અર્થશાસ્ત્ર-1 (ઈ. પૂ. ચોથી સદી) : પૃથ્વીનાં પ્રાપ્તિ અને પાલનનો ઉપદેશ આપતું શાસ્ત્ર. સંસ્કૃતમાં ‘અર્થશાસ્ત્ર’ શબ્દ રાજ્યશાસ્ત્રના અર્થમાં પ્રયોજાયો છે. એમાં સર્વજનની વૃત્તિરૂપ અર્થ, એટલે કે દ્રવ્યનો પુરુષાર્થ નહિ પણ રાજાની વૃત્તિરૂપ અર્થ એટલે કે પૃથ્વીના લાભ અને પાલનના ઉપાય અભિપ્રેત છે. અર્થશાસ્ત્રને લગતા ગ્રંથોમાં ‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ અર્થાત્ કૌટિલ્ય-કૃત’અર્થશાસ્ત્ર’ સુપ્રસિદ્ધ છે. આ ગ્રંથના કર્તા કૌટિલ્ય તે મગધના પ્રસિદ્ધ નંદવંશનો ઉચ્છેદ કરાવી તેને સ્થાને ચંદ્રગુપ્ત મૌર્યનો રાજવંશ સ્થપાવનાર વિચક્ષણ પુરુષ ચાણક્ય હોવાનું મનાય છે. કૌટિલ્યે આ ગ્રંથ કેવળ મૌર્ય સમ્રાટને માર્ગદર્શન આપવા માટે લખ્યો નથી, પરંતુ સર્વસાધારણ રાજાને કેન્દ્રમાં રાખીને લખાયેલો રાજનીતિશાસ્ત્રનો અપૂર્વ ગ્રંથ છે.

પોતાની પૂર્વે થયેલા આચાર્યોએ લખેલાં અર્થશાસ્ત્રોનું સંકલન ધરાવતા ‘અર્થશાસ્ત્ર’માં 15 અધિકરણો છે અને દરેક અધિકરણમાં કેટલાક અધ્યાયો, દરેક અધ્યાયમાં અનેક સૂત્રો અને સૂત્રોને અંતે એકાદ શ્ર્લોક હોય છે. ગ્રંથમાં અનુક્રમે પોતાના પક્ષની વૃદ્ધિ, રાજપુત્રોનું રક્ષણ, દુર્ગવિધાન, મહેસૂલી વસૂલાતના નિયમ, કર્મચારીઓની આચારસંહિતા, તમામ પ્રકારના કાયદાઓ, રાજ્ય અને પ્રજાને કંટકરૂપ શત્રુઓની પિછાણ અને તેનું નિવારણ, સજાની રીતિઓ, રાજ્યના કોષની અભિવૃદ્ધિના ઉપાય, નોકરોનાં પારિશ્રમિક (વેતન), મંત્રીઓનું ચારિત્ર્ય, રાજસત્તાને સુદૃઢ કરવાના ઉપાયો, વિદેશનીતિ, લોકો અને સેના પર આવનારી આપત્તિઓ અને તેમનું નિવારણ, ચડાઈ, વિગ્રહ અને સંધિના નિયમો, વિવિધ પ્રકારનાં સામાજિક સંગઠનો, બળવાન શત્રુને પરાજિત કરવાના વિશિષ્ટ ઉપાયો, રાજ્યના રક્ષણ માટેના ગુપ્ત ઉપાયો વગેરે વિષયોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. આમ, આમાં ‘બલ’ (સેના) અને ‘મિત્ર’(સાથી-સહકારી)નું વિગતવાર વિવરણ કરવામાં આવ્યું છે. રાજ્યનાં કાર્યોમાં પ્રજાના જાન-માલનું રક્ષણ, ન્યાયવ્યવસ્થા, આર્થિક નિયમન, સામાજિક સ્થિરતા અને નૈતિક તેમજ આધ્યાત્મિક ઉત્કર્ષનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કૌટિલ્યને એવી શ્રદ્ધા હતી કે એ ગ્રંથને આધારે કોઈ પણ રાજ્યનો વહીવટ સારામાં સારી રીતે ચલાવી શકાશે. નવા કાયદાઓ, નિયમો, નિયંત્રણો, આજ્ઞાઓ કે સૂચનાઓની બિલકુલ જરૂર નહિ પડે. તેથી આ બૃહદગ્રંથમાં રાજાશાહી વિચારસરણી અને વહીવટી તંત્રની છણાવટ, તેમજ કાયદો, સમાજ અને અર્થતંત્રને લગતી ઘણી બાબતો આવરી લેવાઈ છે. આવી બાબતો અગાઉ ‘ધર્મસૂત્રો’માં અને ત્યારપછી ‘ધર્મશાસ્ત્ર’માં એક ખંડમાં નિરૂપવામાં આવતી હતી. કૌટિલ્યે પોતાની પૂર્વે થઈ ગયેલા અને પોતાના જમાનામાં પ્રમાણભૂત ગણાતા ગ્રંથોનો પણ ‘અર્થશાસ્ત્રમાં ઉપયોગ કર્યો છે. ધીમે ધીમે આ વિષયમાં ‘અર્થશાસ્ત્ર’ પ્રમાણગ્રંથ મનાવા લાગતાં આગળની કૃતિઓ પશ્ચાદભૂમાં ધકેલાઈ ગઈ અને આ ગ્રંથની ખ્યાતિ વધી જતાં આગલી કૃતિઓ સંપૂર્ણપણે વીસરાઈ ગઈ.

