અર્ણિમિલ (જ. આશરે 1734, કાશ્મીર; અ. 1778) : કાશ્મીરનાં ‘વાત્સન’ પ્રકારની કાવ્યરીતિનાં અગ્રણી કવયિત્રી. કાશ્મીરી પંડિતના મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. કોઈ વિશેષ સગવડો તેમને સુલભ થઈ ન હતી; આમ છતાં, કવિતાનો પાઠ કરી શકવામાં તથા તેમાંથી અવતરણો ટાંકવામાં તેઓ પોતાના સાથીઓને ઝાંખા અને પાછા પાડી દે એવી તીવ્ર સ્મરણશક્તિ અને બુદ્ધિ ધરાવતાં હતાં. તેમણે પિતાના હાથ નીચે ઘેર જ શિક્ષણ લીધું હતું. મધુર કંઠ વડે અને અદભુત સ્મરણશક્તિને પરિણામે તેઓ પોતાની આસપાસની સાહેલીઓને ખુશ કરી દેતાં. તેમણે પોતાના સમયના પરંપરાગત કાશ્મીરી સંગીતમાં પુષ્કળ રસ હતો. આ સંગીત ‘સુફિયાના કલામ’ તરીકે જાણીતું હતું. ઘણી વાર તેઓ પોતાની રચનાઓ પરંપરાગત સંગીતમાં બેસાડીને ગાવાની કોશિશ કરતાં. વાસ્તવમાં તેમનાં કાવ્યો ‘લાલ બાથ’ નામે ઓળખાતો એક અલાયદો પ્રકાર રચે છે. એ કારણે તેમની શૈલી તદ્દન નિરાળી તરી આવે છે. તેમનાં કાવ્યોની વિષયસામગ્રી પણ એક રીતે તદ્દન ભિન્ન પ્રકારની છે.
બુદ્ધિશાળી સુંદર યુવતી તરીકેની તેમની ખ્યાતિ, ભવાનીદાસ કચરુ નામના ફારસી કવિના કાને પહોંચી અને તેમને આ યુવતીને પોતાની પત્ની બનાવવાની ઇચ્છા થઈ. નિર્દોષ અર્ણિમિલ (તેનું બાપીકું નામ જૂઈ એટલે કે જસ્મિન હતું) ને ખબર પણ ન હતી કે જે અફઘાન દરબારમાં ભવાનીદાસનું કવિ તરીકે સન્માન થયું હતું ત્યાં તેઓ એક વારાંગનાની સોબતમાં ફસાયેલા હતા. આથી એ કોડભરી યુવતી માટે લગ્ન આઘાતજનક બની ગયાં. અર્ણિમિલને તો કુદરતી બક્ષિસ ધરાવતા એ કવિને સુવાંગ પોતાનો કરી લેવો હતો જ્યારે ભવાનીદાસને અર્ણિમિલ પર પત્ની તથા કવયિત્રી એટલે બંને રીતે તેના પર પોતાનો પ્રભાવ પાડવો હતો. અફઘાનોના રાજદરબારની દારૂની મહેફિલ અને સુંદરીઓના સંગમમાંથી ભવાનીદાસને અર્ણિમિલ માટે સમય મળતો જ ન હતો; આથી અર્ણિમિલ અત્યંત દુ:ખી અને નિરાશ બની ગયાં. આથી તેમણે પોતાના પ્રેમભૂખ્યા હૃદયને ઉત્કંઠાભર્યાં ઊર્મિગીતોમાં ઠાલવ્યું. અતૃપ્ત રહેલા પ્રણયમાંથી ઊછળી આવેલા કારુણ્યના માધુર્યની દૃષ્ટિએ આ કાવ્યો અદ્વિતીય ગણાય છે. દેખીતી રીતે જ અર્ણિમિલનાં વાત્સન કાવ્યોની ગુણવતા હબાખાતૂનની રચનાઓ કરતાં તદ્દન જુદા જ પ્રકારની છે. હબખાતૂનને શાળાકીય શિક્ષણ અને પોતાના પ્રેમી યૂસુફ શાહનાં હૂંફ અને સાથ મળ્યાં હતાં. આથી ઊલટું અર્ણિમિલને દાંપત્યજીવનનું સુખ એક ક્ષણ પણ મળ્યું ન હતું. અલબત્ત, તેમણે પોતે તો પોતાનો સમગ્ર પ્રેમ એ નિષ્ઠુર પતિને જ સમર્પિત કરી દીધો હતો અને પતિને ખુશ રાખી, પોતાને નિરંતર તડપાવતી ઉદાસીનતામાંથી પતિને પોતાની તરફ વાળવા તેઓ કોશિશ કરતાં રહ્યાં. આ સઘળી પીડાજનક મનોવેદના તેમની કાવ્યરચનાઓમાં અત્યંત સચોટ રીતે ગૂંથાઈ ગઈ છે.
માનસિક એકલતાની ક્ષણોમાં તેઓ પોતાના કાયમી સાથી જેવા રેંટિયા સમક્ષ પોતાની વેદના મૂંગા મોઢે વ્યક્ત કરી લેતાં.
ચન્દ્રકાન્ત મહેતા
મહેશ ચોકસી