અયોધ્યા (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના 75 જિલ્લાઓમાંનો એક જે અગાઉ ફૈઝાબાદ જિલ્લા તરીકે ઓળખાતો હતો.
ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 24 94´ ઉ. અ. અને 82 12´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી 95 મીટર જેટલી ઊંચાઈએ આવેલો છે. જેની ઉત્તરે ગોન્ડા અને બસ્તી, દક્ષિણે અમેઠી અને સુલતાનપુર, પૂર્વમાં આંબેડકર નગર અને પશ્ચિમે બારાબંકી જિલ્લાઓ સીમા રચે છે. સરયૂ (ઘાઘરા) નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આ નદીના દક્ષિણ કિનારા પરના કાંપનાં મેદાનોથી બનેલી ખેતીયોગ્ય ફળદ્રૂપ પટ્ટી પર આ જિલ્લો છવાયેલો છે.
આ જિલ્લાની આબોહવા ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રકારની કહી શકાય. ઉનાળો પ્રમાણમાં લાંબો, સૂકો અને ગરમ અનુભવાય છે. માર્ચથી મધ્ય જૂન સુધી તાપમાન 26 સે.થી 41 સે. જ્યારે શિયાળો પ્રમાણમાં ટૂંકો મધ્ય નવેમ્બરથી મધ્ય ફેબ્રુઆરી સુધી ગણાય છે. આ ગાળામાં તાપમાન 7 સે.થી 23સે. જેટલું રહે છે. વરસાદ 750 મિમી.થી 1500 મિમી. જેટલો પડે છે.
ભૂપૃષ્ઠ અને વનસ્પતિ : આ આખોય જિલ્લો વાયવ્યથી અગ્નિ તરફના ઢોળાવવાળાં સમતળ કાંપનાં મેદાનોથી બનેલો છે. પ્રાકૃતિક રચનાની ર્દષ્ટિએ જિલ્લાના બે સ્પષ્ટ વિભાગો પડે છે : નીચાણવાળો ભૂમિવિભાગ (માન્ઝા) અને ઊંચાણવાળો ભૂમિવિભાગ. પ્રથમ વિભાગ ઘાઘરા નદીનાં પૂરનાં મેદાનોથી રચાયેલો છે. આ મેદાનો ક્યાંક ઘણાં સાંકડાં તો ક્યાંક વિસ્તૃત છે. આ મેદાનોની પડતરભૂમિ જંગલી ઘાસથી ભરચક બની રહેલી છે. તે જંગલી પ્રાણીઓને રક્ષણ પૂરું પાડે છે. વર્ષાઋતુમાં આ મેદાનો પૂરનાં પાણીથી છવાઈ જાય છે. કાંપ પથરાઈ જાય છે અને રવી તથા ખરીફ પાકો સરળતાથી લઈ શકાય છે. અહીં કાંપની માટીવાળી જમીનોથી માંડીને શુદ્ધ સફેદ રેતાળ જમીનો જોવા મળે છે. આ સિવાયનો જિલ્લાનો બાકીનો ભાગ ઊંચાણવાળો છે; ત્યાં ખેતભૂમિ અને વસાહતો, નાનાં નાનાં સરોવરો, આંબા અને મહુડાનાં ઝુંડ જોવા મળે છે. આ ઉપરાંત અહીં ક્ષારપોપડીના આવરણવાળી જમીનો પણ આવેલી છે.
મેદાનોમાં આવેલી વિવિધ પ્રકારની જમીનો તથા ભરપૂર પાણી-પુરવઠાને કારણે લગભગ બધી જાતનાં વૃક્ષો અને વનસ્પતિ ઊગી નીકળે છે. આંબા, મહુડા, જાંબુ, જામફળી, લીમડા અને બાવળ જેવાં વૃક્ષો વિશેષ છે; મહુડા અને જાંબુનાં લાકડાં બાંધકામમાં તથા બાવળનાં લાકડાં હળ અને અન્ય ખેતીવિષયક સાધનો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.
જળપરિવાહ : જિલ્લાનો લગભગ સમગ્ર વિસ્તાર ઘાઘરા, ગોમતી તથા ટોન્સ નદીરચનાઓથી બનેલો છે. ઘાઘરા જે સરયૂ નામથી પણ ઓળખાય છે તે આ જિલ્લાની મુખ્ય નદી છે. તેનો મધ્ય પ્રવાહવિભાગ (2 મીટર કે વધુ) ઊંડો રહેતો હોવાથી આખું વર્ષ જળવ્યવહાર માટે ઉપયોગી બની રહે છે.
