અયોધ્યા : ઉત્તરપ્રદેશ રાજ્યના ફૈઝાબાદ જિલ્લામાં ગોગ્રા (સરયૂ) નદીના કિનારે વસેલું પ્રાચીન શહેર.
સ્થાન/આબોહવા : 26° 48´ ઉત્તર અક્ષાંશ અને 82° 19´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. 1980 પછી અયોધ્યા અને ફૈઝાબાદ મળીને સંયુક્ત શહેર ગણાયું છે. આ શહેર મધ્ય ભારતમાં આવેલું હોવાથી તેની આબોહવા ભેજવાળી ઉપઉષ્ણકટિબંધીય પ્રકારની અનુભવાય છે. ઉનાળો સૂકો, ગરમ અને પ્રમાણમાં લાંબો રહે છે. આ પ્રકારનું વાતાવરણ લગભગ માર્ચના અંતથી મધ્ય જૂન સુધી રહે છે. સરેરાશ દૈનિક તાપમાન 32 સે. રહે છે. વર્ષાઋતુ લગભગ મધ્ય જૂનથી ઑક્ટોબરના અંત સુધીની ગણાય છે. વાર્ષિક વરસાદ આશરે 1067 મિમી. પડે છે. સરેરાશ તાપમાન 28 સે. રહે છે. શિયાળો નવેમ્બરથી જાન્યુઆરી સુધીનો મનાય છે. સરેરાશ તાપમાન 16 સે. રહે છે. આ ઋતુમાં રાત્રિ પ્રમાણમાં વધુ ઠંડીનો અનુભવ કરાવે છે. વસંત ઋતુ ફેબ્રુઆરીથી માર્ચ સુધીની હોય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મોટે ભાગે અહીં ઘઉં, જવ, ડાંગર, શેરડી, કેરી, લીચી તેમજ વિવિધ શાકભાજીની ખેતી લેવાય છે.
પરિવહન : રામમંદિરની પ્રગતિને લક્ષમાં રાખીને આ શહેરને દરેક રાજ્યનાં મોટાં શહેરોને સાંકળતા માર્ગોનું આયોજન થઈ રહ્યું છે. આજે તો રાજ્યનાં મુખ્ય શહેરો લખનઉ, ગોરખપુર, પ્રયાગરાજ, વારાણસી શહેરોને તેમજ દિલ્હીને ધોરી માર્ગોથી આ શહેરને સાંકળેલ છે. પડોશી દેશ નેપાળના જનકપુર શહેર અને અયોધ્યાને સાંકળતી બસસેવા પણ કાર્યરત છે. અયોધ્યા રેલવેસ્ટેશન ઉત્તર રેલવે વિભાગમાં આવેલ છે. અયોધ્યાનું રેલવે સ્ટેશન પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનને ભારતનાં અન્ય મહત્વનાં રેલવે જંકશન સાથે સાંકળવાનું આયોજન કરાયું છે. લખનઉના રેલવેમાર્ગ ઉપર અયોધ્યા જંકશન અને અયોધ્યા કૅન્ટોનમેન્ટ રેલવેસ્ટેશન આવેલાં છે. દિલ્હીથી ઊપડતી ‘રામાયણ સર્કિટ ટ્રેન’- (Ramayan Circuit Train)ના માર્ગમાં અયોધ્યા જંકશન પણ આવે છે. વર્ષ 2024ના જાન્યુઆરી માસમાં દિલ્હીથી અયોધ્યાને સાંકળતી ‘વંદે ભારત’ ટ્રેનનો પ્રારંભ થયો છે. આયોધ્યા ખાતે ‘અયોધ્યા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ આવેલ છે. નજીકમાં લખનઉ ખાતે આવેલ ‘ચૌધરી ચરણસિંઘ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ અને ‘પ્રયાગરાજ હવાઈ મથક’ આવેલ છે. વર્ષ 2024માં અયોધ્યા ખાતે ‘મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મેરી ટાઈમ બોર્ડ તરફથી સરયૂ નદીમાં નૌકાવિહારનો પ્રારંભ થયેલ છે.