રાજા અને રાજાશાહી અંગે કૌટિલ્યના પોતાના વિશિષ્ટ ખ્યાલ હતા. અરાજકતાનાં દુ:ખો(માત્સ્ય ન્યાય)નો અંત લાવવા માટે લોકોએ રાજાનો સ્વીકાર કર્યો છે. તેથી રાજા પ્રજાનું યોગક્ષેમ કરે અને પ્રજા તેના બદલામાં એને ઊપજનો છઠ્ઠો ભાગ આપે એવો, રાજત્વની ઉત્પત્તિ અંગેનો સિદ્ધાંત ‘અર્થશાસ્ત્ર’માં નિરૂપાયો છે. કૌટિલ્યના મતે રાજા આ પૃથ્વી પર સર્વોપરી સત્તા છે અને પ્રજાનું રક્ષણ તેમજ તેનું યોગક્ષેમ કરવું એ તેનું પરમ કર્તવ્ય છે. પ્રજાના સુખમાં જ રાજાનું સુખ અને પ્રજાના કલ્યાણમાં જ એનું કલ્યાણ સમાયેલું છે; તેણે પોતાને ગમે તે સારું ગણવાનું નથી, પણ પ્રજાને પસંદ પડે તેને સારું ગણવાનું છે. આમ કહી કૌટિલ્યે રાજાની ફરજો અને જવાબદારીઓ પર ભાર મૂક્યો છે. રાજા સક્રિય તો સેવકગણ સક્રિય અને રાજા નિષ્ક્રિય તો સેવકગણ નિષ્ક્રિય. આથી રાજા સવારથી સાંજ સુધી પ્રવૃત્ત રહે તે માટે રાજાની દિનચર્યા અને રાત્રિચર્યા પણ આપી છે. રાજાએ કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ (ઘેલછા) – એ છ માનસિક શત્રુઓ પર કાબૂ મેળવી ‘રાજર્ષિ’ના જેવું જીવન જીવવાની ભલામણ કરવામાં આવી છે. પરસ્ત્રી અને પરદ્રવ્યને વર્જ્ય ગણ્યાં છે. પરંતુ એનો અર્થ એ નથી કે રાજાએ શુષ્ક જીવન ગાળવું. કૌટિલ્યે ધર્મ, અર્થ અને કામ – ત્રણેયને સેવવા પર ભાર મૂક્યો છે. તેમ છતાં, કૌટિલ્ય ‘अर्धमूलौ हि धर्मकामौ’ કહી વ્યાપક સંદર્ભમાં અર્થનું પ્રાધાન્ય હોવાની હિમાયત કરે છે. જેમ ધર્મશાસ્ત્રમાં ધર્મનું અને કામશાસ્ત્રમાં કામનું પ્રાધાન્ય દર્શાવ્યું છે, તેમ અહીં કૌટિલ્યે વ્યાપક અર્થમાં ‘અર્થ’નું પ્રાધાન્ય દર્શાવ્યું છે. રાજા સુરક્ષિત, સંસ્કારી, વીર, ઉત્સાહી, નીતિમાન અને ધાર્મિક વૃત્તિની વ્યક્તિ હોવો જોઈએ એ બાબત પર ભાર મૂકવા છતાં રાજ્યની સલામતી અને સુરક્ષા માટે રાજાએ ક્રૂર અનીતિઓ આચરવામાં પણ પાછી પાની કરવી જોઈએ નહિ એમ કહીને કૌટિલ્ય રાજનીતિ અને નીતિશાસ્ત્ર સ્પષ્ટત: જુદાં છે અને એ બંનેને બધો વખત પરસ્પર સાંકળવાની જરૂર નથી, એવું દૃષ્ટિબિંદુ ધરાવતા લાગે છે.

