અમેરિકન સાહિત્ય

અંગ્રેજી ભાષામાં અમેરિકામાં વસતા લોકોએ રચેલું સાહિત્ય. આ સાહિત્ય અંગ્રેજી ભાષામાં હોવા છતાં અંગ્રેજી-બ્રિટિશ સાહિત્યથી જુદું પડે છે, કારણ અમેરિકા કેવળ અંગ્રેજોનો દેશ નથી. અમેરિકા, યુરોપ, આફ્રિકા (અગાઉ ગુલામ તરીકે આવેલા નીગ્રો), એશિયા એમ અનેક ખંડો અને દેશોના લોકોએ ત્યાં વસવાટ કરેલો છે. આ લોકોની રહેણીકરણી, તેમની સમાજવ્યવસ્થા તેમજ અમેરિકન રાજ્યવ્યવસ્થા વગેરે ઇંગ્લૅન્ડ અને બ્રિટિશ ટાપુઓના રહેવાસીઓ કરતાં જુદાં પડે તે સ્વાભાવિક છે. એ રીતે અમેરિકન જીવન બ્રિટિશ જીવન કરતાં નિરાળું છે. તેથી અમેરિકન સાહિત્ય અંગ્રેજી-બ્રિટિશ સાહિત્યથી નોખું પડે છે. અમેરિકાના આદિવાસી રેડ ઇન્ડિયનોનું જીવન સુધરેલા ગણાતા યુરોપીય દેશોના લોકો કરતાં જુદું હતું. આવા આદિવાસી લોકો હવે અમેરિકામાં ઘણી અલ્પ સંખ્યામાં છે. અમેરિકા મોટેભાગે પરદેશીઓથી વસેલો દેશ છે.

સત્તરમી સદીમાં કૅપ્ટન જૉન સ્મિથે ‘એ ટ્રૂ રિલેશન ઑવ્ વર્જિનિયા’ (1608) અને ‘વર્જિનિયા, ન્યૂ ઇંગ્લૅન્ડ અને સમર ટાપુઓનો ઇતિહાસ’ (1624) રચી અમેરિકન સાહિત્યનો પાયો નાખ્યો. ધર્મસ્થાન અને રાજ્ય વચ્ચે વિવાદ ચર્ચતી કૃતિ નેથેનિયલ વૉર્ડની ‘ધ સિંપલ કૉબ્લર ઑવ્ અગ્ગવામ’ (1647) છે.

અઢારમી સદીના સમયમાં સૌથી આગળ તરી આવતી બે વ્યક્તિઓ છે : બેંજામિન ફ્રૅંકલિન (1706-90) અને ટૉમસ પેન (1737-1809). અમેરિકાની આધુનિક સંસ્કૃતિના નિર્માણમાં તેમનું પ્રદાન મોટું છે.

Benjamin Franklin

બેંજામિન ફ્રૅંકલિન

સૌ. "Benjamin Franklin Portrait" by Steven Green | CC BY 2.0

અમેરિકન તત્વની જોરદાર અભિવ્યક્તિ બેંજામિન ફ્રૅંકલિનના લેખનમાં છે. તેની આત્મકથા (‘Autobiography’) (1818) અત્યંત લોકપ્રિય કૃતિ છે. ‘ડુ ગુડ’ અને ‘બિઝી બૉડી’ શીર્ષકવાળા તેમના નિબંધસંગ્રહો સદાચાર અને જીવનની સામાન્ય સમસ્યાઓની સરળ, આત્મીય અને વિનોદાત્મક ચર્ચા કરતું સર્જન છે. ‘રૂલ્સ ફૉર રિડ્યુસિંગ એ ગ્રેટ એમ્પાયર ટુ એ સ્મૉલ વન’ (1793) તેમની વ્યંગ્યાત્મક કટાક્ષશક્તિનો પરિચય આપે છે.

ટૉમસ પેન ઉદ્દામવાદી ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. ‘કૉમનસેન્સ’ (1776) અને ‘ધ રાઇટ્સ ઑવ્ મેન’ (1791-92) કૃતિઓ દ્વારા તેમણે રાજકીય ચિંતનનું ઉચ્ચ શિખર સર કર્યું છે. બેંજામિન ફ્રૅંકલિનની સલાહથી તે ઇંગ્લૅન્ડ છોડી 1774માં અમેરિકા આવ્યા હતા. ‘ધી એજ ઑવ્ રીઝન’(1794-96)માં તેમણે ખ્રિસ્તી ધર્મ પર પ્રહારો કર્યા છે. ‘હ્યુમન રાઇટ્સ’ દરેક દેશના ક્રાંતિકારીઓને માર્ગદર્શન કરાવતું પુસ્તક છે. અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધ પછી પ્રભાવશાળી રાજકારણી લેખક ટોમસ જેફરસન હતા.

એ સમયનો સૌથી વધુ ઉલ્લેખનીય કવિ ફિલિપ ફ્રેનો (1752-1832) હતો. તેની કવિતા – ‘ધ રાઇઝિંગ ગ્લૉરી ઑવ્ અમેરિકા’ (1772) જાણીતી કૃતિ છે. અમેરિકન ક્રાંતિમાં કવિતા એક શસ્ત્ર સમાન બની હતી. ‘યાંકી ડૂડલ’, ‘નથાન હાલે’ વગેરે બ્રિટિશ સૂરાવલિમાં યોજાયેલાં લોકપ્રિય ગીતો હતાં.

અઢારમી સદીના અંતમાં નાટક અને નવલકથાનો ઉદય થયો. ટૉમસ ગૉડફ્રેનું નાટક ‘ધ પ્રિંસ ઑવ્ પાર્થિયા’ (1759) રંગમંચ પર ભજવાયેલું પ્રથમ નાટક હતું. રૉયાલ ટાયલરે 1787માં ‘કૉન્ટ્રાસ્ટ’ નામનું પ્રથમ અમેરિકન હાસ્યપ્રધાન નાટક રચ્યું. આ નાટકમાં અંગ્રેજ લેખકો ગોલ્ડસ્મિથ અને શેરિડનનો પ્રતિધ્વનિ સંભળાય છે.

વિલિયમ હિલ બ્રાઉને 1789માં પ્રથમ અમેરિકન નવલકથા ‘ધ પાવર ઑવ્ સિમ્પથી’ રચી. સાહિત્યના આ પ્રકાર પ્રત્યે નવોદિત કથાકારોના પૂર્વગ્રહો તેણે દૂર કર્યા. આ નવલકથા ભાવપ્રધાન છે. પછી ઓગણીસમી સદીના અંત સુધી ભાવાત્મક નવલકથાઓની રચનાનું પૂર આવ્યું. આમાં એચ. એચ. બ્રેકનરિજની ‘મૉડર્ન શિવલ્રી’ (1792-1815) લોકપ્રિય અને સફળ બની. એ નવલકથા લોકશાહી પર વિનોદપૂર્ણ કટાક્ષ છે. ચાર્લ્સ બ્રોકડેન બ્રાઉનની નવલકથાઓ ‘વે લડ (1798), ‘આર્થર મર્વીન’ અને ‘એડ્ગર હંટલી’ (1799) આરંભકાળની નવલકથાઓ તરીકે જાણીતી છે.

અમેરિકન ક્રાંતિ અને 1812ના યુદ્ધ પછી ખરેખરા અમેરિકન કહી શકાય તેવા સાહિત્યનું સારા પ્રમાણમાં સર્જન થયું. વિલિયમ કુલેન બ્રોયંટ (1794-1878), વૉશિંગ્ટન અર્વિગ (1783-1859), જેમ્સ ફેનિમોર કૂપર (1789-1851) અને એડ્ગર ઍલન પો(1809-1849)ની કૃતિઓએ અમેરિકન સાહિત્યનો મેરુદંડ સ્થાપ્યો. તેમનું સાહિત્યસર્જન પ્રથમ શુદ્ધ અમેરિકન સાહિત્ય ગણાય છે.

