અરબ સંસ્કૃતિ : અરબ પ્રજાની સંસ્કૃતિ. સાતમી સદીના આરંભમાં ઇસ્લામનું આગમન થયું તે પહેલાં વિશાળ રણપ્રદેશવાળો અરબસ્તાન દેશ સંસ્કૃતિથી સાવ અપરિચિત ન હતો. સામાન્ય રીતે ઓળખાતા પણ વાસ્તવમાં તે અર્થમાં નહિ એવા ‘અંધકાર યુગ’માં અરબસ્તાનમાં વિશેષ કરીને તેના ઉત્તર તેમજ દક્ષિણના પ્રદેશોમાં શિક્ષિત અને સુસંસ્કૃત લોકોની વસાહતો હતી તેમ ત્યાંથી મળી આવેલા સાબી, હિમ્પરી ઇત્યાદિ ભાષાઓના અભિલેખો, પુરાતત્વીય અવશેષો તેમજ પ્રાગ્-ઇસ્લામી કાળના સાત મહાન અરબી ભાષાના કવિઓનાં જગવિખ્યાત કાવ્યો પરથી ફલિત થાય છે.

અરબસ્તાન દ્વીપકલ્પના આ ઉત્તર અને દક્ષિણ વિભાગો ભાષા તેમજ સંસ્કૃતિની દૃષ્ટિએ એકબીજાથી વિભિન્ન હતા. દક્ષિણ અરબસ્તાન એટલે કે યમન વગેરે પ્રદેશોમાં ઇસ્લામના આગમન પહેલાં પણ જીવનપ્રણાલીનું સ્તર સારું એવું ઊંચું હતું તેમ ચાલુ સૈકામાં પૂરા થયેલા પુરાતત્વીય સર્વેક્ષણ અને સંશોધન દ્વારા જાણવા મળે છે, જોકે આ સાધનો દ્વારા મળતી માહિતી પૂરતી કે વિસ્તૃત નથી.

ઇસ્લામ સંસ્કૃતિની પુરોગામી એવી આ સંસ્કૃતિના યુગમાં અગણિત કુટુંબકબીલાઓમાં વહેંચાયેલા અરબો વચ્ચે સાવ નજીવાં કારણોસર લડાઈઓ થતી. આવાં ઘમસાણ-યુદ્ધ પેઢીદરપેઢી ચાલુ રહેતાં. ધાર્મિક માન્યતાઓમાં આ યુગના અરબો અનેકેશ્વરવાદી હતા અને સૂર્ય તેમજ બીજાં ઘણાં દેવ-દેવીઓને માનતા અને તેમની વિવિધ પ્રકારે પૂજા કરતા. સામાન્યત: કોઈ પણ કાર્યના પ્રારંભ માટે ભવિષ્યવેત્તા, જ્યોતિષી વગેરેની સલાહ લેવા ઉપરાંત મૂર્તિઓ સમક્ષ તીર ફેંકી કે ચિઠ્ઠીઓ ઉપાડી શુકન જોવામાં આવતાં. આ યુગના અરબજીવનની સૌથી વિશિષ્ટ ખાસિયત એ હતી કે અરબો પુત્રીજન્મને નાનમ લેખતા. દીકરી પ્રત્યેના અતિશય અણગમાને લઈને તેને જન્મતાંની સાથે જ જીવતી દાટી કે એવા બીજા કોઈ પ્રકારે તેને નષ્ટ કરી દેવાની પ્રથા પ્રચલિત હતી. દ્યૂત, મદિરાપાન ઇત્યાદિની બદી સમાજમાં ફેલાયેલી હતી.

ઇસ્લામના આગમન સાથે જ સમસ્ત અરબોના જીવનમાં સદંતર પલટો આવ્યો. તેમની સુસંસ્કૃત, સામાજિક તેમજ એકેશ્વરવાદી ધાર્મિક માન્યતાવાળી જીવનપ્રણાલીનું સુઘડ, વ્યવસ્થિત તેમજ સુદૃઢ પાયા પર નિર્માણ થયું. ઇસ્લામના અરબસ્તાન બહાર ઝડપી પ્રચાર સાથે ત્યાંના લોકોના નિકટના સહવાસમાં તેઓ આવ્યા અને એ રીતે અરબી સંસ્કૃતિ ઉક્ત દેશોની વિકસિત સંસ્કૃતિના સમાગમમાં આવી. તે બધાંના સમન્વયથી અરબ સંસ્કૃતિએ નવું રૂપ ધારણ કર્યું. હવે આ સંસ્કૃતિ ઇસ્લામીપણાની છાપને લઈને ઇસ્લામી સંસ્કૃતિ કહેવાઈ. આ નવોદિત ઇસ્લામી સંસ્કૃતિએ બાયઝેન્ટાઇન, ઈરાન વગેરેની સંસ્કૃતિઓના પ્રભાવ હેઠળ અરબી ભાષા અને સાહિત્ય, વિજ્ઞાન, દર્શનશાસ્ત્ર, લશ્કરી વિદ્યા, ખેતીવાડી, સ્થાપત્ય ઇત્યાદિ વિવિધ ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ કરી વિશ્વની આગળ પડતી સંસ્કૃતિઓમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું. આઠમી સદીથી જ અરબી ભાષાના ઈરાની અને મધ્ય એશિયાઈ અનુયાયીઓએ એક તરફ પશ્ચિમમાં ગ્રીક અને બીજી તરફ પૂર્વમાં ભારતના વિદ્વાનો તથા ચિંતકોની કૃતિઓ તથા ગ્રંથોનું ભાષાંતર તેમજ તેમના વિચારો અને મંતવ્યોનું સંકલન તથા સમીકરણ કરી વિશ્વના પ્રાચીન વિદ્યાવારસાને નષ્ટ થઈ જતો બચાવી લીધો. તેમણે મૌલિક તેમજ સંશોધનાત્મક ગ્રંથો પણ રચ્યા છે. વિશેષે કરીને દર્શનશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ગણિત તેમજ બીજગણિતશાસ્ત્ર, ચક્ષુર્જ્ઞાન ઇત્યાદિ વિષયોમાં તેમના વિશિષ્ટ અને અતિમહત્વના યોગદાનની અર્વાચીન યુરોપ અને અમેરિકાના વિદ્વાનોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે. તેમનાં આ મૌલિક તેમજ સંકલિત કે ભાષાંતર થયેલાં પુસ્તકો સ્પેન, સીરિયા અને સિસિલી દ્વારા યુરોપ પહોંચ્યાં અને તેમનું ભાષાંતર પંદરમા, સોળમા સૈકામાં યુરોપીય ભાષાઓમાં થયું. યુરોપવાસીઓને આ રીતે પ્રાચીન ગ્રીક અને ભારતીય વિદ્યા અને ચિંતનનો સંપર્ક સાધવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. નિ:શંક, જો આ ભાષાંતરો ન થયાં હોત તો દુનિયા આ પુસ્તકોથી અપરિચિત રહેત.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