અયનગતિ (precession) : ધરીભ્રમણ કરી રહેલા પદાર્થની ઉપર લાગતા બાહ્યબળની અસર હેઠળ ધરી(અક્ષ, axis)ની ધીમી શાંક્વિક (conical) ગતિ તેમજ સંપાત બિંદુઓનું ક્રાંતિવૃત્ત ઉપર પશ્ચિમ દિશા તરફનું ધીમું ભ્રમણ (precession of equinoxes).

પૃથ્વીની અયનગતિ : પૃથ્વીની ધરી તેના ભ્રમણતલ(ગ્રહણતલ, ecliptic)ની સાથે લગભગ 66.5°નો ખૂણો રચે છે એટલે પૃથ્વીનું વિષુવવૃત્ત ગ્રહણતલની સાથે 23.5°નો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધ્રુવીય વ્યાસ કરતાં તેનો વિષુવવૃત્તીય વ્યાસ આશરે 43 કિમી. જેટલો મોટો છે. આ વિષુવવૃત્તીય ફુલાવો (equatorial bulge) પૃથ્વીની ધરીને કાટખૂણે, પરંતુ ગ્રહણતલથી લગભગ 23.5° જેટલો ત્રાંસો રહે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ તેને ગ્રહણતલ તરફ ખેંચે છે. સૂર્યના આ ખેંચાણબળ કરતાં લગભગ બેગણું મોટું આકર્ષણબળ ચંદ્રને કારણે પૃથ્વીના આ વિષુવવૃત્તીય ફુલાવાને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ ખેંચવા પ્રયત્ન કરે છે. ચંદ્રની ભ્રમણકક્ષા પૃથ્વીના ભ્રમણતલ કરતાં આશરે 5°ને ખૂણે આવેલી હોઈ, આ ફુલાવાને મહદ્અંશે પૃથ્વીના ગ્રહણતલ તરફ ખેંચે છે. તેજ ચાકગતિ(spinning)થી ઘૂમતા ઘન પદાર્થો(જેમ કે ભમરડો, ગાયરોસ્કોપ, વગેરે)ની ધરી ઉપર લાગતા બાહ્ય બળની અસર હેઠળ તેની ધરી બાહ્ય બળની દિશામાં નહિ, પરંતુ તે દિશાથી કાટખૂણે મરડાય છે. આ થઈ અયનગતિ, જે શાંક્વિક પ્રકારની હોય છે. જો ઘૂમતા પદાર્થની ભ્રમણદિશા માર્ગી (પશ્ચિમથી પૂર્વ દિશા તરફની) હોય તો તેની અયનગતિ પણ માર્ગી હોય છે; પરંતુ જો ઘૂમવાની દિશા વક્રી (પૂર્વથી પશ્ચિમ તરફની) હોય તો તેવા ઘૂમતા પદાર્થોની અયનગતિની દિશા પણ વક્રી હોય છે.

આકાશી ધ્રુવનો અયનમાર્ગ : પૃથ્વીની સરેરાશ અયનગતિ વર્ષે આશરે 50 વિકલા (50´´) જેટલી છે, અને લગભગ 25,800 વર્ષે તેનું એક અયનચક્ર પૂરું થાય છે. ઈ. પૂ. 3,000ના સમયમાં પૃથ્વી ઉપરથી જોતાં क–કાલિય (Thuban, α–Draco) ધ્રુવતારક (નિશ્ચલતારક) હતો; આજે ધ્રુવમત્સ્યનો છેડાનો તારો ધ્રુવતારક છે; આજથી 5,000 વર્ષો પછી વૃષપર્વા નક્ષત્રનો સૌથી તેજસ્વી તારક क–વૃષપર્વા (α-Cephei) પૃથ્વી માટે ધ્રુવતારક બનશે. જ્યારે ઈ. સ. 14,000ના અરસામાં વીણા નક્ષત્રનો સૌથી તેજસ્વી તારો અભિજિત (Vega) પૃથ્વીવાસીઓને માટે ધ્રુવતારક બનશે. એમ અયનચક્ર મુજબ આકાશી ધ્રુવબિંદુ બદલાતું રહે છે અને ફરી પાછું ઈ. સ. 23,300ની આસપાસ ફરીથી क–કાલિય (Thuban) અને ઈ. સ. 28,000ના અરસામાં ફરીથી અત્યારનો ધ્રુવતારક (Polaris) નિશ્ચલતારક તરીકેનું પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરશે.

સંપાતબિંદુઓની અયનગતિ : પૃથ્વીની ધરી અયનગતિની સાથે જ પૃથ્વીના વિષુવવૃત્તની અયનગતિ પણ સંકળાયેલી છે. પૃથ્વીના વિષુવવૃત્તને આકાશ તરફ લંબાવીએ તો આકાશી ગોલકનો તે આકાશીય વિષુવવૃત્ત(celestial equator)માં છેદશે. આ આકાશીય વિષુવવૃત્ત અને ગ્રહણતલમાં રહેલું ક્રાંતિવૃત્ત એકબીજાને જે બે બિંદુઓ આગળ છેદે છે તે સંપાતબિંદુઓ (equinoxes) તરીકે ઓળખાય છે. એ બિંદુઓ પણ પ્રતિવર્ષ આશરે 50 વિકલા (50´´) જેટલાં પશ્ચિમ દિશા તરફ ખસતાં રહે છે. ક્રાંતિવૃત્ત ઉપરની આ અયનગતિને લીધે ભોગાંશ(right ascension)માં પ્રતિવર્ષ લગભગ 46.1 વિકલાનો (3.07 સેકન્ડ જેટલા સમયગાળાનો) અને ક્રાંતિ(declination)માં પ્રતિવર્ષ આશરે 20.1 વિકલાનો (20.1´´) ફેર પડતો રહે છે. એટલા માટે તારાઓ તેમજ અન્ય આકાશીય પદાર્થોની સૂચિમાં ભોગાંશ અને ક્રાંતિનાં મૂલ્યો આપવા સાથે તે કયા વર્ષનાં સંપાતબિંદુઓના સંદર્ભમાં આપવામાં આવ્યાં છે તે સાલ પણ દર્શાવવામાં આવે છે. ભારતીય પંચાંગપદ્ધતિમાં સાયન અને નિરયન એવા બે મુખ્ય ભેદ પડે છે. નિરયન પદ્ધતિમાં મેષ-આરંભબિંદુને ગણતરીઓના મુખ્યબિંદુ-આરંભ-સ્થાન તરીકે ગણવામાં આવે છે, જ્યારે સાયન પદ્ધતિમાં વસંતસંપાત(vernal equinox)બિંદુને ગણતરીઓના આરંભસ્થાન તરીકે ગણવાનો રિવાજ છે. (જુઓ આકૃતિ  અક્ષવિચલન.)

પ્ર. દી. અંગ્રેજી