અરૂપ્પુ કોટ્ટૈ : તામિલનાડુ રાજ્યમાં આવેલા રામનાથપુરમ્ જિલ્લાનો તાલુકો. અરૂપ્પુ કોટ્ટૈનો તાલુકામથક તરીકે વિકાસ થયેલો છે.

રામનાથપુરમ્ જિલ્લાનું આ શહેર વેપારી મથક પણ છે. આ શહેરમાં વસતા શાનક અને સાદિક જાતિના લોકો સૂતર રંગવામાં અને વણવામાં અતિકુશળ હોઈ અહીં કાપડનું સારું ઉત્પાદન થાય છે. તે ઉત્તમ કોટિનું હોવાથી તેની શ્રીલંકા અને સિંગાપુરમાં નિકાસ થાય છે.

આ શહેરમાં 1901માં વસ્તી 23,633 હતી; તે વધીને 1981ની ગણતરી પ્રમાણે 48,554 જેટલી થયેલી હતી. આ શહેરનો વિકાસ ઘણો ઝડપી છે. અરૂપ્પુ કોટ્ટૈથી 21 કિમી. વીરુન્દ્રનગર રેલવે સ્ટેશન આવેલું છે. બંને શહેરો પાકી સડકથી જોડાયેલાં છે.

હેમન્તકુમાર શાહ