બ્રાયંટે 23 વર્ષની વયે ‘થનટૉપ્સિલ’ (1817) કાવ્ય દ્વારા લોકોનું ધ્યાન આકર્ષ્યું. તેણે પ્રકૃતિવર્ણનનાં સુંદર ઊર્મિગીતો રચ્યાં છે. તે ‘ધી ઇવનિંગ પોસ્ટ’ સામયિકનો સંપાદક હતો. પ્રાસમુક્ત છંદ તેનું પ્રિય માધ્યમ હતું. તેની કવિતામાં અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થનો પ્રભાવ હોવા છતાં તેનાં શબ્દચિત્રો તળપદાં અમેરિકન છે.

જગપ્રસિદ્ધ ‘રિપ વાન વિંકલ’ની વાર્તા અને તેનું એ જ નામનું મુખ્ય પાત્ર સર્જનાર વૉશિંગ્ટન ઇરવિંગ ધનવાન વેપારી કુટુંબનો સૌથી નાનો નબીરો હતો. તેણે મૅનહટ્ટનના નાગરિકોના જીવનપ્રસંગો અને રમૂજી ઘટનાઓનું ‘સલ્માગુંડી’(1807-1808)માં અત્યંત રસિક આલેખન કર્યું છે. અર્વિંગની શૈલી અંગ્રેજ લેખકો એડિસન, સ્ટીલ, ગોલ્ડસ્મિથ અને સ્વિફ્ટની શૈલી જેવી ચપળ, મોહક, કલ્પનાયુક્ત અને વિશદ છે. તેની કૃતિ ‘ન્યૂયૉર્કનો ઇતિહાસ’ (1809) હળવી રીતે પુરાણાં ડચ કુટુંબો અને અતિપાંડિત્ય પ્રદર્શિત કરતા વિદ્વાનોની ઠેકડી ઉડાવે છે. સર વૉલ્ટર સ્કૉટ સાથે અર્વિંગનું મિલન થયું તે પછી તેણે ‘ધ સ્કેચ બુક’ (1819-1820) તથા ‘બ્રેસબ્રિજ હૉલ’(1822)માં જર્મન કલ્પના અને રંગદર્શી તત્વો સાહિત્યમાં દાખલ કર્યાં. બ્રિટિશ વિવેચકોની મુક્ત પ્રશંસા પામનાર અર્વિંગ પ્રથમ ગણનાપાત્ર અમેરિકન લેખક છે.

જેમ્સ ફેનિમોર કૂપરે સર વૉલ્ટર સ્કૉટની ‘વેવર્લી’ નવલકથાઓનું અનુકરણ કરી ખૂબ ખ્યાતિ મેળવી. તે જનવાદ, પ્રકૃતિસૌંદર્ય અને નિશ્ચલ જીવનનો રંગદર્શી નવલકથાકાર છે. તેની કલ્પના જંગલો, ઘાસનાં મેદાનો, અને સમુદ્રો પર ઘૂમરાય છે. અમેરિકન સભ્યતાથી અસ્પૃશ્ય ગણાતા રેડ ઇન્ડિયનોનું આલેખન તેણે સહાનુભૂતિપૂર્વક અને સૂક્ષ્મ અંતરદૃષ્ટિ સાથે કર્યું છે. ‘લેધર સ્ટૉકિંગ’ વાર્તાઓ(1823-41)ના પાંચ ગ્રંથોમાં નાટ્ટી બુપ્પોનું પાત્ર અવિસ્મરણીય છે. ‘ધ પાયોનિયર્સ’ (1823), ‘ધ લાસ્ટ ઑવ્ ધ મોહિકન્સ’ (1826), ‘ધ પ્રેયરી’ (1827), ‘ધ પાથ ફાઇન્ડર’ (1840) અને ‘ધ ડિયર સ્લેયર’ (1841) કૂપરની ખ્યાતિ પામેલી કૃતિઓ છે.

એડ્ગર ઍલન પો

એડ્ગર ઍલન પો દક્ષિણ પ્રદેશોમાં ઊછર્યો હતો અને બાલ્ટિમૉર, ફિલાડેલ્ફિયા, રિચમન્ડ તથા ન્યૂયૉર્ક સિટીમાં લેખક અને તંત્રી તરીકે તેણે કામ કર્યું હતું. વાચકોની રુચિ કેવી છે અને ક્યારે બદલાય છે તે પારખીને લેખો અને વાર્તાઓ વગેરે તે લખતો. આથી તેના તંત્રીપદે ચાલતાં સામયિકોનો ફેલાવો ઝડપથી વધતો. ‘ધ ફૉલ ઑવ્ ધ હાઉસ ઑવ્ ઉશર’ (1839), ‘ધ માસ્ક ઑવ્ ધ રેડ ડેથ’ (1842), ‘ધ કાસ્ક ઑવ્ અમોન્તીલ્લા દો’ (1846) વગેરે અત્યંત કાળજીપૂર્વક માનસશાસ્ત્રીય ઢબે રચાયેલી સનસનાટીભરી કથાઓ છે. તેની રચેલ  ગુનાશોધક (detective) વાર્તાઓમાં ‘ધ મર્ડર્સ ઇન રુમોર્ગ’ (1841) આ પ્રકારની પ્રથમ કૃતિ ગણાય છે. કવિ તરીકે ‘ધ રેવન’ (1845) કાવ્યે તેને સારી ખ્યાતિ અપાવી. ફ્રાંસના કવિ ચાર્લ્સ બોદલેરે તેની કાવ્યકૃતિઓનું ફ્રેંચમાં ભાષાંતર કર્યું હતું. પોની કવિતામાં મૌલિક રચનાકૌશલ, સંગીતની શુદ્ધિ અને માધુર્ય છે. ‘ટેલ્સ ઑવ્ ધ ગ્રોટેસ્ક ઍન્ડ ઍરબેસ્ક’(1840)ની રોમાંચકારી વેદના અને રહસ્યાત્મક વાતાવરણવાળી વાર્તાઓ પર તેની ખ્યાતિ વધુ નિર્ભર છે.

દક્ષિણના બીજા બે ઉલ્લેખનીય નવલકથાકારો છે જૉન પૅન્ડલ્ટન કૅનેડી અને વિલિયમ ગિલ્મૉર સીમ્સ. ‘સ્વૉલો બાર્ન’(1832)માં કૅનેડીએ કૃષિજીવનનું રસિક બયાન કર્યું છે. સીમ્સ સ્કૉટ અને કૂપર જેવો ઐતિહાસિક નવલકથા રચનાર હતો. ‘ધ ટોમાસ્સી’ (1835) તેની જાણીતી નવલકથા છે.

પ્રમુખ જૅકસનના શાસનથી શરૂ થયેલ રેસ્ટોરેશન સુધીના આ સમયમાં ઔદ્યોગિક વિકાસ અને લોકશાહી પદ્ધતિની સાથે અમેરિકન સાહિત્યનો નવજાગૃતિયુગ આવ્યો. આ કાળના પ્રારંભમાં કવિઓમાં લોકપ્રિય હેન્રી વર્ડ્ઝવર્થ લૉંગફેલો (1807-82) ઉપરાંત ઑલિવર વેન્ડેલ હોમ્સ (1809-94) અને જેમ્સ રસેલ લોવેલ (1819-1891) વિશેષ રૂપે ઉલ્લેખનીય છે.

Henry Wadsworth Longfellow

હેન્રી વર્ડ્ઝવર્થ લૉંગફેલો

સૌ. "Henry Wadsworth Longfellow" by Internet Archive Book Images | CC BY 2.0

લૉંગફેલો નવ ભાષાઓ જાણતા હતા અને હાર્વર્ડમાં (1834) આધુનિક ભાષાઓના અધ્યાપક હતા. તેમની ‘અ સામ ઑવ્ લાઇફ’ કવિતા જગવિખ્યાત છે. ‘ઇવાંજેલિન’(1847)થી તેમને વિશેષ ખ્યાતિ મળી. 1855માં પ્રગટ થયેલ ‘ધ સાગ ઑવ્ હિય્વાથા’ ફિનલૅન્ડના મહાકાવ્ય ‘કાલેવાલા’ પર આધારિત છે. ‘ધ કૉર્ટશિપ ઑવ્ માઇલ્સ સ્ટૅન્ડિશ’ 1858માં પ્રગટ થતાં જ લંડનમાં તેની 10,000 પ્રતો ખપી ગઈ હતી.