પ્રવાસન : હિંદુ ધર્મ અનુસાર ભારતનાં સાત શહેરોનું ધાર્મિક મહત્વ વધુ છે. તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. ભગવાન રામચંદ્રની તે જન્મભૂમિ હોવાથી આ નગરનો મહિમા વધુ છે. વર્ષ 2024ની 22મી જાન્યુઆરીના રોજ ભગવાન રામની મૂર્તિની નવા મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. પરિણામે અહીં યાત્રાળુઓ ભારત અને વિદેશના વિવિધ ભાગોમાંથી દર્શનાર્થે આવે છે. આ મુખ્ય મંદિર સિવાય હનુમાન મંદિર (હનુમાન ગઢી), સુવર્ણમંદિર, સ્વર્ગદ્વાર મંદિર, રામઘાટ, રામકોટ, મણિપર્વત, નાગેશ્વરનાથ મંદિર, બ્રહ્મકુંડ, કનકભવન મંદિર, વિજયરાઘવ મંદિર વધુ મહત્વ ધરાવે છે. પ્રવાસનને લક્ષમાં રાખીને અયોધ્યામાં ખૂબ જ સસ્તા દરે દસથી બાર અદ્યતન ધર્મશાળાનો પ્રારંભ કરાયો છે. ભોજન પણ નિઃશુલ્ક મળે તેની સગવડ ઊભી કરાઈ છે. વિશ્વમાં ક્રિશ્ચિયનોનું ધર્મસ્થાન વેંટિકનસિટી, મુસલમાનોનું મક્કા, યહૂદીઓનું જેરૂસલેમ, શીખોનું સુવર્ણમંદિર, જૈનોનું સમેતશિખર જેટલું મહત્વ ધરાવે છે તે દૃષ્ટિએ હિંદુઓના આ રામમંદિરને મહત્વ મળે તે હેતુ રહેલો છે.
ઇતિહાસ : ‘અયોધ્યા’ શબ્દ સંસ્કૃત ‘યુધ’ (Yudh) ઉપરથી બન્યો હોવાનું મનાય છે. જેનો અર્થ ‘યુદ્ધ ચાલુ રાખવું’ થાય છે. અથર્વવેદમાં યોધ્યા (Yodhya) એટલે ‘ભગવાનનું શહેર’ ‘City of God’ થાય છે. એમ પણ માનવામાં આવે છે કે અયોધ્યાનું જૂનું નામ ‘સાકેત’ (Saket) હતું. જેનો સંદર્ભ જૈન, બુદ્ધિષ્ઠ, ગ્રીક અને ચાઇનીઝ સાહિત્યમાંથી મળે છે. પુરાતત્વવિદોના મત પ્રમાણે વર્તમાન અયોધ્યાનું નિર્માણ ઈ. સ. પૂર્વે પાંચમી કે છઠ્ઠી સદીમાં થયું હોવાનું મનાય છે.
પ્રાચીન સમયના કોસાલ સામ્રાજ્યની રાજધાની અવધ તરીકે પણ તે જાણીતું છે. બૌદ્ધકાળ દરમિયાન અયોધ્યા મહત્વનું સ્થાન ધરાવતું હોવાનો ઉલ્લેખ ચીની બૌદ્ધ સાધુ ફાહિયાને કરેલો છે (પાંચમી સદી). અહીં સમ્રાટ અશોકે (ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં) સ્તૂપ તૈયાર કરાવ્યો હતો. પુષ્યમિત્ર શુંગનો એક મહત્વપૂર્ણ શિલાલેખ અહીંથી મળ્યો છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં અયોધ્યા સાહિત્ય અને કલાનું કેન્દ્ર બન્યું હતું. આમ ઐતિહાસિક કાળમાં પણ અયોધ્યાની ખ્યાતિ અકબંધ રહી હતી.
અયોધ્યા પાંચ જૈન તીર્થંકરોની જન્મભૂમિ હોવાથી તેમના ચિરસ્મરણાર્થે અઢારમી સદીમાં ત્યાં પાંચ જૈન મંદિરો બાંધવામાં આવ્યાં હતાં.
મુઘલ શાસનકાળ દરમિયાન રામ-અવતારનો જે સ્થળે અંત આવ્યો ત્યાં બાંધેલું સ્વર્ગદ્વાર નામનું મંદિર તોડી, ઔરંગઝેબે મસ્જિદ બંધાવેલી, જે આજે ભાંગીતૂટી હાલતમાં છે. તે પહેલાં 1528માં તેના સાન્નિધ્યમાં મુઘલ સમ્રાટ બાબરે બંધાવેલી બાબરી મસ્જિદ વિવાદનો વિષય બનેલ. તે ઇમારતનો પછી 6 ડિસેમ્બર, 1992ના રોજ ધ્વંસ થયો હતો. ફૈઝાબાદમાં અવધના નવાબી કાળની ઘણી ઇમારતો નજરે પડે છે.
