અમીબા : સમુદાય : પ્રજીવ (protozoa) વર્ગ મૂળપદી (Rhizopoda), શ્રેણી : લોબોઝા(lobosa)ની એક પ્રજાતિ  અમીબા (Amoeba). ભારતમાં સામાન્યપણે મળી આવતું અમીબા A. proteusના નામે ઓળખાય છે. રંગ વગરનું, સ્વચ્છ, જેલી જેવું અને સતત આકાર બદલતું તે એકકોષી સૂક્ષ્મ પ્રાણી છે.

અમીબા

અમીબા 0.2 મિમી.થી 0.6 મિમી. લંબાઈ ધરાવે છે. મીઠા પાણીનાં તળાવ, વાવ, ખાબોચિયાં કે તરબોળ ભીની જમીન વગેરે તેનાં નિવાસસ્થાનો છે. અમીબાની વિવિધ જાતિઓમાં અમીબા પ્રોટિયસ વિશેષ જાણીતું છે. અમીબાનું આ નામ ગ્રીક દંતકથામાં આવતા, વારંવાર આકાર બદલતા, સમુદ્રદેવતા પ્રોટિયસના નામ ઉપરથી આપવામાં આવ્યું છે. અમીબાની કેટલીક જાતિઓ ખારાં પાણીમાં પણ જોવા મળે છે. બૅક્ટેરિયાની માફક અમીબાના પણ બીજાણુઓ (spores) હવામાં પ્રસરે છે. ક્લોરિન વગરના પાણીમાં, આગાર (agar), માંસ, સૂકાં પર્ણો કે બીજ સડવા દેવાથી 48 કલાકમાં અમીબાનું સંવર્ધન (culture) પ્રયોગશાળામાં થઈ શકે છે.

અમીબા કામચલાઉ ખોટા પગ (pseudopodium) ઉત્પન્ન કરી તેમની મદદથી પ્રચલન કરે છે. અમીબાનું પ્રચલન કેવી રીતે થાય છે તે સંબંધમાં વિવિધ મતો પ્રવર્તે છે. એક મત મુજબ ખોટા પગનું નિર્માણ બાહ્યકોષરસ (ectoplasm) અને અંત:કોષરસ (endoplasm) વચ્ચે થતા જલવિનિમયને આભારી છે. અંત:કોષરસ બહારની સપાટી તરફ પ્રમાણમાં વધારે ઘટ્ટ હોય છે અને તેથી તે કોષઘટ્ટરસ (plasmogel) તરીકે ઓળખાય છે; જ્યારે અંદરની બાજુનો અંત:કોષરસ પ્રવાહીરૂપ હોઈ કોષજલરસ (plasmosol) તરીકે ઓળખાય છે. ઘટ્ટરસ અને જલરસ એકબીજામાં પરિવર્તન પામવાથી ખોટા પગો ઉત્પન્ન થતા હોય છે.

અમીબાનો ખોરાક મુખ્યત્વે જીવાણુ, ડાયેટોમો, ડેસ્મિડ્ઝ તેમજ સૂક્ષ્મ કશાધારી (flagellate) પ્રાણીઓનો બનેલો હોય છે. પ્રાણી તેના ખોટા પગો વડે ખોરાકના કણને ઘેરી લે છે અને ખોરાકને અન્નધાની(food vacuole)માં પાણીની સાથે સમાવી લે છે. શરીરમાં ભેગા થતા વધારાના પાણીને અને ઉત્સર્ગ દ્રવ્યોને આકુંચક રસધાની (contractile vacuole) દ્વારા શરીરમાંથી દૂર કરવામાં આવે છે. અમીબા પ્રસરણ(diffusion)થી શ્વસનક્રિયા કરે છે.

અમીબા સામાન્ય સંજોગોમાં દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે. પ્રજનન દરમિયાન અમીબા ખોટા પગો સંકોચી લઈ ગોળ બની સૂત્રીભાજન(mitosis)થી કોષકેન્દ્રનું દ્વિભાજન કરે છે. લગભગ 35 મિનિટમાં દ્વિભાજનક્રિયા પૂર્ણ થાય છે. વિપરીત સંજોગોમાં અમીબા શરીરની આસપાસ સ્રાવ કરીને જાડું કવચ રચે છે. અમીબાની આ સુષુપ્ત અવસ્થા છે. આ અવસ્થા દરમિયાન કોષ્ઠિત અમીબા (cyst) પવનથી ઊડી દૂર સુધી ફેલાય છે. જોકે આ સુષુપ્ત અવસ્થા દરમિયાન શરીરની અંદર રહેલું કોષકેન્દ્ર ધીમે ધીમે વિભાજન પામીને અનેક કોષકેન્દ્રો ઉત્પન્ન કરે છે. અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં કવચ તૂટી જાય છે અને પ્રત્યેક બાળકોષકેન્દ્ર તેની આસપાસમાં આવેલા કોષરસ સાથે જુદું પડે છે અને એક સ્વતંત્ર અમીબા તરીકે અસ્તિત્વ પામે છે.

અમીબા પ્રજાતિનાં એન્ટેમીબા સમૂહનાં પ્રાણીઓ પરોપજીવી તરીકે જાણીતાં છે. તેની ત્રણ જાતિઓ મનુષ્યનાં વિવિધ અંગોમાં વસવાટ કરતી જોવા મળે છે. ઉષ્ણ કટિબંધના પ્રદેશોમાં મરડા તરીકે જાણીતો રોગ માનવીનાં આંતરડાંમાં રહેતાં એન્ટેમીબા હિસ્ટોલિટિકા દ્વારા ફેલાય છે. એન્ટેમીબા કોલી (coli) પણ માનવીના આંતરડામાં વાસ કરે છે; જ્યારે એન્ટેમીબા જિંજિવાલિસ (gingivalis) મનુષ્યના દાંતના પેઢામાં રહે છે. આ છેલ્લી બે એન્ટેમીબા જાતિઓ માનવી માટે હાનિકારક નથી.

રા. ય. ગુપ્તે