કૌટિલ્યને મતે, રાજ્યત્વ સહાય-સાધ્ય છે. રાજારૂપી એક ચક્રથી રથ ચાલી શકે નહિ. તેથી રાજાએ અમાત્યો નીમવા જોઈએ અને રાજ્યના લાભ અને કલ્યાણ માટે તેમની સલાહ લેવી જોઈએ. અલબત્ત, રાજા એ સલાહ મુજબ વર્તવા બંધાયેલો નથી. અમાત્યોને જુદાં જુદાં અધિકરણો(ખાતાંઓ)માં નીમી તેમને અધિકાર, દેશ, કાલ અને કર્મ વહેંચી આપવાં જોઈએ. મંત્રીઓની પસંદગી અનેક ગુણો ધરાવતા અમાત્યોમાંથી કરવી જોઈએ. અમાત્યોને પહેલાં સામાન્ય અધિકરણોમાં મૂકીને ગુપ્ત રીતે મંત્રી અને પુરોહિત બંને દ્વારા પ્રામાણિકતાની, પુરોહિત દ્વારા ધર્મબુદ્ધિની, સેનાપતિ દ્વારા ‘અર્થ’ની અને પરિવ્રાજિકા દ્વારા ‘કામ’ની કસોટી કરવી જોઈએ.

ખુદ રાજાના જીવન અને તેના રાજ્ય સામે ઊભા થનારા ખતરાથી સાવચેત રહેવા અને તેને સમયસર ડામી દેવા માટે કૌટિલ્યે ગુપ્તચર વિભાગ પર ખાસ ભાર મૂક્યો છે. ગુપ્તચરોને વહીવટી માળખાના આધારસ્તંભરૂપ અને રાજાના નેત્ર સમાન ગણવામાં આવ્યા છે. પુરુષોને મુકાબલે સ્ત્રીઓ વધારે સારી રીતે જાસૂસી કરી શકે એમ માનીને ગુપ્તચરોમાં તેમની ભરતી કરવા પર કૌટિલ્યે ભાર મૂક્યો છે. આ ગુપ્તચરોની પસંદગી અને કામગીરી અંગે પણ વિસ્તૃત છણાવટ કરી છે.

રાજતંત્રના આ મહાન સિદ્ધાંત-ગ્રંથમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વિવાદની બાબતમાં ગમે તે મોટા અમાત્ય કે અધિકારી ઉપર સમન્સ બજાવી શકાય અને તે અધિકારી અદાલતમાં પોતે ઉપસ્થિત થવાનો ઇન્કાર કરી ન શકે. વિશેષ પરિસ્થિતિમાં રાજાએ પણ સાક્ષી રૂપે ન્યાયાલયમાં હાજર થવું પડે અને ધર્મસ્થો (ન્યાયાધીશો) શાસ્ત્રને અનુકૂળ અને પોતાના આત્માના અવાજને અનુસરીને ચુકાદો આપે એવો કૌટિલ્યનો આદેશ હતો.

