અમૃતસર (શહેર) : પંજાબ રાજ્યનું મોટામાં મોટું શહેર, જિલ્લામથક તથા તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 310 40´ ઉ. અ. અને 740 53´ પૂ. રે. તે પાકિસ્તાન સરહદથી માત્ર 50 કિમી. દૂર લાહોર-દિલ્હી મુખ્ય માર્ગ પર આવેલું છે. આ શહેરની સ્થાપના શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસે, તેમનાં ધર્મપત્ની બીબી ભાનીને અકબરે ભેટ આપેલી જાગીર ઉપર, 1577-79માં કરેલી. ગુરુ રામદાસનું નગરરચનાનું અધૂરું કાર્ય પાંચમા ગુરુ અર્જુનદેવે પૂર્ણ કર્યું અને અહીંના સરોવરની મધ્યમાં એક સુંદર, ભવ્ય હરિમંદિરનું નિર્માણ કરાવ્યું. તેમણે ‘ગુરુ ગ્રંથસાહિબ’નું સંકલન કરીને હરિમંદિરમાં સ્થાપ્યા. 1803માં મહારાજા રણજિતસિંહે મંદિરનો નીચેનો અર્ધો ભાગ આરસજડિત કરાવ્યો અને ઉપરના ઘુમ્મટને તાંબાના પતરા પર સુવર્ણના પતરાથી મઢાવ્યો. આ કારણે આ મંદિર સુવર્ણમંદિર તરીકે ભારતભરમાં તેમજ દુનિયામાં પ્રસિદ્ધ થયું છે. હિન્દુઓ માટે જેમ કાશી પવિત્રધામ છે તેમ શીખો માટે અમૃતસર પવિત્ર યાત્રાધામ ગણાય છે; એટલું જ નહિ, પણ સુવર્ણમંદિર તેમનું અગત્યનું ગુરુદ્વારા બન્યું છે. શહેરનું નામ ‘અમૃતસર’ અમૃત સરોવર પરથી પાડવામાં આવેલું છે. શહેરની વસ્તી 11,32,383 (2011) જેટલી છે. સુવર્ણમંદિર ઉપરાંત અહીં અકાલ તખ્ત, બાબા અટલ રાયનો ટાવર. જેવાં શીખોના ઇતિહાસ સાથે સંકળાયેલાં ઘણાં ઐતિહાસિક સ્થળો પણ છે. સુવર્ણમંદિર જેવું અને એટલું જ મહત્વનું બીજું એક દુર્ગિયાના મંદિર પણ અહીં આવેલું છે.
1849માં અંગ્રેજોએ અમૃતસરનો કબજો લઈ તેને હિન્દુસ્તાનના સામ્રાજ્યમાં જોડી દીધું હતું. અમૃતસર આઝાદીની ચળવળનું પણ મહત્વનું કેન્દ્ર હતું. 1919માં અહીંના જલિયાંવાલા બાગમાં આઝાદીની ચળવળ નિમિત્તે એકઠા થયેલા લોકો ઉપર જનરલ ડાયરે ગોળીબાર કરાવી આશરે 2,000 લોકોની કતલ કરી હતી. આ જગ્યાએ શહીદોની સ્મૃતિમાં એક સ્મારક તૈયાર થયેલું છે. જૂન, 1984માં ભારતીય લશ્કરે ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’થી મંદિરના વિસ્તારમાં ભરાયેલા ત્રાસવાદીઓને દૂર કર્યા હતા.
આજે આ શહેર વહીવટી દૃષ્ટિએ જિલ્લામથક અને તાલુકામથક હોવા ઉપરાંત વેપારવણજ તેમજ ઉદ્યોગોનું મોટું કેન્દ્ર પણ છે. અહીં સુતરાઉ અને ગરમ કાપડ, ઊની ધાબળા, શાલ, સ્વેટર, ગાલીચા, શેતરંજીઓ તેમજ વીજળીનાં સાધનો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. આજુબાજુમાં નહેરવિસ્તારની સુવિધાને કારણે ઘઉં વગેરે અનાજ મોટા પ્રમાણમાં થતું હોઈ તે મહત્વનું વેપારી મથક બની રહ્યું છે.
આ શહેરમાં ગુરુ નાનકદેવ યુનિવર્સિટી, મેડિકલ કૉલેજ, દંતવિજ્ઞાનની કૉલેજ, આયુર્વેદિક કૉલેજ, માનસિક રોગોની હૉસ્પિટલ, અતિગરીબ લોકો માટેનું આશ્રયસ્થાન – પિંગલવારા આવેલાં છે.
આ ઉપરાંત બીજી ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે. વળી તે સંતશિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનું મુખ્ય મથક પણ છે. અહીં દર વર્ષે વસંતપંચમીએ મેળાનું આયોજન થાય છે. દિવાળીના દિવસોમાં ઢોરમેળો પણ ભરાય છે. અહીં ઘણી મોટી સંખ્યામાં મુલાકાતીઓ તેમજ શ્રદ્ધાળુઓ અમૃતસર શહેર જોવા માટે અને ગુરુદ્વારા-દરબાર સાહિબનાં દર્શન નિમિત્તે આવતા રહે છે. ગુરુ નાનકના જન્મ સ્થળ દરબાર-સાહિબ (પાકિસ્તાન)ના દર્શન કરી શકે તે માટે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી સમજુતી ને કારણે ‘કરતારપુર કોરીડોર’નું આયોજન થવાથી આ શહેરનું મહત્ત્વ રાજકીય દૃષ્ટિએ વધ્યું છે.
ઉ. જ. સાંડેસરા