અર્બુદ (tumour) : નવા સર્જાતા કોષોની ગાંઠ (tumour).
(અ) પરાવિકસન, દુષ્વિકસન; (આ) નવવિકસન તથા સૌમ્ય અર્બુદ અને (ઇ) કૅન્સરની લાક્ષણિકતાઓ
આ પ્રક્રિયાને નવવિકસન (neoplasia) કહે છે અને તે સ્ત્રી અને પુરુષ બંનેમાં કોઈ પણ ઉંમરે ગમે તે પેશીમાં થઈ શકે છે. તેના અભ્યાસને અર્બુદવિજ્ઞાન (oncology) કહે છે. અર્બુદ બે પ્રકારનાં છે : સૌમ્ય (benign) અને મારક અથવા દુર્દમ (malignant). લગભગ સામાન્ય (normal) પેશી જેવું કોષબંધારણ ધરાવતાં, ધીમી વૃદ્ધિ પામતાં સૌમ્ય અર્બુદો આક્રમક હોતાં નથી. તે ફેલાતાં પણ નથી. સૌમ્ય અર્બુદને જરૂર પડ્યે શસ્ત્રક્રિયાથી દૂર કરી શકાય છે. અહેતુક, સતત અને નિયમન વગર કોષો સર્જતી અસામાન્ય (abnormal) દુર્દમ પેશીગાંઠને કૅન્સર કહે છે. તેની વૃદ્ધિ સામાન્ય પેશીની વૃદ્ધિ સાથે અસંગત હોય છે. તે કોષ પૃથક્તા અથવા વિભેદન (differentiation) ગુમાવે છે અને સ્થાનાંતર(metastasis)ની ક્ષમતાને કારણે રોગ દૂરના અવયવોમાં ફેલાય છે. અલ્પપોષણ કે અપપોષણ, રુધિરસ્રાવ (bleeding), ચાંદાં, અંત:સ્રવણ (hormone secretion), ચેપ અને અવયવો પરના દબાણને કારણે દર્દી મૃત્યુ પામે છે.
એક પુખ્ત કોષ જ્યારે જરૂરિયાતને કારણે અને મૂળ સ્થિતિમાં પરત થવાની ક્ષમતા સાથે બીજા પ્રકારના પુખ્ત કોષમાં પરિવર્તન પામે છે ત્યારે તેને પરાવિકસન (metaplasia) કહે છે. સતત ઉત્તેજના(irritation)થી કોષના કદ અને બંધારણમાં ફેરફાર થાય છે. આને દુર્વિકસન (dysplasia) કહે છે. આ બંને ક્રિયાઓમાં ક્યારેક કૅન્સર ઉત્પન્ન થાય છે.
અનિતા ભાદુરી
શિલીન નં. શુક્લ