ઑલિવર વેન્ડેલ હોમ્સ અને જેમ્સ રસેલ લોવેલના જીવનમાં કેટલીક બાબતો સમાંતર છે. લોવેલ ‘આટલાંટિક મન્થલી’(1857)ના સંપાદક થયા ત્યારે તેમની વિનંતીથી હોમ્સે તેમાં હળવા લેખો લખેલા, જેનો સંગ્રહ તે ‘ધી ઑટોક્રૅટ ઑવ્ ધ બ્રૅકફાસ્ટ-ટેબલ’ (1858). હોમ્સ ખૂબ વિનોદી હતા. તેમણે 40 કાવ્યો લખ્યાં છે, તેમજ ત્રણેક નવલકથા લખી છે. નાસ્તા સમયની વાતોને લગતી કૃતિ ‘ઓવર ધ ટી કપ્સ’ (1891) ઉત્કૃષ્ટ સાહિત્યગુણ ધરાવે છે. ‘ધ લાસ્ટ લીફ’ વૃદ્ધાવસ્થા વિશેનું હૃદયસ્પર્શી કાવ્ય છે.

લોવેલ હાર્વર્ડમાં લૉંગફેલોના અનુગામી અધ્યાપક હતા. ‘બિગ્લો પેપર્સ’ (1848) દ્વારા લોવેલે હાસ્યકાર તરીકે ખ્યાતિ મેળવી. ઇંગ્લૅન્ડમાં તેમણે આપેલાં વ્યાખ્યાનો – ‘ડેમૉક્રેસી ઍન્ડ અધર ઍડ્રેસિઝ’ (1887)થી પરદેશમાં અમેરિકાની આબરૂ વધી. તેમનાં વિખ્યાત કાવ્યો છે‘ધ વિઝન ઑવ્ સર લોનફલ’ (1848), ‘એ ફેબલ ફૉર ક્રિટિક્સ’ (1848) અને ‘કોમેમોરેશન ઓડ’ (1865).

રાલ્ફ વાલ્ડો એમર્સન

1830થી 1850 સુધી અનુભવાતીત (ટ્રૅન્સેન્ડેન્ટાલિસ્ટ) આંદોલન ચાલ્યું. એના કેન્દ્રસ્થાને ચિંતક રાલ્ફ વાલ્ડો એમર્સન (1803-82) અને હેન્રી ડેવિડ થૉરો (1817-62) હતા. એમર્સન નિબંધકાર, ઉપદેશક અને કવિ હતા. ‘રેપ્રેઝેન્ટેટિવ મૅન’ (1850) અને ‘સોસાયટી ઍન્ડ સૉલિટ્યુડ’(1870)માં તેમણે સ્વાશ્રયી અમેરિકન કવિ અને ચિંતકનો આદર્શ દર્શાવ્યો છે. હેન્રી થૉરો પ્રકૃતિપ્રેમી હતા. ‘વાલ્ડેન ઓર લાઇફ ઇન ધ વુડ્ઝ’ (1854)ના અઢાર નિબંધોમાં તેમણે વાલ્ડન પોન્ડને કિનારે રહીને પોતાના જીવનના નિચોડરૂપ ચિંતન વ્યક્ત કર્યું છે. તેમના ‘સિવિલ ડિસઓબીડિયન્સ’ લેખનો (1849) પ્રભાવ મહાત્મા ગાંધીજી પર પડ્યો હતો.

હેન્રી ડેવિડ થૉરો

અમેરિકન કવિતામાં ‘અમેરિકનત્વ’ સ્થાપનાર ક્રાંતિકારી કવિ વૉલ્ટ વ્હિટમૅન (1819-1892) હતા. 1855માં તેમણે જાતે પોતાનો નવીન પ્રકારનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો અને 1856માં તેની નવી સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ. તેમનાં બે લિંકન-કાવ્યો ‘વ્હેન લિલાક્સ લાસ્ટ ઇન ડૉરયાર્ડ બ્લૂમ્ડ’ અને ‘ઓ કૅપ્ટન, માય કૅપ્ટન’ ખૂબ ખ્યાતિ પામેલાં છે. અશ્લીલ કવિતા લખનાર ગણીને તેમને નોકરીમાંથી રુખસદ આપવામાં આવેલી. તેમની ‘ડેમોક્રૅટિક વિસ્ટાઝ’ (1871) ગદ્યકૃતિ છે. વ્હિટમૅને કવિતામાં નવીન શૈલી અને નવીન વસ્તુ લાવી ક્રાંતિ આણી. એ આધુનિક અમેરિકન કવિતાના પિતા ગણાય છે.

અમેરિકન સાહિત્યમાં નવલકથા અગત્યના સાહિત્યસ્વરૂપ તરીકે વિકસી રહી હતી. લેખિકા હૅરિયટ બીચર સ્ટોવે (1811-1896) 1852માં ‘અંકલ ટૉમ્સ કૅબિન’ નવલકથા દ્વારા ગુલામી-વિરોધી આંદોલનને વેગ આપ્યો. ‘આ નવલકથા મેં લખી નથી, પણ પ્રભુએ લખાવી છે’ એવું લેખિકાએ કહ્યું છે. જગતની અનેક ભાષાઓમાં આ નવલકથાનાં ભાષાંતરો થયાં છે. લુઇઝા મે આલ્કૉટ(1832-1888)ની ‘ફ્લાવર ફેબલ્સ’ (1854) વાર્તાઓ એમર્સનની પુત્રી માટે લખવામાં આવી હતી. તેની જગપ્રસિદ્ધ કૃતિ ‘લિટલ વિમેન’ (1868-69) ચાર છોકરીઓના જીવનની આનંદદાયી વાસ્તવિક કથા છે. આ ચાર છોકરીઓ તે આલ્કૉટ બહેનો હતી. આ કૃતિએ લાખો લોકોની ચાહના મેળવી છે અને અનેક ભાષામાં તેના અનુવાદો થયા છે.

આ સમયના બે મહાન નવલકથાકારો તે – નેથૅનિયલ હૉથૉર્ન (1804-1864) અને હર્મન મેલવિલ (1891-1991).

નથૅનિયલ હૉથૉર્ન

નેથૅનિયલ હૉથૉર્ન એમર્સનના મિત્ર હતા અને લૉંગફેલોના સહાધ્યાયી હતા. તેમની શ્રેષ્ઠ નવલકથા ‘ધ સ્કાર્લેટ લેટર’ (1850) પ્રશિષ્ટ કૃતિનું ગૌરવ પામેલ છે. તેમાં માનસશાસ્ત્ર, કટાક્ષ અને પ્રતીકવાદનું મિશ્રણ છે. ‘ધ હાઉસ ઑવ્ ધ સેવન ગેબલ્સ’ (1851) જજ પીન્ચ્યોનના સાલેમ  વતનની વાત છે. તેમની છેલ્લી અને સૌથી લાંબી નવલકથા ‘ધ માર્બલ ફોન’ (1860) ઇટાલિયન પશ્ચાદભૂ પર આલેખેલી ખૂન અને પશ્ચાત્તાપ વિશેની સુંદર કથા છે. હૉથૉર્ન અમેરિકાના મોટા ગજાના વાર્તાકાર તરીકે પ્રખ્યાત છે. તેમની વાર્તાઓ ‘ધ ગ્રેટ સ્ટોન ફેસ’ અને ‘ધ ગ્રે ચૅમ્પિયન’ અમેરિકન વાર્તાસાહિત્યની ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામે એવી છે.