ખેતી : ઉત્તરપ્રદેશની માફક આ જિલ્લાનું અર્થતંત્ર પણ મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. અહીં વર્ષમાં રવી અને ખરીફ પાકો તો લેવાય છે, તે ઉપરાંત નદીકિનારાના ભાગોમાં (ખેતીલાયક 2.6. % ભાગમાં) મર્યાદિત પ્રમાણમાં ત્રીજો પાક પણ લઈ શકાય છે. અહીંના કૃષિપાકોમાં વિશેષ પ્રમાણમાં ડાંગર, ઘઉં અને ચણા તથા તેનાથી થોડા ઓછા પ્રમાણમાં શેરડી, વટાણા, તેલીબિયાં અને બટાટાનો સમાવેશ થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સુધારાવાદી ખેતીપ્રયોગો પર ભાર મુકાઈ રહ્યો છે, તેમ છતાં મોટે ભાગે તો ખેતી પરંપરાગત રીતે જ થાય છે. મુખ્યત્વે નદીઓનાં પાણી સિંચાઈના ઉપયોગમાં લેવાય છે.
પશુપાલન : ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત ખેતીની સાથે સાથે ખેડૂતો તેમના જીવનનિર્વાહ માટે મદદરૂપ થાય તે માટે પશુપાલન પણ કરે છે. અહીં ગાયો, બળદ અને ભેંસો જેવાં આશરે 10 લાખ જેટલાં પાલતુ પશુઓ છે. તે ઉપરાંત આશરે 2.50 લાખ જેટલાં ઘેટાં-બકરાંનો ઉછેર પણ થાય છે; જોકે આ બધાં પશુઓની ઓલાદ પ્રમાણમાં ઊતરતી કક્ષાની જણાતી હોય છે. પશુઓ માટે ઢોર-સુધારકેન્દ્રો, કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્રો તેમજ જરૂરી પશુ-દવાખાનાંનો વિકાસ કરવામાં આવેલો છે. આ સિવાય ડુક્કર-ઉછેરકેન્દ્ર પણ છે.
ઉદ્યોગો : આ જિલ્લામાં ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે. રેહ અને કંકર સિવાય વિશેષ મહત્વનાં કોઈ ખનિજો અહીં મળતાં નથી. 1947માં સ્થાપવામાં આવેલ ખાંડનું કારખાનું તથા અયોધ્યા અને દર્શનનગર ખાતેની કાગળની બે મિલો જ માત્ર જિલ્લાના મુખ્ય ઉદ્યોગો છે. નાના પાયા પરના અન્ય ઔદ્યોગિક એકમોમાં બરફનું કારખાનું, શીતાગાર, ચોખાની અને આટાની મિલો, ઈંટો અને ચૂનાના ભઠ્ઠા, લાટીઓ, હાથસાળના એકમો, લોખંડની પેટીઓ બનાવવાના એકમો, રાચરચીલું, સાબુ, બેકરી, ખેતીવિષયક ઓજારો, નાનાં ઇજનેરી સાધનો જેવા એકમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં હાથવણાટ કાપડ પરનું છપાઈકામ, રંગાટીકામ, બીડી અને ગોળ બનાવવાના કુટિર-ઉદ્યોગો પણ ચાલે છે. નજીકમાં સોહવાલ ખાતે જળવિદ્યુતમથક છે.
વેપાર : જિલ્લામાં પગરખાં, બીડી, સૂતર અને તમાકુ જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન અને તેનો વેપાર થાય છે. જિલ્લામાંથી બીડી, સૂતર, હાથવણાટનું કાપડ, ઈંડાં, ઊની ગાલીચાની નિકાસ અને ખાંડ, ખાદ્યાન્ન, કેરોસીન વગેરેની આયાત કરવામાં આવે છે.
પરિવહન : આ જિલ્લો રેલમાર્ગો – સડકમાર્ગોની સુવિધા ધરાવે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ ન. 27, 28 પસાર થાય છે. રાજ્યના ધોરી માર્ગો અને જિલ્લામાર્ગોથી તે સંકળાયેલો છે. આ જિલ્લાના માર્ગો લખનઉ, બારાબંકી, સુલતાનપુર, ગોન્ડા બસ્તી, આઝમગઢ, કાનપુર, બહરૈચ વગેરે શહેરોને સાંકળે છે. રાજ્ય પરિવહનની અને ખાનગી બસોની સુવિધા રહેલી છે.
આ જિલ્લામાં અયોધ્યા જંકશન, અયોધ્યા કૅન્ટોનમેન્ટ, રુદાઔલી રેલવેસ્ટેશન અને ગોસાઈગંજ રેલવેસ્ટેશનો આવેલાં છે.
