અરીઠી/અરીઠો : દ્વિદળી વર્ગના સૅપિંડેસી કુળની એક વનસ્પતિ. તેની બે જાતિઓ છે : (1) Sapindus mukorossi Gaertn. (ઉત્તર ભારતનાં અરીઠાં) અને (2) S. trifoliatus Linn syn. S. laurifolius Vahl. (સં. अरिष्ट, अरिष्टक, फेनिल, गर्भपातनमंगल्य; હિં. रिठा ગુ., દક્ષિણ ભારતનાં અરીઠાં.) કાગડોળિયાનાં વેલ. લીચી, ડોડોનિયા વગેરે તેનાં સહસભ્યો છે. વિપરીત પરિસ્થિતિમાં ટકી શકે તેવી ઊભી તિરાડોવાળી ઘટાદાર ઘઉંવર્ણી છાલ, 5થી 10 મી. ઊંચું પ્રતિકાર-શક્તિ ધરાવતું વૃક્ષ. સંયુક્ત, પક્ષવત્ (pinnate) 5થી 7 પર્ણિકાઓવાળાં, પ્રકાંડમાંથી જ ઉદભવે તેવાં આભાસી આડાંઅવળાં પર્ણો. સંયુક્ત મંજરીમાં ગોઠવાયેલાં સફેદ પુષ્પો, નર પુષ્પો ઘણાં જ્યારે સ્ત્રીલિંગી પુષ્પો ઓછાં. પાંખડીઓ 4થી 5, પુંકેસર 8, 2થી 4 કોટરવાળું બીજાશય – દરેક કોટર એક એક બીજ ધરાવે.
ફળ ઘણું ઉપયોગી. સાબુ તરીકે તેનો ઉપયોગ થાય છે. હલકી જમીન, ઓછા તાપમાન અને વરસાદવાળી જમીનમાં ઊગી શકે. વૃદ્ધિદર ઘણો ઓછો, પરંતુ જડ ઊગ્યા પછી નાશ કરવી મુશ્કેલ; કાયમ વધતી જ રહે. બીજ ગરમ અને રેશમી કપડાં ધોવામાં ઉપયોગી, મુલાયમપણાની જાળવણી ઘણી કરી શકે, તેથી વાળ ધોવામાં વપરાય છે.
શોભન વસાણી
મ. દી. વસાવડા