઔચિત્ય જેવા સંપ્રદાયોથી તથા આ વિષયના પ્રાચીન સિદ્ધાંતોના વિશ્ર્લેષણ-પરિવર્ધન આદિથી આ શાસ્ત્ર સમૃદ્ધ થયેલું છે.
ભગવતીપ્રસાદ પંડ્યા