અમ્બાર્ટસુમિયન, વિક્ટર અમાઝાસ્કોવિચ (જ. 18 સપ્ટેમ્બર 1908, તિફલીસ કે તિબ્લીસ, જ્યૉર્જિયા પ્રજાસત્તાક; અ. : 12 ઑગસ્ટ 1996, અર્મેનિયા) : ખગોળ-ભૌતિકશાસ્ત્રી. તેમનો જન્મ સોવિયેત રશિયામાં આવેલા જ્યૉર્જિયા રિપબ્લિકની રાજધાની તિબ્લીસી (Tibilisi) ખાતે થયો હતો. તેમના પિતા સાહિત્યના શિક્ષક અને પ્રખ્યાત ભાષાવિદ હતા. અમ્બાર્ટસુમિયને 1925માં સેન્ટ પીટર્સબર્ગમાં આવેલી લૅનિનગ્રૅડ સ્ટેટ યુનિવર્સિટીમાં (LSU) પ્રવેશ મેળવ્યો. ખગોળશાસ્ત્રમાં સંશોધન કરવાનો એમને પહેલેથી જ શોખ હતો અને યુનિવર્સિટીમાં પ્રવેશ પછીના બીજા જ વર્ષે સૌર સક્રિયતા ઉપર એક સંશોધનલેખ લખીને પ્રસિદ્ધ કર્યો. એ પછી અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થી-અવસ્થામાં જ, એમના નવેક સંશોધન-લેખો પ્રસિદ્ધ થયા. 1928માં અહીંથી સ્નાતક થઈ, ખગોળભૌતિકીમાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરવા એ જ વર્ષે લૅનિનગ્રૅડ (હવે સેન્ટ પીટર્સબર્ગ) પાસે આવેલી પુલ્કોવો વેધશાળા(Pulkovo Observatory)માં જોડાયા. અહીં તેમણે એ. એ. બેલૉપૉલ્સ્કી(A. A. Belopolskii)ના હાથ નીચે તાલીમ લીધી અને 1931માં ખગોળભૌતિકીમાં ઉચ્ચ પદવી હાંસલ કરી. એ પછી, 1931થી 1943 દરમિયાન લૅનિનગ્રૅડ સ્ટેટ યુનિવર્સિટીમાં શરૂઆતમાં વ્યાખ્યાતા તરીકે અને પાછળથી ખગોળભૌતિક વિભાગના વડા તરીકે કામગીરી બજાવી.
1943માં આર્મેનિયન રિપબ્લિકની રાજધાની યેરેવાનમાં આવેલી આર્મેનિયાની વિજ્ઞાન અકાદમીમાં જોડાયા અને ત્યાંની યેરેવાન સ્ટેટ યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું. 1946માં યેરેવાનની નજદીક એક વિશાળ ખગોલીય વેધશાળાની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી અને એના પ્રથમ નિયામકનો હોદ્દો સંભાળ્યો. આ પદ ઉપર તેઓ 1988 સુધી રહ્યા. બ્યુરાકાન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી(Byurakan Astronomical Observatory) તરીકે પ્રખ્યાત બનેલી આ વેધશાળાનું બીજું નામ ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી ઑવ્ ધી યુ. એસ. એસ. આર. એકૅડેમી ઑવ્ સાયન્સિઝ (Astronomical Observatory of the USSR Academy of Sciences) છે. હાલમાં આ ખગોળભૌતિક વેધશાળાનું સંચાલન આર્મેનિયન એસ.એસ.આર.ની અકાદમી (Academy of the Armenian SSR) હસ્તક છે. અમ્બાર્ટસુમિયને આશરે ચારેક દાયકાથી વધુ કાળના પોતાના સુદીર્ઘ વહીવટ દરમિયાન આ વેધશાળાને રશિયાની જ નહિ, દુનિયાની કેટલીક અગ્રગણ્ય વેધશાળાઓની હરોળમાં લાવી મૂકી.