હર્મન મેલવિલ

દરિયાઈ સફરના સાહસી હર્મન મેલવિલ વ્હેલ માછલીના શિકારી હતા, માણસખાઉ માણસો સાથે રહ્યા હતા. હૉનોલુલુમાં તેમણે ઉતરાણ કર્યું હતું. 1846માં મેલવિલની ‘ટાઇપી’ અને 1847માં ‘ઓમૂ’ રચનાઓ પ્રગટ થઈ. બંનેને બહોળો આવકાર મળ્યો. ‘માર્દિ’ (1849) મેલવિલના જીવનને નવો વળાંક આપનારી કૃતિ છે. તેમની શ્રેષ્ઠ કૃતિ ‘મૉબી ડિક’(1851)માં વ્હેલ-શિકારી કૅપ્ટન અહાબની વાત છે. તેનું જગતની શ્રેષ્ઠ નવલકથાઓમાં સ્થાન છે. તેમની છેલ્લી લાક્ષણિક કૃતિ ‘બિલી બડ’ તેમના મૃત્યુ બાદ 1924માં પ્રગટ થઈ. મેલવિલ મનોહર પરંતુ માનવના પાપવૃત્તિ સાથેના સંઘર્ષની વાત કરે છે. ‘મૉબી ડિક’નું ગુજરાતીમાં ભાષાંતર થયેલું છે.

એમિલી ડિકિન્સન

આ સમયના જાણીતા વાર્તાકારોમાં આર્ટેમસ વાર્ડ, ફ્રાંસિસ બ્રેટહાર્ટ (1836-1902) અને વિલિયમ સિડની પૉર્ટર ઉર્ફે ઓ’હેન્રી (1862-1910) ખૂબ જાણીતા છે. બ્રેટહાર્ટની વાર્તાઓ અને કવિતા – ‘પ્લેઇન લૅંગ્વેજ ફ્રૉમ ટ્રૂથફુલ જેમ્સ’ (1870) તેમને પ્રખ્યાત બનાવનાર નીવડ્યાં. ઓ’હેન્રીએ 1904-05માં 115 વાર્તાઓ લખી હતી. તેમની વાર્તાઓનો અંત અનપેક્ષિત હોય છે. હાસ્યરસપ્રધાન વાર્તા કરુણાન્ત હોય છે, તો કરુણકથા હાસ્યપરિણામી હોય છે. સ્ટીફન ક્રેન(1871-1900)ની ‘ધ રેડ બેજ ઑવ્ કરેજ’ પણ એક શિષ્ટમાન્ય અમેરિકન નવલકથા છે. ડિકિન્સન(1830-86)નાં કાવ્યો તીવ્ર અનુભૂતિ અને ભાવપ્રાચુર્યને કારણે અત્યંત અસરકારક નીવડ્યાં હતાં. 1000 જેટલાં ઊર્મિકાવ્યોની રચયિતા આ કવયિત્રીના માત્ર છ કાવ્યો તેમના જીવનકાળ દરમિયાન પ્રગટ થયાં હતાં. તેમના કાવ્યની ત્રણ શ્રેણીઓ ઉપરાંત ‘બોલ્ટસ ઑવ્ મેલડી’ (1945) ‘ધ પોએમ્સ ઑવ્ એમિલી ડિકિન્સન’ (ત્રણ ગ્રંથો 1955) અને ‘ધ મેન્યુસ્ક્રિપ્ટ બુક્સ ઑવ્ ઍમિલી ડિકિન્સન’ (1982, જેમાં તેમના ડાયકે કાન્યોની ફોટો કોપી છે) મરણોત્તર પ્રકાશનો છે.

Mark Twain

માર્ક ટ્વેઇન

સૌ. "Mark Twain" by Stuart Rankin | CC BY 2.0

આંતરયુદ્ધ (civil war) પછી અમેરિકન સાહિત્યમાં વાસ્તવવાદ અને વિષયવૈવિધ્ય ધ્યાન ખેંચી રહ્યાં. નવા લેખકો નવીન સાંસ્કૃતિક મૂલ્યો લઈને આવ્યા. તેમાં કેન્દ્રસ્થાને હતા ‘માર્ક ટ્વેઇન’ – સૅમ્યુઅલ લૅંગ્હૉર્ન ક્લેમેન્સ (1835-1910) અને હેન્રી જેમ્સ (1843-1916) તથા વિલિયમ ડીન હોવેલ્સ (1837-1920).

માર્ક ટ્વેઇનનું નામ અને તેની ખ્યાતિ અમેરિકામાં અબ્રાહમ લિંકન પછી તરત જ આવે છે. તેની કૃતિઓમાં હાસ્યરસ પ્રધાનપદે છે. ‘ધ એડ્વેન્ચર્સ ઑવ્ ટૉમ સૉયર’ (1876) અને તેના અનુસંધાનમાં ‘ધ એડ્વેન્ચર્સ ઑવ્ હકલબરી ફિન’ (1884) તેની ગહન અને સમર્થ શૈલીની જગવિખ્યાત કૃતિઓ છે. ‘ધ ઇનોસંટ્સ અબ્રૉડ’(1869)માં હાસ્ય અને ગાંભીર્યનું સંમિશ્રણ છે. આ કૃતિએ તેને સાહિત્યકાર તરીકેની ઉચ્ચ પ્રતિષ્ઠા અપાવી. યેલ અને ઑક્સફર્ડ વિદ્યાપીઠે તેનું સન્માન કર્યું હતું.

વિલિયમ ડીન હોવેલ્સનું અમેરિકન શ્રેષ્ઠ સાહિત્યકારોમાં સ્થાન છે. ‘ધ રાઇઝ ઑવ્ સિલાલ લા ફામ’ (1884) તેની શ્રેષ્ઠ કૃતિ છે. હોવેલ્સે અમેરિકન સાહિત્ય પર અડધી સદી સુધી વર્ચસ્ જમાવ્યું હતું.

તત્વચિંતક વિલિયમ જેમ્સનો નાનો ભાઈ હેન્રી જેમ્સ અભિનવ શૈલીનો મનોવૈજ્ઞાનિક નવલકથાકાર ગણાય છે. પોતાના જમાનાની માનસિક અને નૈતિક સમસ્યાઓ પર તેનું ધ્યાન એકાગ્ર હતું. 1915માં તે બ્રિટિશ નાગરિક થયો અને લંડનમાં મૃત્યુ પામ્યો. તેની મુખ્ય કૃતિઓમાં ‘ધ ઍમ્બૅસેડર્સ’ (1903) છે. તેની ‘વૉશિંગ્ટન સ્ક્વેર’(1881)નું નાટ્યરૂપાંતર થયું છે. ટેલિવિઝન પર તે ‘ધ હૅરેસ’ નામે રજૂ થયેલી.

હેન્રી જેમ્સ

ઓગણીસમી સદીના અંતકાળમાં અમેરિકન લેખકો વાસ્તવવાદથી આગળ વધી યથાર્થ પ્રકૃતિવાદ તરફ વળ્યા. હૅમલિન ગાર્લૅન્ડે (1860-1940) ‘મેઇન ટ્રાવેલ્ડ શેડ્ઝ’માં ગ્રામજીવનની નરી વાસ્તવિકતાનું નિરૂપણ કર્યું છે. તેના પ્રવાસના અનુભવો ‘ધ લૉંગ ટ્રેઇલ’(1903)માં નિરૂપાયા છે. 1922માં તેની નવલકથા ‘એ ડૉટર ઑવ્ ધ મિડલ બૉર્ડર’ (1921)ને પુલિત્ઝર પારિતોષિક મળ્યું હતું.

જૅક લેન્ડન(1876-1916)ને જીવનનાં વિવિધ ક્ષેત્રોનો જાતઅનુભવ હોવાથી તેણે પચાસ જેટલાં પુસ્તકોમાં સારા પ્રમાણમાં વૈવિધ્ય પીરસ્યું છે. જંગલ અને પશુ વિશેની વાતો તથા ‘ધ કૉલ ઑવ્ ધ વાઇલ્ડ’ (1903) અને ‘ધ સી વુલ્ફ’ (1904) તેની શ્રેષ્ઠ કૃતિઓ છે.

80 ઉપરાંત પુસ્તકોનો લેખક અપ્ટન સિંક્લેર (1878-1968), સમાજવાદી વિચારધારાનો પ્રચારક હતો. તેની નવલકથા ‘ધ જંગલ’ (1906) માંસ-ઉદ્યોગની ભીષણ અમાનવીય પરિસ્થિતિ પ્રગટ કરે છે. 1962માં 84 વર્ષની વયે તેણે પોતાની આત્મકથા પ્રગટ કરી. હેન્રી આદમ્સે–‘ધી એજ્યુકેશન ઑવ્ હેન્રી આદમ્સ’માં કટાક્ષપ્રધાન શૈલીમાં તે સમયના જીવનના અર્થની ખોજ વિશે લખ્યું. ‘ધ જંગલ’નું ગુજરાતીમાં ભાષાંતર થયું છે.