કેન્દ્ર સરકારના સહયોગથી અયોધ્યા જિલ્લામાં ‘અયોધ્યા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ની સગવડ ઊભી કરાઈ છે. જે અયોધ્યા ખાતે આવેલું છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 2,522 ચો.કિમી. અને વસ્તી (2011 મુજબ) 24,70,996 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 961 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 69.57% છે. શહેરી વસ્તી (2011 મુજબ) 6,89,354 છે. જિલ્લામાં હિન્દુઓની વસ્તી 84.75% જ્યારે મુસ્લિમોની વસ્તી 14.80% છે. પછાત જાતિનું પ્રમાણ 22.46% નોંધાયું છે. મહદંશે અહીં બોલાતી ભાષાઓમાં હિન્દી (83.00%), અવધિ (13.50%) અને ઉર્દૂ (3.14%)નું પ્રમાણ જોવા મળે છે. વહીવટી દૃષ્ટિએ આ જિલ્લાને મુખ્યત્વે 5 તાલુકામાં વિભાજિત કરેલ છે. જે અયોધ્યા, બીકાપુર, ગોસાઈગંજ, મીલકીપુર અને રુદાઔલી છે.
જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. મોટા ભાગની રાજ્યસરકાર દ્વારા સંચાલિત છે. આ સિવાય ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે. ઉચ્ચશિક્ષણના સંદર્ભમાં જોઈએ તો અવધ યુનિવર્સિટી, બ્રિજકિશોર હોમિયોપેથિક તબીબી કૉલેજ, નરેન્દ્રદેવ યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચર ઍન્ડ ટૅકનૉલૉજી સંસ્થા આવેલી છે. કે. એસ. સાકેત પી. જી. કૉલેજ પણ આવેલી છે. આ ઉપરાંત શહેરો – નગરોમાં ચિકિત્સાલયો અને સ્વાસ્થ્યકેન્દ્રો પણ આવેલાં છે.
પ્રવાસન : જિલ્લામાં અયોધ્યા, અહરૌલી ગોવિંદસાહેબ, દરાબગંજ અને ગુલાબવાડી જેવાં પ્રવાસીઓ માટેનાં આકર્ષણસ્થળો આવેલાં છે. અયોધ્યા તો મંદિરોનું શહેર છે, ત્યાં હિન્દુ મંદિરો ઉપરાંત જૈન મંદિરો, મસ્જિદો અને મકબરા આવેલાં છે. સરયૂ નદી પરનાં મંદિરો અને સ્નાનઘાટ આકર્ષણનાં કેન્દ્રો છે. તે પૈકી પ્રાચીન નાગેશ્વરનાથ મહાદેવનું મંદિર, જાનકીતીર્થ, ચંદનહરિ, લક્ષ્મણકિલા તથા સ્વર્ગદ્વારઘાટ ઉલ્લેખનીય છે. અહરૌલી ગોવિંદસાહેબના સ્થાનકે તેમની યાદમાં દસ દિવસનો મેળો ભરાય છે. બિકાપુર તાલુકાના દરાબગંજ ખાતે એક પ્રાચીન તળાવ આવેલું છે, ત્યાં વનવાસથી પાછા ફરતી વખતે રામ અને સીતાએ રોકાણ કરેલું હોવાથી તે જાણીતું છે. ગુલાબવાડી એ કોટથી રક્ષિત ભવ્ય ઇમારત છે. કોટની રાંગ પાસેથી અયોધ્યા જતો માર્ગ પસાર થાય છે. શુજા-ઉદ્-દૌલાનો મકબરો પણ અહીં આવેલો છે. વર્ષભર જુદા જુદા તહેવારો ઊજવાય છે તથા અમુક તહેવારોએ જુદાં જુદાં સ્થળો પર મેળા ભરાય છે; જેમાં રામનવમી, રથયાત્રા, ઝૂલા, અનંતચતુર્દશી, શરદપૂર્ણિમા, સૂરજકુંડ દશેરા, કાર્તિકી પૂર્ણિમા, રામદ્વિજ, રામવિવાહ, સંક્રાંતિ, શિવરાત્રિ, કાલીદેવી, યમદ્વિતીયા જેવા તહેવારો તથા ગોવિંદસાહેબનો મેળો, ઢોરમેળો, મીનાબજાર વગેરે ઉલ્લેખનીય છે. અયોધ્યા ખાતે શ્રીરામના જન્મસ્થળે નિર્માણ થયેલું રામમંદિર પણ જોવાલાયક છે.
ઇતિહાસ : આજના અયોધ્યા જિલ્લાનો પ્રદેશ પ્રાચીન ભારતીય સાહિત્ય અને ઇતિહાસ મુજબ કોશલ સામ્રાજ્યનો એક ભાગ હતો. ત્યારે પણ અયોધ્યા તેનું મુખ્ય નગર હતું. તે પ્રાચીન સમયનું રઘુવંશી રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું. આ કોશલ પ્રદેશમાં 125 જેટલા રાજાઓ થઈ ગયેલા, તે પૈકી 91 જેટલા રાજાઓએ મહાભારતના યુદ્ધના અંતિમ સમય સુધીમાં અહીં રાજ્ય કરેલું, બાકીના પછીના સમયમાં થયા. આ વંશનો છેલ્લો રાજા ઈ. સ. પૂર્વે ચોથી સદીમાં થઈ ગયો. કોશલ સામ્રાજ્યની સંસ્કૃતિની ચરમસીમા શ્રીરામના વખતમાં હતી, તેમણે રામરાજ્યની સ્થાપના કરેલી.
