અર્વાચીન કવિતા (1946) : ગુજરાતી કવિ સુન્દરમનો વિવેચનગ્રંથ. 1946ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે તેને મહિડા પારિતોષિક પ્રાપ્ત થયેલું. 1845થી1945 સુધીની ગુજરાતી કવિતાની રૂપરેખા આ ગ્રંથમાં આલેખાઈ છે. 257 લેખકો અને તેમની કૃતિઓનું ઐતિહાસિક સાતત્ય જાળવીને અવલોકન કર્યું છે. કાવ્યપ્રવાહમાં દરેક કવિની સર્જકતાનું મૂલ્યાંકન રસદૃષ્ટિએ કર્યું છે.
અર્વાચીન કવિતાના બે પ્રવાહો – જૂનો અને નવો. નવા પ્રવાહના ત્રણ સ્તબકો : તેમાં પહેલો 1845થી 1884 સુધીનો. તેનો આરંભ દલપતરામકૃત ‘બાપાની પીંપર’(1845)થી. પ્રત્યેક સ્તબકના આરંભે આપેલા પ્રાવેશિકમાં પરિબળોની લઘુ રૂપરેખા દોરેલી છે. સ્તબક પહેલાના ખંડક-1માં દલપતરામથી કેશવરામ ભટ્ટ સુધીના કવિઓ અને ખંડક૨માં અન્ય કવિઓ, પ્રાસંગિક કૃતિઓ તેમજ પારસી બોલીના કવિઓનો સમાવેશ કર્યો છે. સ્તબક બીજો (1885થી 1930) : યુનિવર્સિટી કેળવણી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાસાહિત્ય અને લોકબાનીની અસરોથી કલાતત્વનો વિકાસ થયો અને નૂતન પ્રસ્થાન આરંભાયું. આ સ્તબકના ખંડક-1માં મસ્તરંગના કવિઓ ‘ક્લાન્ત કવિ’થી ‘સાગર’ સુધીનાનો સમાવેશ કર્યો છે, અને ફારસી રંગની રચનાઓ તથા વ્રજ ભાષાની અસર વિશે ઉલ્લેખ કર્યો છે. ખંડક-2માં સંસ્કૃત જાગૃતિના કવિઓ દોલતરામ કૃપારામ પંડ્યાથી ‘સેહેની’ એટલે કે બ. ક. ઠાકોર સુધીનાની કૃતિઓની આલોચના કરી છે. ખંડક-3માં ડાહ્યાભાઈ દેરાસરીથી ‘કુસુમાકર’ સુધીના સો જેટલા કવિઓ વિશે માહિતી આપી છે. ખંડક-4માં રાસ અને બાળકાવ્યોની રચનાઓનું વિહંગાવલોકન કર્યું છે.
સ્તબક ત્રીજો (1931થી) : તેમાં નવીન કવિતા અંગેના પ્રાવેશિકમાં બીજા સ્તબકનો જૂનો પ્રવાહ અને નવીન કવિતાનો નવો પ્રવાહ બંને સાથે સાથે વહેતા દર્શાવ્યા છે. આ ચર્ચામાં પ્રજાનું પુનરુજ્જીવન, ઇતર કવિતાનો ગાઢ સંપર્ક, વિષયોની વિશ્વતોમુખિતા, પદ્યમાં પ્રવાહિતા અને વૃત્તવૈવિધ્ય, જીવનસત્વનું નવું સ્પંદન, અનેક પરંપરાઓનું અનુસંધાન અને નવીનતરોના નવા ઉન્મેષ એટલા મુદ્દા લીધા છે. સાથે જ અસફલ પ્રયોગો, કાવ્યનાં સ્થૂલ અંગોની એકાન્તિક ઉપાસના અને મૂલ્યોમાં દેખાતી સંદિગ્ધતા તેમજ વિકૃતિઓની પણ નોંધ લીધી છે.
ત્રીજા સ્તબકના જૂના પ્રવાહના ખંડક-1માં કવિ નભુલાલથી રંગ અવધૂત સુધીના અને ખંડક-2માં બીજા 3૦ જેટલા કવિઓનો પરિચય કરાવ્યો છે.
પરિશિષ્ટના પ્રથમ ભાગમાં સંસ્કૃત કવિતા અને નાટક તથા અંગ્રેજી, બંગાળી ને ઉર્દૂમાંથી થયેલા અનુવાદોની માહિતી આપી છે. બીજા ભાગમાં હોરી અને ગઝલો, લોકગીતો અને ભજનો, રાસસંગ્રહો, રાષ્ટ્રીય કાવ્ય અને વિશિષ્ટ કવિતાના સંગ્રહો સાથે સમાપ્તિ કરી છે.
અભિનવ રૂપે તત્વસંપન્ન અને કલા-સજ્જ બનેલી ગુજરાતી નવીન કવિતા સુધીના આ સુદીર્ઘ અવલોકનમાં સુન્દરમે કરેલાં વિધાનોમાં, ‘દલપતરામ કાવ્યમાળાના ઊંડા ઉપાસક’, ‘અર્વાચીનતાનો શુદ્ધ આવિષ્કાર નર્મદથી’, નવું પ્રસ્થાન ‘કુસુમમાળા’થી નહિ પણ ‘ક્લાન્ત કવિ’થી, અને ‘ન્હાનાલાલની પ્રતિભા ઊર્મિકવિની’ એટલાં નોંધપાત્ર અને ચિંત્ય બન્યાં છે.
રમણિકભાઈ જાની