અમૃતમ્ કુરિસીના રાત્રી : અર્વાચીન તેલુગુ ગદ્યકવિતા. તેલુગુ કવિ બાળગંગાધર ટિળકનાં ગદ્યકાવ્યોનો સંગ્રહ. આ કાવ્યો પ્રયોગાત્મક હોવા છતાં એક એવું કાવ્યમય સ્વરૂપ લેખકે ઘડ્યું છે કે એ ઉત્તમ કાવ્યાનંદ પૂરો પાડે છે. ‘અમૃતમ્ કુરિસીના રાત્રી’ તે સંગ્રહની જ નહિ, પણ એમનાં સમસ્ત કાવ્યોમાં શ્રેષ્ઠ કૃતિ છે (એનો અર્થ થાય છે કે રાત્રી જ્યારે અમૃત-વર્ષી થઈ). કવિ લખે છે, ‘મારા શબ્દો દિગ્વિજયી દિવ્ય હસ્તીઓ છે, જેની પ્રેરકશક્તિ એ લોકશક્તિ છે. મારા શબ્દો ચાંદની રાતમાં સંતાકૂકડી રમતી સુંદરીઓ સમા છે.’ આ ગદ્યકાવ્યોમાં એક તરફ મનને મુગ્ધ કરે એવું પ્રાકૃતિક સૌંદર્યનું નિરૂપણ છે, તો બીજી તરફ આજના માનવની માનવે જે દુર્દશા કરી છે, તેની સામે આક્રોશ પણ છે. આ રીતે એમાં કૌતુકલક્ષી અને આધુનિક બંને કાવ્યધારાનો સુભગ સંગમ થયો છે અને તેથી છેલ્લી બે પેઢીની કવિતાનો સેતુ બંધાયો છે.
પાંડુરંગ રાવ