ઈ. સ. પૂર્વે ચોથા સૈકામાં ભારતભરમાં મગધનું સામ્રાજ્ય આગળ પડતું હતું. ત્યાંના નંદવંશના રાજાઓનું કોશલ પ્રદેશ પર આધિપત્ય હતું. ઈ. સ. પૂર્વે ચોથા સૈકાના છેલ્લા ચરણમાં ચંદ્રગુપ્ત મૌર્યે આ સમગ્ર પ્રદેશનો કબજો મેળવ્યો અને મૌર્યવંશે ઈ. સ. પૂર્વે 184 સુધી ત્યાં શાસન કર્યું. તે પછીથી શુંગવંશ આવ્યો, તેમણે તેમનું પાટનગર પાટલિપુત્ર ખાતે ખેસવ્યું. ઈ.સ.ની પહેલી સદીમાં કોશલ પ્રદેશ પર કુશાણ વંશના રાજાઓનું શાસન આવ્યું, જે તે પછીનાં સો વર્ષ સુધી ચાલ્યું. ત્યારબાદ આ પ્રદેશ ગુપ્તવંશના રાજવીઓને હસ્તક ગયો, તેમણે તેમના સામ્રાજ્યની સીમાઓ સાકેત (અવધ) અને પ્રયાગ (અલાહાબાદ) સુધી વિસ્તારી. એમ માનવામાં આવે છે કે પાંચમી સદીના અરસામાં ગુપ્ત સામ્રાજ્ય વખતે પાટલિપુત્ર કરતાં પણ અયોધ્યાનું મહત્વ વિશેષ હતું અને તે મુખ્ય શહેરનો દરજ્જો ભોગવતું હતું. છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્ય પડી ભાંગ્યું. આ પ્રદેશ કનોજ રાજ્યના કબજા હેઠળ આવ્યો. મોખરી, ગુર્જરો, પ્રતિહારો અને ગાહડવાલોનાં શાસનો આવ્યાં; તેમનો છેલ્લો રાજવી જયચંદ રાઠોડ છેવટે શાહબુદ્દીન ઘોરીને હાથે કારમો પરાજય પામ્યો.
કનોજના રાજવી જયચંદના પતન બાદ અહીં દિલ્હી સલ્તનતનો ઉદય થયો. અહીંની સત્તાનો દોર દિલ્હી-સુલતાનો દ્વારા નિમાયેલા સૂબેદારો(ગર્વનરો)ના હાથમાં ગયો. અકબરના રાજ્યકાળ દરમિયાન, ફૈઝાબાદ(અયોધ્યા)નો આજનો પ્રદેશ બે પ્રાંતો (સૂબા) અને સરકારો(જિલ્લા)માં વહેંચાયેલો હતો. તે પૈકી પશ્ચિમ તરફનો અર્ધો ભાગ અવધને હસ્તક અને બાકીનો અર્ધો જૉનપુરને હસ્તક હતો. 1722માં અવધના સૂબેદાર તરીકે સદાત અલીખાનની નિમણૂક થતાં અવધમાં નવાબી વંશની સ્થાપના થઈ. આ આખોય પ્રદેશ અવધ પ્રાંત તરીકે જાહેર થયો. સદાત અલીખાન મોટે ભાગે અયોધ્યા ખાતે જ રહેતો. તે પછી શુજા-ઉદ્-દૌલાએ ફૈઝાબાદને રાજધાની બનાવ્યું. ફૈઝાબાદ સમૃદ્ધ થતું ગયું; એટલું જ નહિ, તે કલા અને સંસ્કૃતિનું મથક બની રહ્યું. તેના પુત્ર અસફ-ઉદ્-દૌલાએ અહીં સાત વર્ષ શાસન કરીને રાજધાનીનું સ્થળ લખનઉમાં રાખ્યું.
1856ના ફેબ્રુઆરીમાં અવધ છેવટે બ્રિટિશ સામ્રાજ્યનો એક ભાગ બન્યું. તે દરમિયાન ફૈઝાબાદ આ પ્રદેશનું વહીવટી વડું મથક રહેલું. 1995ના સપ્ટેમ્બરની 29મી તારીખે અગાઉના ફૈઝાબાદ જિલ્લા-(વિસ્તાર : 4511 ચોકિમી.)નું વિભાજન થયું અને તેમાંથી આંબેડકરનગરનો અલગ જિલ્લા-સમકક્ષ વિભાગ રચાયો છે, પરંતુ હજી તેનો પૂર્ણ અમલ શરૂ થયો નથી.