અત્યંત દરિદ્રતામાં ઊછરેલા થિયોડૉર ડ્રેઝરે (1817-1945) ‘જેની ગેરહાર્ડ’(1915)ના પ્રકાશનથી સાહિત્યકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. તેની સૌથી વિખ્યાત નવલકથા ‘ધી અમેરિકન ટ્રૅજેડી’ (1925) પર બૉસ્ટન શહેરે પ્રતિબંધ લાદ્યો હતો. આ પુસ્તકનું નાટકમાં રૂપાંતર થયું હતું અને તે ભજવાયું હતું. ડ્રેઝરે વિપુલ પ્રમાણમાં લખ્યું છે અને અમેરિકન સાહિત્ય પર તેનો ખૂબ પ્રભાવ પડ્યો હતો.

કવિતા-ક્ષેત્રે વાચેલ લિંડસે (1879-1931), કાર્લ સૅન્ડબર્ગ (1878-1967) અને એડ્ગર લી માસ્ટર્સે (1868-1950) વૉલ્ટ વ્હિટમૅનની પરંપરાને આગળ વધારી. અબ્રાહમ લિંકનના જીવન વિશે કાર્લ સૅન્ડબર્ગે લખેલા ચાર ગ્રંથોએ તેને પુલિત્ઝર પારિતોષિક અપાવ્યું. તે ‘ઔદ્યોગિક અમેરિકાનો કવિવર’ ગણાય છે. ‘શિકાગો પોએમ્સ’ (1916), ‘કોર્ન હસ્કર્સ’ (1918, પુલિત્ઝર ઍવોર્ડ) ‘ગુડ મોર્નિંગ, અમેરિકા’ (1928), ‘હાર્વેસ્ટ પોએમ્સ’ (1960), ‘વિન્ડ સોંગ’ (1960) વગેરે સેન્ડબર્ગના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. અમેરિકાનાં લોકકાવ્યોને એકઠાં કરી તેમણે ‘ધી અમેરિકન સોંગબૅગ’ (1927) પ્રગટ કર્યું હતું. આ ત્રણ કવિઓએ કવિતાને અમેરિકન લય અને વાતાવરણ આપ્યાં એમ કહેવાય છે.

અર્નેસ્ટ હેમિંગ્વે

વીસમી સદીના બીજા દાયકાનું અમેરિકન સાહિત્ય સંસ્કૃતિ અને આદર્શો વિશેના ભ્રમોનું નિરસન દર્શાવે છે. એઝરા પાઉન્ડ અને ટી. એસ. એલિયટ વીસમી સદીના અગ્રગણ્ય કવિઓ ગણાયા. એલિયટનું ‘વેસ્ટ લૅન્ડ’ (1922) નિરાશાનો સૂર વ્યક્ત કરે છે. ટી. એસ. એલિયટને સાહિત્યનું નોબેલ પારિતોષિક (1948) એનાયત થયું હતું. વૉલેસ સ્ટીવન્સ અને વિલિયમ કાર્લોસ વિલિયમ્સ પણ નવા કવિઓ પર પ્રભાવ પાડતા રહ્યા.

જૉન ડૉન પાસોસ (1896-1970), વિલિયમ ફૉકનર (1897-1962) અને અર્નેસ્ટ હેમિંગ્વે(1898-1962)એ યુદ્ધના અનુભવને પોતાની નવલકથાઓમાં પ્રગટ કર્યો. 1930માં સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રથમ અમેરિકન નવલકથાકાર સિંકલેર લૂઈસે (1885-1951) પોતાની નવલકથા ‘ઍરોસ્મિથ’ (1925) માટે મળેલા પુલિત્ઝર પારિતોષિકનો અસ્વીકાર કર્યો હતો.

‘બૅબિટ’ (1922), ‘એલ્મેર ગૅન્ટ્રી’ (1927) અને ‘મેઇન સ્ટ્રીટ’ (1920) તેની અન્ય જાણીતી નવલકથાઓ છે. નોબેલ પારિતોષિક વિજેતા અન્ય અમેરિકન સાહિત્યકારોમાં પર્લ બક (1892-1973), અર્નેસ્ટ હેમિંગ્વે, ફૉકનર, સ્ટાઇનબેક (1902-1968), સોલ બેલો અને નાટકકાર યુજીન ઓ’નીલ (1888-1953) છે. જૉન ડૉન પાસોએ તેની નવલત્રિપુટી ‘યુ. એસ. એ’(1930, 1932, 1936)માં સમકાલીન અમેરિકન જીવનનો યથાર્થ ચિતાર આપ્યો છે. હેમિંગ્વેની નવલકથાઓમાં ‘ધ સન ઑલ્સો રાઇઝસ’ (1926), ‘એ ફેરવેલ ટુ આર્મ્સ’ (1929) અને ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ ખૂબ ખ્યાતિ પામેલ છે. વિલિયમ ફૉકનર ચેતનાપ્રવાહશૈલીનો પ્રયોજક છે. તેની જાણીતી નવલકથાઓ ‘ધ સાઉન્ડ ઍન્ડ ધ ફ્યુરી’ (1939), ‘ઍબ્સેલોમ, ઍબ્સેલોમ’ (1926), ‘સેંક્ચ્યુઅરી’ (1931) અને ‘રેકવીમ ફૉર એ નન’ (1951) વગેરે છે. સ્ટાઇનબેકે 1962માં નોબેલ પારિતોષિક મેળવ્યું તેની ‘ઑફ માઇસ ઍન્ડ મેન’ (1937) કથાએ લોકોને આકર્ષ્યા. તેની ‘ધ ગ્રેઇપ્સ ઑવ્ રૉથ’(1939)ને પુલિત્ઝર પારિતોષિક મળ્યું. અમેરિકાના દુકાળ વિશેની આ નવલકથાએ મોટો વિવાદ જગાડ્યો અને લેખકને ખ્યાતિ અપાવી.

વિલિયમ ફૉકનર

સૌ. "William Faulkner" by GPA Photo Archive | CC BY 2.0

Pearl Buck

પર્લ બક

સૌ. "Pearl Buck" by Materialscientist | CC BY 2.0

પર્લ બકે ચીનમાં રહી ત્યાંનું જીવન જાણ્યું હતું અને તેની નવલત્રિપુટી ‘ગુડ અર્થ’ વગેરે ખૂબ જાણીતી છે. ‘ગુડ અર્થ’નું ચિત્રપટ પણ તૈયાર થયું હતું. નવલકથાકાર ટૉમસ વૉલ્ફ (1900-1938) ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં અધ્યાપક હતો ત્યારે તેણે પોતાના જીવનનાં પ્રથમ 20 વર્ષને આવરી લેતી નવલકથા ‘લુક હોમવર્ડ, એન્જલ’ (1929) લખી અને તે પછી તેના અનુસંધાનમાં ‘ઑવ્ ટાઇમ ઍન્ડ ધ રિવર’ (1935) પ્રગટ થઈ. આ બંને નવલકથાઓએ તેને મહાન સાહિત્યકાર તરીકે કીર્તિ અપાવી. ફ્રૅંક નૉરિસ (1870-1902) તેના અલ્પ જીવનકાળમાં ફ્રેંચ લેખક એમિલ ઝોલાના અનુયાયી તરીકે યથાર્થવાદી નવલકથાઓ લખીને અમેરિકન સાહિત્યમાં પોતાનું સ્થાન જમાવતો ગયો. તેનું આખું નામ બેન્જામિન ફ્રૅંકલિન નૉરિસ હતું. 1928માં તેની કૃતિઓ 10 ગ્રંથોમાં પ્રગટ થઈ હતી.

