અરિજિત સિંહ (જ. 25 એપ્રિલ 1987, જિયાગંજ, જિલ્લો મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ) : ભારતીય ચલચિત્રજગતના જાણીતા પાર્શ્વગાયક તથા સંગીતકાર. તેમણે હિંદી ચલચિત્રો ઉપરાંત બંગાળી, તમિળ, તેલુગુ, મરાઠી, ગુજરાતી, કન્નડ, મલયાળમ તથા પંજાબી ચલચિત્રોમાં પણ પાર્શ્વગાયન કર્યું છે. તેમને સંગીતનો વારસો તેમનાં માતાના પરિવાર તરફથી પ્રાપ્ત થયો. તેમનાં માતા તબલાવાદન ઉપરાંત ગાયકીક્ષેત્રે રુચિ ધરાવતાં હતાં અને તેમનાં માસી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલાં હતાં. તેથી તેમને બાળપણથી જ સંગીત પ્રત્યે રુચિ પેદા થઈ અને તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર રાજેન્દ્ર પ્રસાદ હજારી પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી. તેમણે શાસ્ત્રીય ગાયકી ઉપરાંત તબલાવાદન તથા રવીન્દ્રસંગીતની પણ તાલીમ મેળવી.
વર્ષ 2005માં 18 વર્ષની ઉંમરે અરિજિત સિંહે ‘ફેમ ગુરુકુળ’ નામના રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. જોકે તેઓ આ સ્પર્ધા જીતી શક્યા નહોતા, પરંતુ તેમના અવાજથી પ્રભાવિત થઈને જાણીતા ચલચિત્રનિર્માતા સંજય લીલા ભણસાલીએ તેમને તેમની ફિલ્મ ‘સાંવરિયા’નું એક ગીત ગાવાની તક આપી હતી. બાદમાં ફિલ્મની પટકથામાં થયેલા ફેરફારને પગલે ગીત ફિલ્મમાંથી દૂર કરી દેવામાં આવ્યું હતું. પોતાના ગુરુની સલાહ માનીને વર્ષ 2006માં તેઓ સંગીતક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવ્યા. શરૂઆતમાં તેમણે જાહેરાતો, રેડિયોસ્ટેશન તથા ટેલિવિઝન ચૅનલ્સ માટે ગીતો ગાયાં. ધીરે ધીરે તેમને શંકર-અહેસાન-લોય, વિશાલ-શેખર, પ્રીતમ જેવા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કરવાની તક મળવા લાગી. 2013માં અરિજિત સિંહે હિંદી ચલચિત્ર ‘આશિકી-2’માં સંગીતકાર-સ્વરનિયોજક મિથુનન સંગીતદિગ્દર્શન હેઠળ ‘તુમ હી હો’ ગીત ગાયું અને તેમને રાતોરાત લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. આ ગીત માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકેનો ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો. તેમણે ગાયેલાં અલગ અલગ ગીતો માટે અત્યાર સુધીમાં તેમને 122 જેટલા વિવિધ ઍવૉર્ડ્સ પ્રાપ્ત થયા છે. જેમાં 8 ફિલ્મફેર ઍવૉર્ડ્સ અને 5 આઇફા (IIFA) ઍવૉર્ડ્સ પણ પામેલ છે.
અરિજિત સિંહના શાસ્ત્રીય સંગીતના સંયોજન સાથેના મધુર અને ભાવપૂર્ણ અવાજે તેમને આધુનિક ચલચિત્ર ક્ષેત્રના પ્રભાવશાળી ગાયકોમાં આગવું સ્થાન અપાવ્યું છે. ‘દિલવાલે’, ‘સિટીલાઇટ્સ’, ‘ખામોશિયાં’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘2 સ્ટેટ્સ’, ‘રાઝી’, ‘પદ્માવત’, ‘કલંક’, ‘83’, ‘બ્રહ્માસ્ત્ર’ જેવાં અનેક હિન્દી ચલચિત્રોમાં તેમણે ગીતો ગાયાં છે. તેમણે 500થી વધુ હિન્દી ગીતો અને 144 જેટલાં બંગાળી ગીતો ગાયાં છે. તેમણે ‘પદ્માવત’ ચલચિત્રમાં ગાયેલાં ગીત ‘બિનતે દિલ’ માટે વર્ષ 2018નો તથા ‘બ્રહ્માસ્ત્ર’ ચલચિત્રના ‘કેસરિયા’ ગીત માટે 2022નો સર્વોત્કૃષ્ટ પાર્શ્વગાયક તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો. તેમણે ‘ચન્ના મેરેયા’ (એ દિલ હૈ મુશ્કિલ), ‘અપના બના લે પિયા’ (ભેડિયા), ‘અગર તુમ સાથ હો’ (તમાશા), ‘સમજાવાં’ (હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા), ‘હવાયેં’ (જબ હેરી મેટ સાજિદ), ‘જાલિમા’ (રઇશ), ‘લાલ ઇશ્ક’ (ગોલિયોં કી રાસ લીલા રામ લીલા), ‘મસ્ત મગન મન’ (2 સ્ટેટ્સ), ‘સુનો ના સંગેમરમર’ (યંગિસ્તાન), ‘કબીરા’ (યે જવાની હૈ દિવાની) જેવાં ઉત્તમ ગીતો ગાયાં છે. અરિજિત સિંહે ગુજરાતી ચલચિત્ર ‘રૉન્ગ સાઇડ રાજુ’નું ‘સપ્તરંગી’ ગીત ગાયું છે. આ તેમણે ગાયેલું એકમાત્ર ગુજરાતી ગીત છે.
અરિજિત સિંહે દેશના મુંબઈ, કૉલકાતા, બૅંગાલુરુ, અમદાવાદ, પૂના, ઇન્દોર, હૈદરાબાદ, જયપુર, ચંડીગઢ જેવાં અનેક મોટાં શહેરો ઉપરાંત વિદેશોમાં પણ લાઇવ મ્યુઝિક કૉન્સર્ટ કરી છે. કોવિડ-19ની મહામારી દરમિયાન ભારતનાં ગામડાંઓમાં આર્થિક સહાય કરવાના ઉદ્દેશથી 6 જૂન, 2021ના દિવસે તેમણે સેવાભાવી સંસ્થાના સહયોગથી ફેસબુક લાઇવ કૉન્સર્ટ યોજ્યો હતો.
વર્ષ 2025માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજ્યા છે. 27 જાન્યુઆરી, 2026ના દિવસે અરિજિત સિંહે પાર્શ્વગાયકી ક્ષેત્રેથી સંન્યાસની જાહેરાત કરી.
હેમલ જાદવ
