અર્થપરાયણ માનવી : ટાંચાં સાધનોના ઇષ્ટ અને મહત્તમ ઉપયોગ વડે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરી તેની વપરાશ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષી મહત્તમ તુષ્ટિગુણ પ્રાપ્ત કરવાના ધ્યેયને વરેલો માનવી. પૃથ્વી પર જન્મેલા દરેક માનવીને ઓછાવત્તા પ્રમાણમાં જરૂરિયાતો તો હોય છે જ અને સભ્યતા તથા સંસ્કૃતિના વિકાસ સાથે તેની જરૂરિયાતોમાં વધારો પણ થતો જાય છે. પ્રાચીન કાળમાં માનવીની જરૂરિયાતો બહુ સીમિત હતી. ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ પૂરતી જ તે મહદ્અંશે મર્યાદિત હતી. સમય જતાં તેમાં સુખસગવડો અને મોજશોખની જરૂરિયાતોનો ઉમેરો થતો ગયો. ઉપરાંત, માનવી સામાજિક જીવન પસંદ કરતો હોવાથી તેના સામાજિક અને સાંસ્કૃતિક જીવન સાથે સંકળાયેલી જરૂરિયાતોનું પણ સતત વિસ્તરણ થતું રહ્યું છે. તેની સતત વિસ્તરતી જરૂરિયાતો સંતોષવા માટે જે ચીજવસ્તુઓ અને સેવાઓની જરૂર પડે છે તેનું ઉત્પાદન કરવા માટે જે સાધનો કે નિવિષ્ટોની અનિવાર્ય રીતે આવશ્યકતા હોય છે તેનો પુરવઠો વધુ ને વધુ મર્યાદિત બનતા જાય છે. આમ અસીમ જરૂરિયાતો અને ટાંચાં સાધનો આ બેના પરસ્પર સંબંધો આર્થિક પ્રવૃત્તિઓનું મૂળભૂત સ્વરૂપ નિર્ધારિત કરે છે. પૃથ્વી પરનો દરેક માનવી તે ધનિક હોય કે ગરીબ – અછતની સમસ્યાનો સામનો કરતો જ હોય છે. ધનાઢ્ય માનવીની બાબતમાં આ પ્રકારની અછત સાપેક્ષ હોય છે જ્યારે વિશ્વના વિકાસશીલ દેશોમાં ગરીબીની રેખા નીચે જીવતા, કંગાલિયતનો સામનો કરતા અસંખ્ય માનવીઓ માટે સાધનોની અછત મહદ્અંશે નિરપેક્ષ હોય છે. ગ્રીસના અમેરિકાના ઍરિસ્ટૉટલ ઓનાસિસ, બિલ ગેટ્સ કે વિશ્વના ખોજા કોમના વડા આગાખાન જેવા ધનાઢ્ય માણસોની આવક અન્ય માણસો કરતાં વધારે ભલે હોય, પરંતુ તેમના માટે પણ સાધનોની અછતની સમસ્યા તેટલી જ પ્રસ્તુત છે જેટલી તે ગરીબ કે નિર્ધન માણસ માટે પ્રસ્તુત છે – બંને વચ્ચે અછતની માત્રા(extent)ને લગતો જ તફાવત હોય છે.
અસીમ જરૂરિયાતો અને સાધનોની અછતના આ આર્થિક કોયડાના ઉકેલરૂપે માનવ પોતાનાં ટાંચાં સાધનોનો ઇષ્ટ અને મહત્તમ ઉપયોગ કરીને આપેલ સંજોગોમાં મહત્તમ આર્થિક લાભ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. તેના આ પ્રકારના વર્તન અને વ્યવહારને maximising behaviour – મહત્તમ લાભ મેળવવા માટેનું વર્તન તરીકે ઓળખવામાં આવે છે. આવું વિવેકપૂર્ણ અને તર્કશુદ્ધ વર્તન કરનારને ‘અર્થપરાયણ માનવી’ તરીકે ઓળખવામાં આવે છે. ઉપભોક્તા મહત્તમ તુષ્ટિગુણ પ્રાપ્ત કરવા માગે છે, જ્યારે ઉત્પાદક ઉત્પાદન સાધનોના ઇષ્ટ સંયોજન દ્વારા મહત્તમ નફો કમાવા માગે છે.
અર્થપરાયણ માનવી સમક્ષ મુખ્યત્વે બે પ્રકારનાં ધ્યેયો હોય છે : (1) માનવીની જરૂરિયાતો સંતોષી શકે તેવી ચીજવસ્તુઓ અને સેવાઓનું આપેલ સંજોગોમાં મહત્તમ ઉત્પાદન કરવું, તે માટે ઉપલબ્ધ સાધનો વધુમાં વધુ એકત્ર કરવાં (mobilise) અને તેનો કરકસરયુક્ત ઉપયોગ કરવો; (2) સમાજમાં ચીજવસ્તુઓ અને સેવાઓનું જે કુલ ઉત્પાદન થાય છે તેની ઇષ્ટ વહેંચણી કરવી. જે સમાજ આ બંને ધ્યેયો હાંસલ કરી શકે છે તે ‘આર્થિક સમૃદ્ધિનાં શિખર’ સર કરી શકે છે.
હસમુખ લ. દવે
બાળકૃષ્ણ માધવરાવ મૂળે