અમેરિકન લેખિકાઓમાં એડિથ વ્હાર્ટન (1862-1937), ‘ધ હાઉસ ઑવ્ મર્થ’ (1905) લખી સાહિત્યકાર તરીકે પંકાઈ. તેની નવલકથા ‘ધી એજ ઑવ્ ઇનોસંસ’(1920)ને પુલિત્ઝર પારિતોષિક એનાયત થયેલું. તેની નવલકથા ‘એથાન ફ્રૉમ’ (1936) અમેરિકન સાહિત્યમાં ચિરપ્રતિષ્ઠિત સ્થાન પામેલ છે. વાર્તાકાર તરીકે પણ તે જાણીતી છે. વિલા કાથેરે (1874-1947) કાવ્યો ને વાર્તાઓ આપ્યાં છે. તેની નવલકથા ‘વન ઑવ્ અવર્સ’ને 1923માં પુલિત્ઝર પારિતોષિક અપાયું હતું. ભૌતિકવાદના ઉદય સામે તેની નવલકથાઓમાં વિરોધનો આક્રોશ છે. ઍલન ગ્લાસગો(1874-1945)ની ‘ઇન ધિસ અવર લાઇફ’(1941)ને પુલિત્ઝર પારિતોષિક મળ્યું હતું. ગર્ટૂડ સ્ટાઇન (1874-1946) પૅરિસ જઈને વસી તેથી તે અમેરિકન કરતાં યુરોપિયન લેખિકા ગણાય છે. ‘થ્રી લાઇવ્ઝ’ (1909) તેની સુંદર ટૂંકી નવલત્રિપુટી છે.

કેનેથ રૉબટર્સ (1885-1957) હાસ્યરસિક લેખક છે. તેની નવલકથા ‘નૉર્થવેસ્ટ પૅસેજ’ (1938) અત્યંત લોકપ્રિય છે. તેના પરથી ચિત્રપટ તૈયાર થયું હતું (1939).

ટેનેસી વિલિયમ્સ

નોબેલ પારિતોષિક વિજેતા યુજીન ઓ’નીલ (1888-1953) અમેરિકાનો મહાન નાટકકાર ગણાય છે. 1920માં તેનું પુલિત્ઝર પારિતોષિક પ્રાપ્ત કરનાર નાટક ‘બિયૉન્ડ ધ હોરાઇઝન’ બ્રૉડવેની રંગભૂમિ પર ભજવાયું. ‘મૉર્નિંગ બિકમ્સ ઇલેક્ટ્રા (1931), ‘સ્ટે્રન્જ ઇન્ટર્લ્યૂડ’ (1928), ‘ધી આઇસમૅન કમેથ’ (1946) અને 1940માં લખેલું પણ તેના મૃત્યુ બાદ પ્રગટ થયેલ ‘લૉંગ ડેઝ જર્ની ઇન્ટુ નાઇટ’ (1956) વગેરે તેનાં પ્રખ્યાત નાટકો છે. મૅક્સવેલ ઍન્ડરસન (1888-1959) બીજો એ જ સમયનો જાણીતો નાટકકાર છે. તેણે 1923માં ‘વ્હાઇટ ડેઝર્ટ’ પદ્યનાટક લખીને શરૂઆત કરી અને લૉરેન્સ સ્ટાલિંગ્સના સહકારથી ‘વૉટ પ્રાઇસ ગ્લૉરી’ (1924) અત્યંત સફળ નાટક રચ્યું. ‘સૅટર્ડેઝ ચિલ્ડ્રન’ (1927) તેનું બીજું ખૂબ સફળ નાટક હતું. નાટ્યરચનાકલા માટે તેને અનેક પારિતોષિકો મળ્યાં હતાં. ‘લૉસ્ટ ઇન ધ સ્ટાર્સ’ નાટકે તેને વિશેષ પ્રસિદ્ધિ અપાવી.

ક્લિફર્ડ ઓડેટ્સના નાટક ‘અવેક ઍન્ડ સિંગ’(1935)માં સામાજિક જાગૃતિનું નિરૂપણ છે. અન્ય જાણીતા નાટકકારોમાં ફિલિપ બેરી, લિલિયન હેલ્લમૅન, એલ્મર રાઇસ, થૉર્નટન વાઇલ્ડર અને તે પછીના એડ્વર્ડ ઍલ્બી, આર્થર મિલર અને ટેનેસી વિલિયમ્સ, રૉબર્ટ શેરવુડ વગેરે છે. ઍલ્બી અમેરિકાના ઍબ્સર્ડ નાટકનો પ્રતિનિધિ છે.

સાહિત્ય-વિવેચનના ક્ષેત્રે ટ્વોર વિન્ટર્સ, રિચાર્ડ બ્લૅકમુર, ક્લિન્થ બ્રુક્સ, જૉન રનસોમ, ઍલન ટેટ તથા રૉબર્ટ પેન વૉરનનું પ્રદાન નોંધપાત્ર છે.

બીજા વિશ્વયુદ્ધ(1939-1945)થી નવા અમેરિકન લેખકો ખૂબ ક્ષુબ્ધ થયા હતા. જેમ્સ જોન્સે ‘ફ્રૉમ હિયર ટુ ઇટર્નિટી’ (1951) અને નૉર્મન મેઇલરે ‘ધ નેકેડ ઍન્ડ ધ ડેડ’ (1948) દ્વારા યુદ્ધનવલકથાકારો તરીકે નામના મેળવી. રાન્ડેલ જારેલ, રૉબર્ટ લૉવેલ (1917-77) અને કાર્લ શપિરો જેવા કવિઓએ યુદ્ધ વિશે લખ્યું. અન્ય જાણીતા કવિઓમાં મેરિયન મૂર, થિયોડૉર રોથ્કે (1908-63), જૉન બેરીમૅન (1914-72), રૉબર્ટ ફ્રૉસ્ટ (1874-1953), રિચાર્ડ વિલ્બર (1921), રિચાર્ડ એબરહાર્ટ (1904), સિલ્વિયા પ્લાથ, કૉનરાડ ઐકેન વગેરેએ કવિતાના ક્ષેત્રને ખૂબ વિકસાવ્યું. રૉબર્ટ ફ્રૉસ્ટે કવિતામાં આંતરરાષ્ટ્રીય કીર્તિ પ્રાપ્ત કરી. બીટનિકોના પ્રતિનિધિ તરીકે કવિ ઍલન ગિન્સબર્ગે ખ્યાતિ મેળવી. આર્કિબાલ્ડ મેકલીશ(1892-1982)ને કવિતા માટે ઘણાં પારિતોષિકો મળ્યાં. અમેરિકન નવલકથાના લેખકો બર્નાર્ડ માલ્મુડ (1914), ફિલિપ રૉથ, હર્બર્ટ ગોલ્ડ, જે. ડી. સિલિંજર  ‘કેચર ઇન ધ રાય’(1951)ના લેખક ઉપરાંત 1976નું સાહિત્યનું નોબેલ પારિતોષિક જીતનાર સૉલ બેલો, અને તે પછી યહૂદી જીવનના આલેખક અને નોબેલ પારિતોષિકવિજેતા ઇઝાક બેબેવિશ સિંગર આગલી હરોળના નવલકથાકારો છે.

નવા વાર્તાકારોમાં કાર્સન મકુલેર્સ, યુડોરા વેલ્ટી, ફ્લેનેરી ઓ’કૉનોર અને જૉન અપડાઇક જાણીતા છે. ડિટેક્ટિવ વાર્તા અને નવલકથાના લેખકોમાં જેમ્સ એમ. કેઇન, રેમૉન્ડ ટી ચાન્ડ્લર, ડશૈલ હેમ્મેટ અને અર્લ સ્ટૅન્લી ગાર્ડનરે આ સાહિત્યપ્રકારને ખૂબ વેગ આપ્યો.

ગુલામ તરીકે અમેરિકામાં સપડાયેલા આફ્રિકાના કાળા લોકોને અબ્રાહમ લિંકને આંતરરાજ્ય યુદ્ધ દ્વારા મુક્તિ અપાવી. આવા ગુલામોના વંશજોમાં પણ કેટલાક સારા સાહિત્યકારો પ્રગટ્યા છે. કવિ ડન્બાર અને તે પછી રાલ્ફ એલિસને 1952માં ‘ઇન્વિઝિબલ મૅન’ લખી હબસી નવલકથામાં નામના મેળવી અને જેમ્સ બાલ્ડવિન, વિલિયમ મેલ્વિન કેલી, ઇશ્માયેલ રીડ વગેરેએ હબસી નવલકથાનો વિકાસ કરી તેનું સામર્થ્ય દર્શાવ્યું. ઇમામુ અમિરિ બરાકા(લેરોઇ જૉન્સ)એ હબસી થિયેટરમાં ફાળો આપ્યો.