બીજા વિશ્વયુદ્ધ પછીના કાળમાં ખગોળભૌતિક ક્ષેત્રે રશિયામાં જે કાંઈ વિકાસ થયો તેમાં અમ્બાર્ટસુમિયનનો સિંહફાળો હતો. યુ. એસ. એસ. આર. એકૅડેમી ઑવ્ સાયન્સિઝના તેઓ 1939થી સભ્ય હતા. 1947માં તેમની વરણી આર્મેનિયાની વિજ્ઞાન અકાદમી(Armenian Academy of Sciences)ના પ્રમુખ તરીકે થઈ. આ પદ ઉપર તેઓ કેટલાક દસકાઓ સુધી રહ્યા અને વૈજ્ઞાનિક સંશોધન ઉપરાંત વિજ્ઞાનનાં સામાજિક તેમજ રાજકીય પાસાંઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરેલું. ખગોળશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય મંડળ (International Astronomical Union)ના 1948થી 1955 સુધી ઉપપ્રમુખ તરીકે અને પછીથી 1961થી 1964 સુધી તેના પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલી.
એક જમાનાના સોવિયેત યુનિયનનાં એકથી વધુ વખત તેમને ઉચ્ચતર સરકારી અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક માન-અકરામો અને ઇનામો એનાયત થયાં હતાં. એમને બે વખત સ્ટૅલિન પ્રાઇઝ આપવામાં આવેલું. 1968માં એમની ષષ્ટિપૂર્તિનો પ્રસંગ સમગ્ર રાષ્ટ્રે એક મહત્વની ઘટના તરીકે ભારે દબદબાપૂર્વક ઊજવેલો. પાછલી ઉંમરે થોડાઘણા રાજકારણ તરફ પણ ઢળેલા અને યુએસએસઆર સુપ્રીમનું પ્રતિનિધિત્વ પણ કરેલું. સોવિયેત યુનિયન જ્યારે વીખરાતું હતું ત્યારે સૉવરીન રિપબ્લિક ઑવ્ આર્મેનિયા (Sovereign Republic of Armenia) – સર્વોપરી પ્રજાસત્તાક આર્મેનિયા રચવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. જોકે રાજકારણમાં પ્રવેશ પછી પણ એમનો મૂળ રસ તો ખગોળમાં જ હતો. 1996માં એમના અવસાન પછી રિપબ્લિક ઑવ્ આર્મેનિયાએ એક તરફ અમ્બાર્ટસુમિયનનો ફોટો અને તેની પાછળની બાજુએ એમણે સ્થાપેલી બ્યુરાકાન વેધશાળા અને 1976માં એમાં મૂકવામાં આવેલા 2.6 મીટર વ્યાસના દર્પણ (પરાવર્તક) ટેલિસ્કોપનું ચિત્રણ રજૂ કરતી 100 દ્રામ(Dram)ની એક ચલણી બૅંક-નોટ છાપી હતી. અત્યાર સુધીમાં ભાગ્યે જ દુનિયાના કોઈ ખગોળશાસ્ત્રીને ચલણી નોટમાં આ રીતે સ્થાન મળ્યું છે.
એમણે લખેલાં કેટલાંક પુસ્તકોમાં જો કોઈ કીર્તિદા કૃતિ હોય તો તે છે : ‘થિયોરૅટિકલ ઍસ્ટ્રૉફિઝિક્સ. 1958માં પ્રસિદ્ધ થયેલા આ પાઠ્યપુસ્તકની ઘણી માંગ છે અને અનેક ભાષાઓમાં તેના અનુવાદ થયા છે. આ ઉપરાંત 1969માં ‘પ્રૉબ્લેમ્સ ઑવ્ કૉસ્મોગોની, 1973માં ‘ફિલોસૉફિકલ પ્રૉબ્લેમ્સ ઑવ્ ધ સ્ટડી ઑવ્ ધ યુનિવર્સ’ વગેરે જેવાં પુસ્તકો પણ એમણે લખ્યાં છે. સારા લેખક હોવા ઉપરાંત તે એક સારા વક્તા પણ હતા. ભારેખમ વિષયને સાહિત્યકારો તથા કવિઓનાં અવતરણો ટાંકીને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં રજૂ કરી તે બહુ મોટા શ્રોતાવર્ગને આકર્ષી શકતા.