અયોધ્યા (શહેર) : અયોધ્યા જિલ્લામાં આવેલું જિલ્લામથક અને શહેર, જે ફૈઝાબાદ તરીકે ઓળખાતું હતું.
આ શહેર 26 70´ ઉ. અ. અને 82 19´ પૂ. રે. પર આવેલું છે. તે લખનઉથી પૂર્વ તરફ સરયૂ (ઘાઘરા) નદીકિનારે વસેલું છે. જેનો વિસ્તાર 120.8 ચો.કિમી. અને સમુદ્ર સપાટીથી 93 મીટરની ઊંચાઈએ આવેલું છે. જેની વસ્તી (2011 મુજબ) 55,890 જેટલી છે.
અહીંની આબોહવા ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. ઉનાળાની ઋતુ પ્રમાણમાં લાંબી અને ગરમ રહે છે. આ ઋતુમાં સરેરાશ તાપમાન આશરે 32 સે. હોય છે. શિયાળાની ઋતુ લગભગ નવેમ્બરથી જાન્યુઆરી સુધીની કહી શકાય. ફેબ્રુઆરીથી માર્ચ માસ દરમિયાન વસંત ઋતુનો અનુભવ થાય છે. શિયાળાનું તાપમાન 16 સે.ની આસપાસ રહે છે. વર્ષાઋતુ પ્રમાણમાં ટૂંકી રહે છે. કોઈક વાર ઑક્ટોબર માસમાં પણ વરસાદ અનુભવાય છે. સરેરાશ વરસાદ 1100 મિમી. પડે છે.
અર્થતંત્ર : આ શહેર જિલ્લામથક અને વ્યાપારનું મુખ્ય કેન્દ્ર છે. ખેત-પેદાશોનું મુખ્ય ખરીદવેચાણ મથક છે. કાગળની, તેલની મિલો, ખાંડનાં કારખાનાં, ઇજનેરી સાધનો, ખેતીનાં ઓજારો બનાવવાના એકમો આવેલા છે. આટાની મિલો, લાટીઓ આવેલી છે. રામમંદિરના નિર્માણ પછી વેપારમાં ત્રણથી ચાર ગણો વધારો જોવા મળ્યો છે. ખાદ્યપ્રકમણ તેમજ રામ મંદિરને લક્ષમાં રાખીને ફોટા, ટોપી, ખમીસ, શાલ, ધજા, પૂજાસામગ્રી, સુતરાઉ – રેશમી રેડીમેડ કપડાં વગેરેના અનેક કુટિર ઉદ્યોગો અને છપાઈ કામના એકમો ઊભા થયા છે.
આ શહેર પ્રાચીન સમયથી હિન્દુઓનું તીર્થધામ રહ્યું છે. રામમંદિરના નિર્માણ પછી ધર્મશાળા, સરકારી આવાસો, ત્રણ તારક અને ચાર તારક હોટલો પ્રવાસનને લક્ષમાં રાખીને નિર્માણ કરાયેલી છે. આ સ્થળે હિન્દુ, જૈન, બૌદ્ધ યાત્રીઓ આવતા હોવાથી મહત્ત્વ વધતું જાય છે. આ શહેરની પડોશમાં આવેલા સાકેતપુરી, દત્ત ધવનકુંડ, કાનીગંજ, સપ્તસાગર કૉલોની અને રેલવે કૉલોની જેવા વિસ્તારો પણ વિકસતા જાય છે.
પરિવહન : આ શહેર ભારતનાં અનેક મોટાં શહેરો સાથે રસ્તામાર્ગે સંકળાયેલ છે. જેમ કે લખનઉ (130 કિમી.), ગોરખપુર (140 કિમી.), પ્રયાગરાજ (160 કિમી.), વારાણસી (200 કિમી.) અને દિલ્હી (636 કિમી.) મુખ્ય છે. આ બધાં શહેરો સાથે બસવ્યવસ્થા રહેલી છે. અયોધ્યા અને સીતાના જન્મસ્થળ જનકપુરી (નેપાળ) સાથે સીધી બસ સેવાનો પ્રારંભ કરાયો છે.