‘નવું પિંગળશાસ્ત્ર’ વિકસાવનાર કવિઓમાં ‘બ્લેક માઉન્ટન’ કવિઓ તરીકે ઓળખાતા ચાર્લ્સ ઓલ્સોન (1910-1970), ‘ધ મેક્સિમસ પોએમ્સ’(1955, 56, 60, 68, 75)ના કવિ રૉબર્ટ ડંકન (1919) અને રૉબર્ટ ક્રીલી (1926) વગેરેએ નવીન પ્રયોગો કરી નામના મેળવી. ન્યૂયૉર્કના ખુલ્લા મેદાનની કવિતાના કેનેથ કોચ (1925) જેવા કવિઓએ વીસમી સદીના છઠ્ઠા દાયકાની કવિતાને પરંપરાની પકડમાંથી મુક્ત કરી. એલિઝાબેથ બિશપ અને રિચાર્ડ વિલ્બર વીસમી સદીના સાતમા અને આઠમા દાયકાના ઉલ્લેખનીય કવિઓ છે. તેમણે અન્ય પ્રભાવોથી મુક્ત રહી વિશિષ્ટ સ્વાનુભવરસિત અભિવ્યક્તિ કરી છે.

જોસેફ હેલરે (1923-) ‘હબસી વિનોદ’વાળી ‘કૅચ–22’ (1961) અને ‘સમથિંગ હૅપન્ડ’ (1974) નવલકથાઓ રચી અને કર્ટ વોનેગટે (1922-) ‘કૅટ્’સ ક્રેડલ’ (1963) અને ‘સ્લૉટર હાઉસ ફાઇવ’ (1969) નવલકથાઓ દ્વારા ખ્યાતિ મેળવી. રશિયન-અમેરિકન વ્લાડિમિર નોબોકોવ ‘લોલિતા’ નવલકથાથી અમેરિકામાં જાણીતો થયો. તેણે અનેક નવલકથાઓ લખી. જૉન બાર્થ અને ‘સ્નોવ્હાઇટ’(1967)ના લેખક ડૉનાલ્ડ બાથેલ્મ (1933-) પણ આત્મસભાનતા વ્યક્ત કરતા નવલકથાકારો છે. કપોટ અને મેઇલરે ‘ડૉક્યુમેન્ટરી-ફિક્શન’ના પ્રયોગો કર્યા. આ સદીના નવમા દાયકામાં અમેરિકામાં વસતા ભારતીય લેખક વિક્રમ શેઠે પદ્યમાં ‘ધ ગોલ્ડન ગેઇટ’ નામની નવલકથા લખીને નામના મેળવી છે. 1987નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક અમેરિકામાં આવી વસેલા રશિયન કવિ જોસેફ બ્રૉડસ્કી(1940)ને એનાયત થયું છે. તે અંગ્રેજીમાં પણ લખે છે.

હેન્રી મનરોએ શરૂ કરેલ ‘પોએટ્રી : અ મૅગેઝિન ઑવ્ વર્સ’ (1912) નામના સામયિક દ્વારા અમેરિકન કવિતામાં નવજાગરણ શરૂ થયું. વાચેલ લિંડસે (ધ કૉન્ગો ઍન્ડ અધર પોએમ્સ’, 1914), એડ્ગર લી માસ્ટર્સ (‘સ્પૂન રિવર એન્થૉલોજી’ 1915) અને કાર્લ સડબર્ગ (‘શિકાગો પોએમ્સ’, 1915) ઇલિનોઇસ વૃંદના ગણનાપાત્ર કવિઓ છે. ન્યૂ ઇંગ્લેંડ વૃંદના કવિઓમાં એડવિન આર્લિંગ્ટન રોબિન્સન (‘ધ ટાઉન ડાઉન ધ રિવર’, 1910) અને રૉબર્ટ ફ્રૉસ્ટ (‘નૉર્થ ઑવ્ બોસ્ટન’, 1914) મહત્વના કવિઓ છે. ફ્રૉસ્ટ અને સૅંડબર્ગ તેમની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન લોકપ્રિયતા પામ્યા હતા. ટી. એસ. એલિયટના ‘ધ વેસ્ટ લૅન્ડ’(1922)ના પ્રકાશને અમેરિકન કવિતાને નવી દિશા ચીંધી. પાઉંડના ‘કેન્ટોઝ’ (1925-1960) દ્વારા પદ્યસ્વરૂપ, ભાષા અને પ્રતીકોમાં મૂળભૂત ક્રાન્તિ આવી. વિલિયમ કાર્લોસ વિલિયમ્સના ગદ્ય અને પદ્યમાં લખાયેલ 40 ગ્રંથોનો પ્રભાવ કવિઓની અનેક પેઢીઓ પર થયો છે. વોલેસ સ્ટીવન્સ અને મેરિયન મૂર એ અરસાના જાણીતા કવિઓ છે. ઇ. ઇ. કમિંગ્ઝના ‘ઇઝ 5’ (1926) અને ‘73 પોએમ્સ’ (1963) કાવ્યના બાહ્ય સ્વરૂપના સ્મરણીય પ્રયોગો છે. રોબિન્સન જેફર્સના ‘રોન સ્ટેલીઓન, તેમાર ઍન્ડ અધર પોએમ્સ’ (1925)માં અશ્વ જેવાં પશુઓને ઉદ્દેશીને રચાયેલાં કાવ્યો છે. દક્ષિણની હબસી (મૂળ આફ્રિકા) પ્રજાની પરંપરાનું સાહિત્ય ગ્વેન્ડોલિન બ્રૂક્સ (એની એલન’, 1949), નિકી ગિયોવાની (‘બ્લૅક ફીલિંગ, બ્લૅક ટૉક, બ્લૅક જજમેન્ટ’, 1970) અને માયા એંજેલૂ (‘જસ્ટ ગિવ મી અ કુલ ડ્રિંક ઑવ્ વૉટર બીફોર આઇ ડાય’, 1971)ની કૃતિઓમાં જોવા મળે છે. સિલ્વિયા પ્લાથ (‘એરિયલ’, 1965) અને એન સેકસ્ટન(‘લિવ ઓર ડાય’, 1966) અને (‘ધી ઑફુલ રૉઇંગ ટોવર્ડ ગોડ’, 1975)માં વ્યક્તિગત ત્રાસ, આતંક અને પીડા દર્શાવતાં કલ્પનો છે.

વીસમી સદીના સાતમા દશકથી કવિતાનાં સામયિકો અને કૉલેજ તથા યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવતાં પરિસંવાદો-કાર્યશાળાઓ દ્વારા કાવ્યસર્જનની પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે. મે સ્પેન્સર, રૉબર્ટ બ્લાય અને ગાલવે કિનલેરનાં નામ તે દૃષ્ટિએ નોંધપાત્ર છે. જેમ્સ મેરિલ દુર્બોધ શૈલીના કવિ છે. જૉન એશબેરી, મેરિલ, કવયિત્રી મોના વાન દાયન પુલિત્ઝર પારિતોષિકવિજેતાઓ છે.

વીસમી સદીના ઉત્તરાર્ધના નોંધપાત્ર નવલકથાકારોમાં જૉન ચીવર અને જૉન અપડાઇકનાં નામ લેવાં ઘટે. અપડાઇકની ‘રૅબિટ ઇઝ રિચ’ (1981) અને ‘રૅબિટ એટ રેસ્ટ’ (1990) બંને નવલકથાઓ માટે પુલિત્ઝર પારિતોષિક મળેલાં છે. લેખિકા જોઇસ કૅરોલ ઑટ્સની ‘અ ગાર્ડન ઑવ્ અર્થલી ડીલાઇટ્સ’ (1967) અને ‘ધેમ’ (1969) ગોથિક નવલકથાનાં દૃષ્ટાંતો છે. દસ્તાવેજી યુદ્ધકથાના યહૂદી-અમેરિકન લેખક હરમાન વાઉકની ‘ધ વિન્ડ્ઝ ઑવ્ વૉર’ (1971) અને ‘વૉર ઍન્ડ રીમેમ્બ્રન્સ’ (1985) ‘હૉરર્સ ઑવ્ વૉર’ સુદીર્ઘ નવલકથાઓ છે.

