અય્યર, વી. વી. એસ. (જ. 2 એપ્રિલ 1881, વારાનગરી, જિ. ત્રિચિનાપલ્લી; અ. 3 જૂન 1925, ચેન્નઈ) : ઇંગ્લૅન્ડમાં ભારતીય સ્વાતંત્ર્ય-આંદોલનના સમર્થક. તેમનું પૂરું નામ વરાહનરી વ્યંકટેશ સુબ્રહ્મણ્ય અય્યર. અગિયાર વર્ષની વયે મૅટ્રિક. એ જ વર્ષે લગ્ન. ત્રિપુરીની સેન્ટ જૉસૅફ કૉલેજમાંથી સોળ વર્ષની વયે બી.એ. થયા પછી પશુપતિ અય્યર સાથે રંગૂન ગયા અને ત્યાંથી બૅરિસ્ટર થવા લંડન ગયા. ત્યાં સાવરકરના પરિચયમાં આવ્યા. ‘અભિનવ ભારત’ના સભ્ય બનીને સશસ્ત્ર ક્રાન્તિના પુરસ્કર્તા થયા. ‘ઇન્ડિયા’ નામના તમિળ સાપ્તાહિકમાં ‘લંડન લેટર’ નામની કૉલમ દ્વારા ઇંગ્લૅન્ડમાં ચાલતી સ્વાતંત્ર્ય-ચળવળથી ભારતની પ્રજાને તેઓ જ્ઞાત રાખતા હતા. એમણે લખેલ નેપોલિયનનું જીવનચરિત્ર પ્રસિદ્ધ થયા પૂર્વે પ્રતિબંધિત થયું હતું. સાવરકર-લિખિત ‘1857નો સ્વાતંત્ર્ય-સંગ્રામ’નું તમિળ ભાષામાં ભાષાન્તર કર્યું. ઇંગ્લૅન્ડમાં ગુપ્તચર ખાતામાં નોકરી કરી. ‘ઇન્ડિયા હાઉસ’ની પ્રવૃત્તિમાં અય્યર સક્રિય થતાં એમના માર્ગદર્શન હેઠળ મદનલાલ ધિંગરાએ હિંદના સેક્રેટરી ઑવ સ્ટેટના સલાહકાર સર કર્ઝન વાયલીનું ખૂન કર્યું. 1910માં બૅરિસ્ટરીની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સુવર્ણચંદ્રક મેળવ્યો પણ વફાદારીના સોગંદ લેવાનો ઇન્કાર કરતાં નેપથ્યમાં રહેતા અય્યર છતા થતાં, ઇંગ્લૅન્ડની સરકારે તાત્કાલિક પકડવાનો હુકમ કર્યો. અય્યર પંજાબી શીખનો વેશ ધારી ફ્રાન્સ નાસી ગયા. પછી ફ્રાન્સની પોલીસને થાપ આપીને પૉંડિચેરી પહોંચી ગયા. ત્યાંનો સમય કપરો હતો. અય્યર 1910થી 1920 સુધી પૉંડિચેરી રહ્યા. તેઓ તમિળના અચ્છા લેખક હતા. ‘તિરુ-કે-કુરુલ’નું અંગ્રેજીમાં ભાષાન્તર કર્યું હતું. ગાંધીજીના પરિચયમાં આવતાં અહિંસક વિચારધારા તરફ આકર્ષાયા. 1920માં પૉંડિચેરીથી ચેન્નઈ આવ્યા અને તમિળ દૈનિક ‘દેશભક્તન્’નું તંત્રીપદ સંભાળ્યું. વળી નહિ લખેલા લેખની નૈતિક જવાબદારી સમજીને જેલ ભોગવી. ત્યાં એમણે કંબન રામાયણ પર સંશોધનાત્મક અધ્યયન કર્યું. એમણે આધુનિક ટૅકનિક ને વિશિષ્ટ કળાસ્વરૂપવાળી ટૂંકી વાર્તાઓ લખી. ઈ. સ. 1923માં શેરમાદેવીમાં ગુરુકુળ પદ્ધતિનો ‘ભારદ્વાજ આશ્રમ’ સ્થાપ્યો. આશ્રમના વિદ્યાર્થીઓને લઈને કલ્યાણતીર્થ ધોધ જોવા જતાં, ટેકરી પરનો રસ્તો પાર કરતાં પુત્રી લપસી પડતાં ધોધના પાણીમાં તણાઈ. તેને બચાવવા જતાં એ પણ પાછળ પડ્યા અને વહેતા વહેણમાં અદૃશ્ય થઈ ગયા. અય્યરનું જીવન સાવરકર-ગાંધીજીની વિચારસરણીના સુભગ સમન્વય સમું હતું.
પ્રફુલ્લ રાવલ