અયોધ્યાનું રેલવે જંકશન જે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય’ નામથી ઓળખાય છે. આ શહેર બ્રૉડગેજ લાઇન ઉપર આવેલું છે. જે લખનઉ સાથે સીધા માર્ગ ઉપર અયોધ્યા જંકશન અને અયોધ્યા કૅન્ટોનમેન્ટ આવેલું છે. દિલ્હી અને અયોધ્યા વચ્ચે દરરોજ સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ કરાયો છે. તેમજ દિલ્હીથી ઊપડતી ‘રામાયણ સર્કિટ ટ્રેન’ના માર્ગમાં અયોધ્યા જંકશન પણ આવે છે. વર્ષ 2024ના જાન્યુઆરી માસમાં દિલ્હીથી અયોધ્યાને સાંકળતી ‘વંદેભારત’ ટ્રેનનો પ્રારંભ કરાયો છે. મેરી ટાઇમ બોર્ડ તરફથી સરયૂ નદીમાં નૌકાવિહારનો પ્રારંભ કરાયો છે.
અહીં અદ્યતન હવાઈ મથક નિર્માણ કરાયેલું છે. જે ‘મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ તરીકે ઓળખાય છે. જે અયોધ્યાધામથી 5 કિમી.ના અંતરે આવેલું છે. આ સિવાય લખનઉ ખાતે ‘ચૌધરી ચરણસિંગ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ (134 કિમી.) જ્યારે પ્રયાગરાજ હવાઈ મથક (166 કિમી.) દૂર આવેલું છે.
વસ્તી : આ શહેરમાં હિન્દુઓની વસ્તી 93.23% છે. આ સિવાય મુસ્લિમ(6.19%), જૈન (0.16%), શીખ (0.14%) અને બૌદ્ધ (0.12%) ધર્મીઓ પણ વસે છે. ખૂબ ઓછા પ્રમાણમાં ખ્રિસ્તીઓ વસે છે. અહીં હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ ભાષા પણ બોલાય છે.
પ્રવાસન : હિંદુ ધર્મ અનુસાર ભારતનાં સાત શહેરોનું ધાર્મિક મહત્ત્વ વધુ છે. તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. વર્ષ 2024ની 22મી જાન્યુઆરીના રોજ ભગવાન રામની મૂર્તિની નવા મંદિર તરીકે સ્થાપના કરવામાં આવી છે. પરિણામે અહીં ભારત અને વિદેશના વિવિધ ભાગોમાંથી યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે.
રામમંદિર, હનુમાનગઢી કિલ્લો, રામકોટ નાગેશ્વરનાથ મંદિર, બ્રહ્મકુંડ, રામની પઈડી (paidi), કનકભવાન મંદિર, સરયૂ નદીને કિનારે આવેલો અયોધ્યા ઘાટ વધુ જાણીતાં છે. મોગલોના શાસનકાળમાં એટલે કે 1730માં સદાબત ખાને વસાવેલું અને તેને પાટનગર તરીકેની ઓળખ આપી હતી. ત્રીજો નવાબ શુજા-ઉદ્-દૌલાએ 1764માં કિલ્લાનું નિર્માણ કર્યું હતું. તેની બેગમનો મકબરો અહીં આવેલો છે. 1775માં લખનઉને પાટનગર તરીકે સ્વીકારતા આ શહેરનું મહત્ત્વ ક્રમશઃ ઘટતું ગયું હતું. 19મી સદીમાં તેનો નાશ થયો હતો. પરંતુ પુનઃ તેનો ઉદ્ધાર કરવામાં આવ્યો. ત્યાર બાદ અહીં બ્રિટિશરોનું પ્રભુત્વ સ્થપાયું.
અયોધ્યા ખાતે આવેલું રામમંદિર જે રામના જન્મસ્થળ તરીકે સ્વીકારાયું છે.
તે 26 79´ ઉ. અ. અને 82 19´ પૂ. રે. પર આવેલું છે. હિન્દુઓના પવિત્ર યાત્રાધામ મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, અવંતિકાની જેમ અયોધ્યાનું પણ મહત્ત્વ વધુ છે.
