અમ્લપિત્ત (આયુર્વેદ) : આહારમાંથી ઉત્પન્ન થતું વિષ પિત્ત સાથે ભળતાં પેદા થતું દર્દ.

ખારા, ખાટા, તીખા અને દાહ કરે તેવા ભોજનના વધુ ઉપયોગની ટેવ; વિરુદ્ધ આહારની ટેવ; વાસી, ખાટું, ખરાબ ભોજન; ખૂબ તાપ-તડકામાં રખડપટ્ટી; ખોટા ઉજાગરા; શરદ ઋતુનો પ્રભાવ; માદક પદાર્થોનાં વ્યસન વગેરેથી પિત્તદોષ વિદગ્ધ (કાચો-પાકો) થાય છે અને તેને પરિણામે ‘અમ્લપિત્ત’ દર્દ થાય છે. છાતી, કંઠ અને પેટમાં દાહ થવો, ખાટા અને કડવા ઓડકાર કે ઘચરકા આવવા, મોળ ચડવી, ક્યારેક ઊલટી થવી, ખોરાક ન પચવો, પેટ ભારે લાગવું અને કામ કર્યા વિના થાક લાગવો એ ‘અમ્લપિત્ત’નાં સામાન્ય લક્ષણો છે.

અમ્લપિત્ત બે પ્રકારનાં થાય છે : (1) નીચેના માર્ગે જતું – અધોગત અમ્લપિત્ત અને (2) ઉપરના માર્ગનું – ઊર્ધ્વગત અમ્લપિત્ત.

અધોગત અમ્લપિત્ત : ઝાડાના માર્ગેથી વિવિધ રંગનું (કાળું, પીળું, રાતું) પિત્ત નીકળે છે. તે સ્પર્શમાં ગરમ અને દુર્ગંધિત મળ સાથે બહાર પડે છે. તે સાથે દર્દીને દાહ, તરસ, મૂર્ચ્છા, ભ્રમ (ચક્કર), મોહ, મોળ ચડવી, મંદાગ્નિ, રોમાંચ, પરસેવો થવો, શરીરે સફેદ ઢીમચાં સાથે ચળ થવી અને અંગ પીળું જણાવું વગેરે લક્ષણો જોવા મળે છે.

ઊર્ધ્વગત અમ્લપિત્ત : ભોજન પચતું હોય ત્યારે કે ભોજન કર્યા વગર પણ ખાટી અને કડવી ઊલટી થાય છે. ઊલટી લીલા, પીળા, કાળા, ભૂરા કે લાલ જેવા રંગના પ્રવાહીની થાય છે. વમન-પદાર્થ માંસ ધોયેલા પાણી જેવા રંગનો રાતો તથા સફેદ કફમિશ્રિત હોય છે. ઓડકાર પણ ખાટા અને કડવા થાય છે. કંઠ, હૃદય (છાતી) અને પેટ-પડખામાં દાહ, મસ્તકપીડા, હાથ-પગમાં દાહ, શરીર ગરમ રહેવું, અરુચિ, તાવ, ચળ, શરીર પર ચકામાં કે ફોડલા થવા જેવાં અનેક લક્ષણો આ પ્રકારમાં થાય છે.

અમ્લપિત્તનું દર્દ નવું (એકાદ-બે વર્ષનું) હોય તો તે યોગ્ય ઔષધોપચારથી મટી શકે છે; પરંતુ લાંબા સમયનું દર્દ હોય તો દવા લે ત્યાં સુધી સારું રહે તેવું (યાપ્ય) બને છે.

અમ્લપિત્તની સારવાર : આ રોગની સારવાર બે રીતે થાય છે : (1) સંશોધન, (2) સંશમનચિકિત્સા.

સંશોધન સારવાર : આ પ્રકારની સારવારથી શરીરમાં રહેલા રોગ કરનાર દોષોને ઉખેડીને શરીર બહાર કાઢી નાખી, દેહને શુદ્ધ કરી રોગીને નીરોગી કરાય છે. આ માટે દર્દીને પંચકર્મના જાણકાર વૈદ્ય પાસે ઊલટી તથા ઝાડા (વિરેચન) કરાવવાં પડે છે. ઊર્ધ્વગ અમ્લપિત્તમાં દર્દીને ઊલટી કરાવાય છે અને અધોગ (નીચે જતા) અમ્લપિત્તમાં દર્દીને ઝાડા કરાવાય છે. વમન માટે મીંઢોળ તથા પરવળનાં પાનનું ચૂર્ણ કોઈ આસવઅરિષ્ટ તથા મધ સાથે અપાય છે. વિરેચન માટે નસોતર અને આમળાં મધ સાથે અપાય છે.

દર્દીનો આહાર : અમ્લપિત્તના દર્દીને જવ, ઘઉં વગેરે સાદો-મોળો સાત્ત્વિક ખોરાક આપી શકાય; પણ તેને ખારા, ખાટા, તીખા, તળેલા, વઘારેલા, ગુણમાં મરચાં-મરી જેવા; રીંગણાં, દહીં, મેથી, રાઈ, હિંગ જેવા ગરમ પદાર્થો; આસવો, આલ્કોહૉલવાળા દારૂ, તમાકુ વગેરે ખાસ ન આપવાં જોઈએ. આ દર્દીને મમરાની રાબ સાકર અને મધ નાખીને અથવા દૂધ-ભાત આપી શકાય.

ઔષધો : અમ્લપિત્તમાં લીમડાની અંતરછાલ, ધાણા, તેજપત્ર, નાગકેસર, એલચી તથા વરિયાળી જેવાં સાદાં ઔષધો આયુર્વેદમાં અપાય છે. અમ્લપિત્તમાં ફાર્મસીની તૈયાર દવાઓ આ મુજબ અપાય છે : કુષ્માંડ અવલેહ, નારિકેલ ખંડ, ધાત્રીલોહ, સૂતશેખર રસ, લીલાવિલાસ રસ, શતાવરી મંડૂર, દ્રાક્ષાદિ ગુટિકા, અભયાદિ અવલેહ, શતાવરી ઘૃત વગેરે.

ચં. પ્ર. શુક્લ