અર્બુદ (આયુર્વેદ) : કૅન્સર તથા અન્ય ગાંઠોનો રોગ. ‘અર્બુદ’ શબ્દના ત્રણ અર્થો છે. આ ત્રણ અર્થોનું સંયુક્ત સ્વરૂપ એટલે અર્બુદ એમ એક રીતે કહી શકાય. એક અર્થ : अर्ब हिंसायाम् यत् उदेति इति अर्बुदम्. જે રોગ મારી નાખવા માટે જ (malignant) થાય તે અર્બુદ. બીજો અર્થ છે અબજ; સો કરોડ. જેમાં કરોડોની સંખ્યામાં કોષો વધી પડે તે રોગ. અને ત્રીજો અર્થ આબુ પહાડ. એવો રોગ કે જે પહાડ – પર્વત સાથે સામ્ય ધરાવતો હોય. પર્વતની માફક બહાર તેમજ અંદર વિસ્તરેલો હોય છે અને બહુ કઠણ હોય છે અને હલાવી ચલાવીને ફેરવી શકાતો નથી. અત્યારનો કૅન્સર નામનો રોગ અર્બુદના આ ત્રણે શબ્દાર્થોમાં બંધબેસતો આવે. કૅન્સરનું વર્ણન આ એક ‘અર્બુદ’ શબ્દ આપી દે છે, જે, તેનાં લક્ષણો પણ સૂચવે છે.
આયુર્વેદમાં છ પ્રકારનાં અર્બુદ માનવામાં આવ્યા છે. વાતાર્બુદ, પિત્તાબ્રુદ, કફાર્બ્રુદ, રક્તાર્બુદ, માંસાર્બુદ અને મેદાર્બુદ. શરીરના કોઈ પણ ભાગમાં તે થઈ શકે છે. જે ભાગમાં થયું હોય તે ભાગનું તે અર્બુદ કહેવાય છે. દા.ત., હોઠ પર થતું અર્બુદ ઔષ્ઠાર્બુદ તરીકે ઓળખાય છે. સ્થાનની દૃષ્ટિએ કેટલાંક મુખ્ય અર્બુદો આ પ્રમાણે છેઃ માથા પરનું અર્બુદ (શિરોર્બુદ), ગળાના ઉપરના ભાગનું, જીભના મૂળનું, કાકડાનું, સ્વરપેટીનું જેવાં અર્બુદો ‘ગલાર્બુદ’ તરીકે ઓળખાય છે.
આ રોગના કોષો વિષમ આકૃતિના અને કોષની એક પંક્તિ બીજી પંક્તિથી જુદી પડી આવે તેવી હોય છે. રાસાયણિક સંગઠનની દૃષ્ટિએ આ રોગમાં પુષ્કળ પ્રમાણમાં કફ અને મેદ હોય છે.
અર્બુદના છ પ્રકારમાંથી ચાર તો સાધ્ય એટલે કે મટાડી શકાય તેવા હોય છે, જ્યારે બે પ્રકાર અસાધ્ય – ન મટાડી શકાય તેવા – ગણાય છે. ચાર સાધ્ય પ્રકારમાં વાતાર્બુદ, પિત્તાબુર્દ, કફાર્બુદ અને મેદાર્બુદ છે. અસાધ્યમાં રક્તાર્બુદ અને માંસાર્બુદ છે.
સાધ્ય અર્બુદો જો અમુક જગ્યાએ અને વિશિષ્ટ અવસ્થામાં આવી જાય તો તે અસાધ્ય બની જાય છે. જોકે સાધ્ય અર્બુદમાંથી સ્રાવ થતો હોય (એકસો સાતમાંથી કોઈ મર્મસ્થળમાં), હલાવવાથી ચાલે નહિ, એક (પ્રાથમિક) ગાંઠ થયા પછી બીજે ક્યાંય ગાંઠ નીકળે – અધ્યર્બુદ (secondary metastasis) થાય અથવા એક ગાંઠની બાજુમાં બીજી ગાંઠ-દ્વિરર્બુદ (multiple tumour) હોય તો તે અસાધ્ય નીવડે છે.
અર્બુદ(કૅન્સર)નાં બહુ જ જૂજ કારણો આયુર્વેદમાં અપાયાં છે, તેમાં સતત ઉત્તેજના કરનાર દ્રવ્યો કે આઘાતદૂષિત માંસ અને સતત માંસાહાર (માંસપરાયણતા) એ કૅન્સરનાં મુખ્ય કારણો છે. બાકીનાં ઘણાં કારણો શોથરોગ – સોજાનાં કારણો, અર્બુદનાં કારણો મનાયાં છે. આચાર્ય ચરકે અર્બુદને સોજાનો એક પ્રકાર બતાવ્યો છે.
કૅન્સરના પ્રકાર અને અવસ્થા પ્રમાણે ક્ષારકર્મ, અગ્નિકર્મ (ડામ), શસ્ત્રકર્મ, બંધન જેવા ઉપચારો સૂચવેલા છે. રોગ અસાધ્ય હોય ત્યારે રસાયનકર્મ કરવાનું કહ્યું છે.
માલદાન હરિદાન બારોટ