એન. ટાયલર (1941)ની નવલકથાઓ ‘મૉર્નિંગ એવર કમ્સ’ (1965), ‘ધ ક્લૉક વાઇન્ડર’ (1973), ‘અર્થલી પઝેશન્સ’ (1977), ‘મૉર્ગન પાસિંગ’ (1980) અને ‘ડિનર ઍટ ધ હોમસિક રેસ્ટૉરન્ટ’ (1982) ઉલ્લેખપાત્ર છે. તેની ‘ધ કલર પર્પલ’(1982)ને પુલિત્ઝર પુરસ્કાર એનાયત થયો છે. તેનું ચલચિત્ર પણ બન્યું છે. એન ટાયલર ફૉકનરની પરંપરામાં સર્જન કરતી નવલકથાકાર છે. હબસી જીવનનું આલેખન કરતી અન્ય સ્ત્રી નવલકથાકારોમાં ટૉની મોરિસનનું નામ મોખરે છે. ‘ધ બ્લ્યુએસ્ટ આય’ (1969) અને ‘સાગ ઑવ્ સૉલોમન’(1977)માં દક્ષિણના હબસી જીવનનો અનુભવ વ્યક્ત થયો છે. તેની ‘બીલવેડ’ (1987)ને 1988નો પુલિત્ઝર પુરસ્કાર એનાયત થયો છે. 1993નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક એમને આપવામાં આવ્યું છે. ગ્લોરિયા નેપલરની લઘુનવલકથા ‘ધ વિમેન ઑવ્ બ્રુસ્ટર પ્લેસ’(1982)માં ઉત્તરનાં શહેરી રહેઠાણોના નિર્માણ માટે મજૂરી કરતી હબસી નારીઓની કથા આલેખાઈ છે. જૉન હર્સી ‘હીરોશીમા’ (1946; 1985)માં પ્રથમ પરમાણુબૉમ્બની ભયાનક અસરોનું ગજબનાક બયાન કરે છે. આ પરંપરામાં ટ્રૂમન કેપોટની ‘કોલ્ડ બ્લડ’ (1966) દસ્તાવેજી નવલકથા છે.

ઇમામુ અમીરી બરાકાના ‘હોમ : સોશિયલ એસેઝ’ (1966) અને ‘રેઇઝ, રેસ, રેઝ : એસેઝ સિન્સ 1965’ (1971) રાજકીય પરિસ્થિતિ વિશેના નિબંધો છે. એલ્ડ્રિજ ક્લીવરનું ‘સોલ ઑન આઇસ’ (1967) અમેરિકન સમાજ વિશે નિબંધોનું પુસ્તક છે. પોતાના અનુભવ અને ચિંતનના પરિણામસ્વરૂપ ગ્રંથોમાં અશ્વેત લેખક માલ્કમ એક્સ (મૂળ નામ માલ્કમ બિટલ) અને એલેક્સ હેલી (રૂટ્સ, 1976) બંનેએ સાથે મળીને પોતાની જીવનકથા આલેખી છે. માયા એંજેલૂની યાદગાર સાંભરણો ‘આઇ નો વ્હાય ધ કેજેડ બર્ડ સિંગ્ઝ’(1969) માં છે. સેમૉર એમ. હર્શવમન તથા ફ્રાન્સિઝ ફિટ્ઝજિરાલ્ડ પણ પુલિત્ઝર પુરસ્કારવિજેતાઓ છે.

વીસમી સદીના નવ્યમાનવતાવાદી લેખકોએ શિષ્ટ પરંપરાને જાળવતું વિવેચનસાહિત્ય આપ્યું છે. પૉલ મૂર, વિલિયમ કેરી બ્રાઉનેલ અને ઇર્વિંગ બૅબિટ ગણનાપાત્ર વિવેચકો છે. જોન ક્રોવે રેન્સમના ‘ધ ન્યૂ ક્રિટિસિઝમ’(1941)માં ‘ન્યૂ ક્રિટિસિઝમ’ શબ્દો પ્રથમ વાર પ્રયોજાયા છે. અહીંથી વિવેચનસાહિત્યને નવો વળાંક સાંપડે છે. આમાં કૃતિના પાઠ અને તેની બાંધણીનું ઊંડું પૃથક્કરણ કરવામાં આવે છે. આ પરંપરામાં ક્લીન્થ બ્રૂક્સ, ડબલ્યુ કે. વિમ્સાટ, કેનેથ બર્ક, રેન્સમ, ઍલન ટેટ અને રૉબર્ટ પેન વૉરનનાં નામ નોંધપાત્ર છે. ગોર વાઇડલ, ટૉમ વુલ્ફ, જ્યૉર્જ પ્લિમ્પ્ટન અને સુઆન સોટાંગ પણ નોંધપાત્ર વિવેચકો છે. ઉપરાંત જોસેફ વૂડ ક્રચના ‘ધ મૉડર્ન ટેમ્પર’ (1929) અને ‘ધ મેઝર ઑવ્ મેન, (1954) અને લાયોનલ ટ્રિલિંગના ‘ધ લિબરલ ઇમેજિનેશન’ (1950) વિવેચનગ્રંથો નોંધપાત્ર છે. ઉપરાંત અન્ય વિવેચનગ્રંથોમાં આલ્ફ્રેડ કેઝિનના ‘ઑન નેટિવ ગ્રાઉન્ડ્ઝ’ (1942) અને ‘ધી ઇન્મોસ્ટ લીફ’ (1955) અને લેસલી ફીડલરના ‘લવ ઍન્ડ ડેથ ઇન ધી અમેરિકન નૉવેલ’(1960)નાં નામ મૂકી શકાય. વીસમી સદીના સમર્થ વિવેચક તરીકે એડમન્ડ વિલ્સનનું નામ લેવું ઘટે. તેમની વિચારસરણી સૌથી નિરાળી છે. તેમના વિશિષ્ટ, વિવેચનગ્રંથો ‘એક્ઝેલ કેસલ’ (1931), ‘ધ વુન્ડ ઍન્ડ ધ બાઉ’ (1941) અને ‘ધ બિટ બિટ્વીન માય ટીથ : અ લિટરરી ક્રોનિકલ ઑવ્ 1950-1965, (1965) છે.

યેલ યુનિવર્સિટીમાં સાહિત્યવિવેચકોનો મેળો થયો છે. હેરોલ્ડ બ્લૂમનો ‘ધી એન્ગ્ઝાઇટી ઑવ્ ઇન્ફલ્યૂઅન્સ : અ થિયરી ઑવ્ પોએટ્રી’ (1973) વિવેચનનો આકરગ્રંથ છે. અન્ય વિવેચકો સંરચનાવાદ, નારીવાદી વિવેચન, મનોવૈજ્ઞાનિક વિવેચન, વિનિર્મિતિ તથા નવ્યઇતિહાસવાદ વગેરેની વાત કરે છે. પ્રા. હેલન વેંડલર કવિતાનાં સમર્થ વિવેચક અને મર્મજ્ઞ સન્નારી છે. તેમના અપ્રતિમ ગ્રંથોમાં ‘પાર્ટ ઑવ્ નેચર’, ‘પાર્ટ ઑવ્ અસ : મૉડર્ન અમેરિકન પોએમ્સ’ (1980) અને ‘ધી ઓડ્ઝ ઑવ્ જોન કીટ્સ’ (1983) છે.

આમ વિવિધ પ્રકારે ખૂબ ઓછા સમયમાં અમેરિકન સાહિત્યે હરણફાળ ભરીને ઉચ્ચ પ્રકારની ક્ષમતા દર્શાવી વિશ્વસાહિત્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

કૃષ્ણવદન જેટલી

વિ. પ્ર. ત્રિવેદી