આ મંદિર આશરે 28.733 હેક્ટર (71 એકર) ભૂમિ ઉપર નિર્માણ થઈ રહ્યું છે. જેનો ખર્ચ આશરે 1,800 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જેની ઊંચાઈ 59 મીટર 161 ફૂટ છે. મુખ્ય મંદિરનો વિસ્તાર 1.081 હેક્ટર (2.67 એકર) છે. 390 સ્તંભ (પીલર), 46 દરવાજા અને પાંચ મંડપ ઊભા કરાયા છે. આ મુખ્ય મંદિરની આજુબાજુ 6 નાનાં મંદિરો ઊભાં કરાયાં છે. યાત્રાળુઓ માટે ફક્ત પહેલો માળ (ભોંયતળિયું) જ ખુલ્લો મુકાયો છે. બાંધકામનો કુલ વિસ્તાર આશરે 5,332.63 ચો.કિમી. (57,400 ફૂટ) છે. આ મંદિરની પરિક્રમા દીવાલની લંબાઈ આશરે 795 મીટર છે. આ રામમંદિરની લંબાઈ 110 મીટર, પહોળાઈ 72 મીટર છે. ભગવાન શ્રી રામનું મુખ્ય મંદિર ઉપરાંત અન્ય છ ઉપ-પરિસર પણ મુખ્ય પરિસરમાં નિર્માણ પામશે જેમાં ભગવાન સૂર્ય, ભગવાન ગણેશ, ભગવાન શિવ, મા દુર્ગા, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માનાં મંદિરો બનશે. ત્રણ માળના રામમંદિરના ગર્ભગૃહમાં શ્રીરામ અને સીતાજીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. ગર્ભગૃહ પાંચ મંડપોથી રક્ષિત હશે. પ્રવેશના ત્રણ મંડપોને કૂડુ, નૃત્ય અને રાગ નામ અપાયાં છે. બંને તરફના બે મંડપો કીર્તન-પ્રાર્થના માટે ફાળવાયા છે. શ્રીરામ–સીતાજીની વિશાળ મૂર્તિઓ ઉપરાંત ભગવાન વિષ્ણુના દશાવતારની 10 મૂર્તિઓ, શિવાજીનાં જુદાં જુદાં સ્વરૂપોની છ મૂર્તિઓ, સરસ્વતી દેવીનાં 12 સ્વરૂપોની મૂર્તિઓ, જોગણીઓની 64 મૂર્તિઓનું સ્થાપન થશે. રામમંદિર તૈયાર થશે. પ્રવાસનને લક્ષમાં રાખીને અયોધ્યામાં ખૂબ જ સસ્તા દરે દસથી બાર અદ્યતન ધર્મશાળાઓનો પ્રારંભ કરાયો છે. ભોજન પણ નિઃશુલ્ક મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાં ક્રિશ્ચિયનોનું ધર્મસ્થાન વેંટિકનસિટી, મુસલમાનોનું મક્કા, યહૂદીઓનું જેરૂસલેમ, શીખોનું સુવર્ણમંદિર, બૌદ્ધનું લ્હાસા, જૈનોનું સમેતશિખર જેટલું મહત્ત્વ ધરાવે છે તે દૃષ્ટિએ હિંદુઓના આ રામમંદિરને મહત્ત્વ મળે તે હેતુ રહેલો છે.
રામમંદિરના આકાર-ઘાટ આપવામાં અમદાવાદના સોમપુરા કુટુંબનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. આ સોમપુરા કુટુંબે વિશ્વનાં 100 જેટલાં મંદિરોનું નિર્માણકાર્ય કર્યું છે. આ સોમપુરા કુટુંબની 15 પેઢીના વારસદારોમાં સ્થાપત્યવિદ શ્રી ચંદ્રકાંત સોમપુરા અને તેમના બે પુત્રો નિખિલ અને આશિષ કે જેઓ દ્વારા આ મંદિર પૂર્ણ થઈ શક્યું છે. તેઓએ નાગર શૈલી, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રને પણ પ્રાધાન્ય આપ્યું છે. તેમના થકી વિશ્વનું ત્રીજા ક્રમે આવતું આ સૌથી મોટું મંદિર બન્યું છે. શ્રી ચંદ્રકાંત સોમપુરાના પિતાશ્રી પ્રાણશંકરની દેખરેખ હેઠળ સોમનાથ મંદિરનું નિર્માણ થયું હતું.
બ્રિટિશરોના શાસનકાળથી આ રામમંદિરના નિર્માણ અંગે મતભેદ હતા. ભારત સ્વતંત્ર થયા પછી પણ આ વિવાદાસ્પદ સ્થળ અંગે કોઈ પરિણામ આવી શક્યું ન હતું.
ઇતિહાસ : ‘અયોધ્યા’ શબ્દ સંસ્કૃત ‘યુધ’ (Yudh) ઉપરથી બન્યો હોવાનું મનાય છે. જેનો અર્થ ‘યુદ્ધ ચાલુ રાખવું’ થાય છે. અથર્વવેદમાં યોધ્યા (Yodhya) એટલે ‘ભગવાનનું શહેર’ ‘City of God’ થાય છે. એમ પણ માનવામાં આવે છે કે અયોધ્યાનું જૂનું નામ ‘સાકેત’ (Saket) હતું. જેનો સંદર્ભ જૈન, બુદ્ધિષ્ઠ, ગ્રીક અને ચાઇનીઝ સાહિત્યમાંથી મળે છે. પુરાતત્વવિદોના મત પ્રમાણે વર્તમાન અયોધ્યાનું નિર્માણ ઈ. સ. પૂર્વે પાંચમી કે છઠ્ઠી સદીમાં થયું હોવાનું મનાય છે.
