અરુંધતી : વસિષ્ઠ ઋષિનાં પત્ની. એમનું બીજું નામ અક્ષમાલા. સ્વયં અરુંધતીએ પોતાના નામની વ્યુત્પત્તિ આપી છે : ‘‘હું અરુ અર્થાત્ પર્વત, પૃથ્વી અને દ્યુલોકને ધારણ કરું છું; મારા સ્વામીની સમીપ રહું છું અને તેમના મનને ‘અનુરુંધતી’ એટલે અનુસરું છું. માટે મારું નામ અરુંધતી છે.’’
અરુંધતી અત્યંત ઉગ્ર તપશ્ર્ચર્યા કરનારી અને પતિપરાયણ હતી, તેથી અગ્નિપત્ની સ્વાહા સપ્તર્ષિઓ પૈકી અન્ય છ ઋષિપત્નીઓનાં રૂપ લઈ શકી; પરંતુ અરુંધતીનું રૂપ ધારણ કરી શકી નહિ.
ઉજ્જાનક નામના તીર્થમાં અરુંધતીને શાન્તિ પ્રાપ્ત થયેલી. અરુંધતીને બદરપાચન તીર્થમાં મૂકીને સપ્તર્ષિઓ હિમાલયમાં ફળમૂળ લેવા ગયા, તેવામાં બાર વર્ષનો ભીષણ દુષ્કાળ પડતાં તેઓ ત્યાં જ રોકાઈ ગયા. અહીં અરુંધતીએ આ બાર વર્ષનો દુષ્કાળ અતિ કઠિન તપશ્ર્ચર્યા કરીને ગાળ્યો. ઋષિઓ પાછા આવ્યા ત્યારે મહાદેવે ઋષિઓનાં તપ કરતાં અરુંધતીના તપને અધિક ગણ્યું. અરુંધતીની ઇચ્છા અનુસાર આ પવિત્ર સ્થાનને ઉત્તમ તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ થવાનો વર આપ્યો.
એક ઝીણા તારા તરીકે આકાશમાં એ સપ્તર્ષિના તારાઓમાં વસિષ્ઠની પાસે ઊગે છે.
લગ્ન વખતે કન્યાને અરુંધતીનું દર્શન કરાવવાનો વિધિ છે. ક્ષત્રિયો કવચબંધન કરતી વખતે અરુંધતીની ઉપાસના કરતા.
અરુંધતીના જ્યેષ્ઠ પુત્રનું નામ શક્તિ હતું. એના પ્રપૌત્ર તે વેદવ્યાસ.
ઉ. જ. સાંડેસરા