કૌટિલ્યનો મત હતો કે ગુનેગારોને ‘આંખની સામે આંખ’ના સિદ્ધાંત અનુસાર કડકમાં કડક સજા કરવી જોઈએ, જેથી કાયદાના ડરથી ગુનાઓનું પ્રમાણ ઘટે. પ્રાચીન ભારતમાં ‘સ્વામી’ અને ‘સેવક’ના પરસ્પરના સંબંધ વિશે સામાન્ય નિયમોનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તેવું આ સર્વપ્રથમ પુસ્તક હોવાનું જણાય છે.

રાજ્યનાં અભ્યુદય અને ઐશ્વર્ય માટે કૃષિઅર્થતંત્રનો વિકાસ અનિવાર્ય છે એમ કૌટિલ્યનું દૃઢપણે માનવું હતું. તેથી એ ક્ષેત્રે યોજવાના વિવિધ ઉપાયોનું વિગતવાર નિરૂપણ થયું છે. કૃષિઅર્થતંત્રના વિકાસની સાથે સાથે આનુષંગિક મુખ્ય ઉદ્યોગો અને તેમને સહાયક અને પૂરક બનતા ઉદ્યોગોનું મહત્વ પણ દર્શાવાયું છે. સુથાર, લુહાર, ધોબી, હજામ, રથકાર, શિકારી, ખાણિયા જેવાના અનેક હુન્નર-ધંધાઓનું પણ વિશ્લેષણ મળે છે. એની સાથોસાથ વેપાર અને વાણિજ્યના નિયમો, માલની ગુણવત્તા, ભેળસેળ કરનારને કરવાની સજા, બજાર-નિયંત્રણ, તોલમાપ, કાર્ષાપણ નામના સિક્કાઓ વડે વિનિમય વગેરે બાબતોની પણ તલસ્પર્શી છણાવટ થઈ છે.

પ્રાચીન ધર્મશાસ્ત્રના આધારે શૂદ્રોની પોતાની આજીવિકાનું સાધન ફક્ત દ્વિજોની સેવા જ હતું. તેઓ બીજી કોઈ સ્વતંત્ર આજીવિકા મેળવી શકતા ન હતા; ત્યારે કૌટિલ્યે ભૂમિહીન શૂદ્રો માટે ભૂમિ, પશુ અને ખેતીને માટે અન્ય સાધનો રાજ્ય તરફથી આપવાનો અને ભૂમિવેરો તથા અન્ય વેરા નિયમિત ભરનાર શૂદ્રોને એ જમીનના ભોગવટાનો અધિકાર વારસાગત આપવાનો નિર્દેશ કર્યો છે. શૂદ્રોને ગુપ્તચર વિભાગમાં, લશ્કરમાં અને રાજ્યના સંદેશાવાહક દૂત જેવા ઉચ્ચ હોદ્દા પર નીમવાની પણ હિમાયત કરવામાં આવી છે. વળી જ્યાં સંગીત, નૃત્ય, નાટક-મંડળીઓમાં અભિનય વગેરે આજીવિકાનાં સાધન વર્ણવ્યાં છે, ત્યાં શૂદ્રો માટે પણ ખાસ પ્રબંધ કરવાનો નિર્દેશ કર્યો છે.

આમ કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’ પ્રાચીન ભારતીય રાજકીય વિચારસરણી અને રાજ્યતંત્રને લગતું મહાન સામાજિક શાસ્ત્ર બની રહ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં આ ગ્રંથમાં રાજનીતિશાસ્ત્ર અને રાજતંત્રને ક્ષેત્રે વેદકાળથી થયેલા વિકાસનું પ્રતિબિંબ પડ્યું છે. સાથોસાથ એમાંથી મૌર્યકાલીન વહીવટી તંત્રની રૂપરેખા પણ તારવી શકાય છે. ઉત્તરકાલીન હિંદુ રાજનીતિના ઘડતરમાં એનો વ્યાપક પ્રભાવ પડ્યો છે. હકીકતે, ‘અર્થશાસ્ત્ર’ પ્રાચીન ભારતીય રાજનીતિનું ડહાપણ અને અનુભવનું ગૌરવપ્રદ ગ્રંથ-સ્મારક છે.

પ્રવીણચંદ્ર પરીખ