અલંકારવિમર્શિની (તેરમી સદી) : રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર જયરથે રચેલી ટીકા. તેને ટીકા કરતાં ભાષ્ય કહેવું વધારે યોગ્ય છે. અત્યંત ગંભીર શૈલીમાં રચાયેલી આ ટીકા પંડિતરાજના ‘રસગંગાધર’ની જેમ અનેક સંદર્ભોથી યુક્ત છે. ‘વિમર્શિની’નું સ્થાન અભિનવગુપ્તના ‘લોચન’ની સમકક્ષ ગણાય છે. અલંકારોના ખંડનમંડનમાંની પ્રૌઢિ, ચિંતનનું ગાંભીર્ય, વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ તથા મૌલિક વિચારોનું નિરૂપણ વગેરેનું આવું સ્વરૂપ ‘વિમર્શિની’ પછી કોઈ ટીકામાં જોવા મળતું નથી. રુય્યકના અનુગામી શોભાકર મિત્રે રુય્યકના ‘અલંકારસર્વસ્વ’નું પ્રતિપદ ખંડન કર્યું છે. જયરથની ‘વિમર્શિની’ની એ વિશેષતા છે કે શોભાકરે કરેલી પ્રત્યેક આલોચનાનો સચોટ જવાબ તેમાં આપવામાં આવ્યો છે. ‘અલંકારરત્નાકર’ પહેલાં લખાયેલા અજ્ઞાતકૃત અને અનુપલબ્ધ બે ગ્રંથો ‘અલંકારસાર’ અને ‘અલંકારભાષ્ય’થી પણ ‘વિમર્શિની’ પ્રભાવિત જણાય છે આમ છતાં બંનેનું ખંડન પણ તેમાં જોવા મળે છે. રુય્યક સાથેના તેમના મતભેદોને પણ જયરથે સ્પષ્ટ રીતે જણાવ્યા છે. ‘चिन्त्यं चैतत्’ – એટલું જ કહીને વિરોધનો સંકેત કરી દીધો છે. જયરથ પ્રતિપદ વ્યાખ્યાને બદલે વિમર્શ દ્વારા જ પોતાનું કાર્ય સાધે છે.

તપસ્વી નાન્દી