પ્રાચીન સમયના કોસાલ સામ્રાજ્યની રાજધાની અવધ તરીકે પણ તે જાણીતું છે. બૌદ્ધકાળ દરમિયાન અયોધ્યા મહત્વનું સ્થાન ધરાવતું હોવાનો ઉલ્લેખ ચીની બૌદ્ધ સાધુ ફાહિયાને કરેલો છે (પાંચમી સદી). અહીં સમ્રાટ અશોકે (ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં) સ્તૂપ તૈયાર કરાવ્યો હતો. પુષ્યમિત્ર શુંગનો એક મહત્વપૂર્ણ શિલાલેખ અહીંથી મળ્યો છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં અયોધ્યા સાહિત્ય અને કલાનું કેન્દ્ર બન્યું હતું. આમ ઐતિહાસિક કાળમાં પણ અયોધ્યાની ખ્યાતિ અકબંધ રહી હતી.
અયોધ્યા પાંચ જૈન તીર્થંકરોની જન્મભૂમિ હોવાથી તેમના ચિરસ્મરણાર્થે અઢારમી સદીમાં ત્યાં પાંચ જૈન મંદિરો બાંધવામાં આવ્યાં હતાં.
મુઘલ શાસનકાળ દરમિયાન રામ-અવતારનો જે સ્થળે અંત આવ્યો ત્યાં બાંધેલું સ્વર્ગદ્વાર નામનું મંદિર તોડી, ઔરંગઝેબે મસ્જિદ બંધાવેલી, જે આજે ભાંગીતૂટી હાલતમાં છે. તે પહેલાં 1528માં તેના સાન્નિધ્યમાં મુઘલ સમ્રાટ બાબરે બંધાવેલી બાબરી મસ્જિદ વિવાદનો વિષય બનેલ. તે ઇમારતનો પછી 6 ડિસેમ્બર, 1992ના રોજ ધ્વંસ થયો હતો. ફૈઝાબાદમાં અવધના નવાબી કાળની ઘણી ઇમારતો નજરે પડે છે.
ભગવાન શ્રીરામના જન્મસ્થળે અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિર. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે 16મી સદીમાં બંધાયેલી બાબરી મસ્જિદ વર્ષો સુધી વિવાદનો વિષય રહી હતી. એ ઇમારતનો 6 ડિસેમ્બર, 1992ના રોજ ધ્વંસ થયો હતો ત્યારથી એ વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. અલાહાબાદ હાઈકોર્ટે 2010માં આ કેસનો ચુકાદો આપ્યો હતો, એમાં ત્રણ પક્ષકારો – રામલલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડને ત્રણ હિસ્સામાં વિવાદિત જમીન આપવાનો આદેશ થયો હતો. એ કેસ આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. પુરાતત્ત્વ વિભાગને જમીનના ખોદકામ દરમિયાન મળેલા પુરાવા અને અયોધ્યાના પ્રાચીન ઉલ્લેખો સહિતનો આધાર લઈને સુપ્રીમ કોર્ટે 9મી નવેમ્બર, 2019ના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. એ ચુકાદા પ્રમાણે વિવાદિત સ્થળને રામ-જન્મભૂમિ તરીકે સ્વીકારીને સુપ્રીમ કોર્ટે ત્યાં રામમંદિર નિર્માણને માન્યતા આપી હતી. સુન્ની વકફ બોર્ડને વૈકલ્પિક જમીન આપવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો હતો. એ રીતે કોર્ટે મંદિર-મસ્જિદ બંનેની જોગવાઈ કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદા પછી કેન્દ્ર સરકાર દ્વારા નવા બનેલા ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ ટ્રસ્ટે રામમંદિરનિર્માણની પ્રક્રિયા શરૂ કરી હતી. અયોધ્યામાં 5મી ઑગસ્ટ, 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસની વિધિ કરીને મંદિરનિર્માણ શરૂ કરાવ્યું હતું.
રામમંદિરના બાંધકામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની અન્ય એજન્સીઓ, જેવી કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) વગેરેની અલગ અલગ બાબતોમાં મદદ મળી રહી છે. તે ઉપરાંત ટાટા, એલ એન્ડ ટી જેવી ઘણી ખાનગી કંપનીઓ પણ નિઃશુલ્ક રો-મટીરિયલ સહિતની સેવાઓ આપી રહી છે. અયોધ્યાની વસ્તી 55,890 (2011) હતી. અયોધ્યામાં હિંદુ, મુસ્લિમ, જૈન, શીખ, બૌદ્ધ તેમજ અન્ય પ્રજા પણ વસે છે.
પ્રાણ-પ્રતિષ્ઠા : રામમંદિરમાં શ્રીરામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12:29ના શુભ મુહૂર્તકાળમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવી. આ સમારોહમાં ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ સહિત 6000 V.V.I.P.ઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિરનું નિર્માણકાર્ય પૂરું થયેલ નથી.
નંદકિશોર ગો. પરીખ
હર્ષ મેસવાણિયા
નીતિન કોઠારી