અમ્બાર્ટસુમિયનનું સંશોધન મુખ્યત્વે તારક-પ્રણાલી(stellar system)ની ઉત્ક્રાંતિ સાથે સંકળાયેલું છે, જેમાં તારાવિશ્વો અને નાના તારકગુચ્છો(star clusters)નો સમાવેશ થાય છે. એવી જ રીતે તારાઓની ઉત્ક્રાંતિ દરમિયાન જોવા મળતી પ્રક્રિયાઓનો અભ્યાસ પણ એમના સંશોધનનો મુખ્ય વિષય રહ્યો છે. 1947માં અમ્બાર્ટસુમિયને ખગોળશાસ્ત્રમાં પહેલી જ વાર ‘સ્ટેલર ઍસોસિયેશન્સ’નો વિચાર રજૂ કર્યો. હકીકતે, ખગોળશાસ્ત્રમાં તારાઓના વૃન્દ માટે ‘ઍસોસિયેશન્સ’ (associations) એટલે કે ‘સંઘ’ શબ્દપ્રયોગ કરનાર અમ્બાર્ટસુમિયન પહેલા વૈજ્ઞાનિક હતા. આ ઍસોસિયેશન્સ એટલે તપ્ત તારાઓના એવાં ગુચ્છો કે જેમાંના તારા પ્રમાણમાં યુવાન હોય એટલે કે જેમની ઉંમર અમુક લાખ વર્ષ કરતાં ઓછી હોય અને એમની વચ્ચે ઘણું પોલાણ કે અંતર હોય. એમણે શોધ્યું કે આ તારાઓ તારાવિશ્વ-(મંદાકિની)માંની સર્પિલ ભુજાઓની હદમાં કે હદની આસપાસ આવેલા છે અથવા કહો કે મંદાકિનીના તલ(plane)ની અંદર અથવા તો એની નજદીક આવેલા છે. એમણે સૂચવ્યું કે આ ગુચ્છો અબદ્ધ(loose star clusters) હોવાનું કારણ મંદાકિની વિશ્વનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એમને સતત વિસર્જિત કરતું રહે છે એ છે. આનો અર્થ એ થયો કે મંદાકિની વિશ્વની સર્પિલ ભુજાઓમાં હજુ પણ મોટા પાયે નવા તારા બનવાની પ્રક્રિયા ચાલુ છે. ટૂંકમાં કહીએ તો, તારક-ઉત્ક્રાંતિ (stellar evolution) અને મંદાકિનીય-ઉત્ક્રાંતિ (galactic evolution) ઉપરનું એમનું સંશોધન અને તારકવૃંદ સંબંધી એમની શોધ નોંધપાત્ર છે.
સૈદ્ધાંતિક રૂપે આ એમની એક અત્યંત મહત્વની શોધ છે તો એવી જ બીજી મહત્વની શોધ છે રેડિયો-તરંગો ઉત્સર્જિત કરતાં તારાવિશ્વો (radio galaxies) અંગેની. 1955 અગાઉ એવું માનવામાં આવતું હતું કે જોડિયાં તારાવિશ્વોની પરસ્પરની અથડામણને કારણે એમાંથી રેડિયો-તરંગો ઉદભવે છે. અમ્બાર્ટસુમિયને આ વિચારનું ખંડન કરતાં કહ્યું કે રેડિયો-વિશ્વોના કેન્દ્રમાં નાભિકીય પ્રક્રિયાઓને કારણે સુપરનૉવા જેવો, પરંતુ એથી ક્યાંય પ્રચંડ મહાસ્ફોટ થાય ત્યારે આમ થતું જોવા મળે છે. વળી એમણે સૂચવ્યું કે પોતાની અંદરનાં દ્રવ્યોને ફંગોળીને તારાવિશ્વો વિસ્તરે છે. આઠ વર્ષ પછી, 1963માં સપ્તર્ષિ-તારામંડળમાં મે-82 તરીકે ઓળખાતા તારાવિશ્વમાં આવી ફાટી પડવાની ઘટનાની શોધે, અમ્બાર્ટસુમિયનની સૈદ્ધાંતિક પરિકલ્પનાને સજ્જડ સાબિતી પૂરી પાડી. આ ઉપરાંત, બ્રહ્માંડમાં જો ક્યાંય જીવ હોય તો, મતલબ કે પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial life) સાથે સંપર્ક સ્થાપવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં પણ તેમને ઘણો રસ હતો. છેક 1964થી તેઓ આ ક્ષેત્રે સક્રિય હતા અને કેટલુંક મહત્વનું પ્રદાન પણ કર્યું છે. એવી રીતે જ અંતરીક્ષમાં પ્રકાશની વર્તણૂક અંગેની એમની રજૂઆતે ભૂ-ભૌતિકશાસ્ત્ર, અંતરીક્ષ-વિજ્ઞાન, અને ખાસ તો આંતર-તારકીય દ્રવ્ય (interstellar matter) જેવા ખગોળ-ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે ઘણું મહત્વનું પ્રદાન કર્યું છે.
સુશ્રુત પટેલ