ભગવાન શ્રીરામના જન્મસ્થળે અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિર. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે 16મી સદીમાં બંધાયેલી બાબરી મસ્જિદ વર્ષો સુધી વિવાદનો વિષય રહી હતી. એ ઇમારતનો 6 ડિસેમ્બર, 1992ના રોજ ધ્વંસ થયો હતો ત્યારથી એ વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. અલાહાબાદ હાઈકોર્ટે 2010માં આ કેસનો ચુકાદો આપ્યો હતો, એમાં ત્રણ પક્ષકારો – રામલલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડને ત્રણ હિસ્સામાં વિવાદિત જમીન આપવાનો આદેશ થયો હતો. એ કેસ આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. પુરાતત્વ વિભાગને જમીનના ખોદકામ દરમિયાન મળેલા પુરાવા અને અયોધ્યાના પ્રાચીન ઉલ્લેખો સહિતનો આધાર લઈને સુપ્રીમ કોર્ટે 9મી નવેમ્બર, 2019ના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. એ ચુકાદા પ્રમાણે વિવાદિત સ્થળને રામ-જન્મભૂમિ તરીકે સ્વીકારીને સુપ્રીમ કોર્ટે ત્યાં રામમંદિર નિર્માણને માન્યતા આપી હતી. સુન્ની વકફ બોર્ડને વૈકલ્પિક જમીન આપવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો હતો. એ રીતે કોર્ટે મંદિર-મસ્જિદ બંનેની જોગવાઈ કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદા પછી કેન્દ્ર સરકાર દ્વારા નવા બનેલા ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ ટ્રસ્ટે રામમંદિરનિર્માણની પ્રક્રિયા શરૂ કરી હતી. અયોધ્યામાં 5મી ઑગસ્ટ, 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસની વિધિ કરીને મંદિરનિર્માણ શરૂ કરાવ્યું હતું.
વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રને અનુરૂપ ભવ્ય રામમંદિરનું નિર્માણ અયોધ્યામાં મુખ્ય સ્થપતિ ચંદ્રકાંત સોમપુરા, નિખિલ સોમપુરા અને આશિષ સોમપુરાની દોરવણીમાં થઈ રહ્યું છે. મંદિરની પ્રાસ્તાવિક પ્રતિકૃતિ તો છેક 1988માં તૈયાર થઈ હતી. 2020માં એમાં ફેરફાર કરાયો હતો અને આજે જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એની નવેસરથી ડિઝાઇન બનાવવામાં આવી હતી, જેને કેન્દ્ર સરકારે રચેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે માન્યતા આપી હતી. રામમંદિર 161 ફૂટ ઊંચું, 360 ફૂટ લાંબું અને 235 ફૂટ પહોળું હશે. સમગ્ર રામમંદિર પરિસર 2.7 એકર જમીનમાં નિર્માણાધીન છે. ભગવાન શ્રી રામનું મુખ્ય મંદિર ઉપરાંત અન્ય છ ઉપ-પરિસર પણ મુખ્ય પરિસરમાં નિર્માણ પામશે, જેમાં ભગવાન સૂર્ય, ભગવાન ગણેશ, ભગવાન શિવ, મા દુર્ગા, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માનાં મંદિરો બનશે. ત્રણ માળના રામમંદિરના ગર્ભગૃહમાં શ્રીરામ અને સીતાજીની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા થશે. ગર્ભગૃહ પાંચ મંડપોથી રક્ષિત હશે. પ્રવેશના ત્રણ મંડપોને કૂડુ, નૃત્ય અને રાગ નામ અપાયાં છે. બંને તરફના બે મંડપો કીર્તન-પ્રાર્થના માટે ફાળવાયા છે.
શ્રીરામ-સીતાજીની વિશાળ મૂર્તિઓ ઉપરાંત ભગવાન વિષ્ણુના દશાવતારની 10 મૂર્તિઓ, શિવજીનાં જુદાં જુદાં સ્વરૂપોની છ મૂર્તિઓ, સરસ્વતી દેવીનાં 12 સ્વરૂપોની મૂર્તિઓ, જોગણીઓની 64 મૂર્તિઓનું સ્થાપન થશે. રામમંદિર તૈયાર થશે એ સાથે જ તે દુનિયાનું ત્રીજું સૌથી વિશાળ હિન્દુ મંદિર બની જશે. મંદિરના બાંધકામમાં 100 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ બાંધવામાં આવ્યો છે.
રામમંદિરના બાંધકામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની અન્ય એજન્સીઓ, જેવી કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) વગેરેની અલગ અલગ બાબતોમાં મદદ મળી રહી છે. તે ઉપરાંત ટાટા, એલ એન્ડ ટી જેવી ઘણી ખાનગી કંપનીઓએ પણ નિઃશુલ્ક રો-મટીરિયલ સહિતની સેવાઓ આપી રહી છે. અયોધ્યાની વસ્તી 55,890 (2011) હતી. અયોધ્યામાં હિંદુ, મુસ્લિમ, જૈન, શીખ, બૌદ્ધ તેમજ અન્ય પ્રજા પણ વસે છે.
પ્રાણ-પ્રતિષ્ઠા : રામમંદિરમાં શ્રીરામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12:29ના શુભ મુહૂર્તકાળમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવી. આ સમારોહમાં ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ સહિત 6000 V.V.I.P.ઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિરનું નિર્માણકાર્ય પૂરું થયેલ નથી.
નંદકિશોર ગો. પરીખ
હર્ષ મેસવાણિયા
નીતિન કોઠારી