અમિત અંબાલાલ (જ. 26 જુલાઈ 1943, ભાવનગર) : આધુનિક ગુજરાતના અગ્રણી ચિત્રકાર. અમદાવાદસ્થિત અંબાલાલ શેઠના ધનાઢ્ય કુટુંબમાં અમિતનો જન્મ થયો હતો. વિનયન, વાણિજ્ય અને કાયદામાં સ્નાતકની પદવીઓ હાંસલ કર્યા પછી કૌટુંબિક ધંધા-વ્યવસાયમાં જોડાઈ ગયા; પરંતુ આ વરસો દરમિયાન છગનલાલ જાદવ પાસે અવૈધિક રીતે ચિત્રકળાની તાલીમ લેવી શરૂ કરી. અમદાવાદમાં રવિશંકર રાવળ, બંસી વર્મા ‘ચકોર’, રસિકલાલ પરીખ, માનસિંહ છારા, વિનોદ પારુલ, કિશન કામ્બ્લે ઇત્યાદિ; વડોદરામાં ભૂપેન ખખ્ખર, ગુલામ મોહંમદ શેખ, જેરામ પટેલ, જ્યોતિ ભટ્ટ, કે. જી. સુબ્રમણ્યન્ ઇત્યાદિ તથા મુંબઈ અને દિલ્હીના ટોચના કલાકારોના ઘનિષ્ઠ સંપર્કમાં રહ્યા અને પોતાના અનુભવોને વિસ્તૃત કર્યા. 1975માં અમદાવાદના ટાઉનહૉલ પાછળ કંટેમ્પરરી આર્ટ ગૅલરીની સ્થાપના કરી અને અનેક સમવયસ્ક તથા ઊગતા કલાકારો માટે તેઓ પ્રેરણારૂપ બન્યા. 1979થી કૌટુંબિક ધંધાવ્યવસાયમાંથી પોતાને પૂરેપૂરા સંકેલી લઈને પૂર્ણ સમયના ચિત્રકાર તરીકે કામ કરે છે.

ભારતની પરંપરાગત રાજસ્થાની લઘુચિત્રશૈલીની લુપ્ત થવામાંથી બચી ગયેલી ‘નાથદ્વારા’ ઉપશૈલીનાં લઘુ તથા મોટા કદનાં પિછવાઈ ચિત્રોનો એક ખૂબ મહત્વનો ચિત્રસંગ્રહ અમિત પાસે છે અને અમિતનું તે ચિત્રશૈલી ઉપરનું સંશોધન પ્રમાણભૂત ગણાય છે. આ સંશોધન પુસ્તક રૂપે પણ પ્રકાશિત થયેલ છે : ‘ક્રિષ્ણ ઍઝ શ્રીનાથજી રાજસ્થાની પેઇન્ટિંગ્ઝ ફ્રૉમ નાથદ્વારા’.

અમિતનાં ચિત્રો પ્રકાશ-પડછાયાની પરવા કર્યા વિના માનવ અને પ્રાણીજગતની કેટલીક વિચિત્ર ક્ષણો વિશે હાસ્ય કે મર્મભર્યો કટાક્ષ ઉપજાવે છે. ચિત્રોનું વાતાવરણ અત્યંત હળવું રહે છે. દર્શકને પોતે જાણે કોઈ ગંભીર કળાકૃતિ નીચે કચડાઈ ગયો હોય એવી લાગણી કદી થતી નથી. પ્રાથમિક અને દ્વિતીય શ્રેણીના તેજસ્વી રંગોથી ચિત્રોમાં ઝગમગાટ જોવા મળે છે. ભૂખરા અને રાખોડી રંગો મોટે ભાગે વર્જ્ય હોય છે. એમનાં ચિત્રોની પાત્રસૃષ્ટિ વૈવિધ્યસભર છે. તેમાં ઢોંગી સાધુઓ અને સ્વામીઓ, યોગીઓ, ગાય, બકરાં, કૂતરાં, વાઘ, સજીવ થઈ ઊઠતું વ્યાઘ્રચર્મ, હરણાં, ઊંટ, હાથી, ઘોડા, મારુતિકાર, સર્કસના ખેલાડી વગેરે નજરે પડે છે. આવી પાત્રસૃષ્ટિ વડે હાસ્ય કે કટાક્ષ ઉપજાવવાની અમિતની આગવી શૈલી છે; દા.ત., ‘બેનૅવૉલન્ટ બસ્ટ’ નામના ચિત્રમાં એક ભૂખી સ્ત્રી બગીચામાં ગોઠવેલા ટેબલ પર રસગુલ્લાં ઝાપટી રહી છે. કૂતરું ટેબલ નીચે છુપાઈને કોઈ ગુપ્ત પ્રવૃત્તિ કરી રહ્યું છે. આ પ્રવૃત્તિ કઈ તે અંગત અનુમાનનો પ્રશ્ન છે, કારણ કે તેનું માથું, આગલા પગ અને ધડ ટેબલ નીચે ઢંકાઈ ગયેલાં છે, માત્ર પાછલા પગ અને પૂંછડી દેખાય છે. બાજુમાં નાના ટેબલ પર એક પુરુષનું બસ્ટ નિર્દોષ સ્મિત વેરી રહ્યું છે.

‘નાથદ્વારા’ ઉપશૈલીની કેટલીક ટૅક્નિક અમિતે આધુનિક ચિત્રોમાં સફળતાપૂર્વક પ્રયોજી છે; દા.ત., કપડાંની પારદર્શકતા. સ્વામીજી, સાધુઓ અને યોગીઓનાં ચિત્રોમાં ધોતિયામાં મલમલી પારદર્શકતા જોવા મળે છે. એ ધોતિયાની અંદર રહેલાં અંગોનું ચિત્રણ અમિતની ખાસિયત છે. આમ પારંપરિક કૌશલ્યનો અમિત આધુનિક સંદર્ભમાં વિશિષ્ટ રીતે ઉપયોગ કરે છે. ચિત્રોમાં માણસોના હાથપગ દોરડી કે સ્પગેટી જેવા અને પેટ ઢમઢોલ બતાવી માનવઆકૃતિને હાસ્યજનક સ્વરૂપ આપે છે. પવિત્ર સ્થાને સ્થાપેલ ગાય જેવા પ્રાણીને પણ જુગુપ્સાપ્રેરક રીતે ચીતરે છે. ‘મૂતરતી ગાય’ ચિત્રશ્રેણીમાં ચળકતી સોનેરી-પીળી ચળકતી મૂત્રધારની પ્રક્રિયા કેન્દ્રસ્થાને છે. આ ઉપરાંત બગલ, જાંઘ અને કાનમાં આવતી વલૂરનાં ચિત્રો કરી આવી ક્ષુલ્લક જણાતી પ્રવૃત્તિઓનો મહિમા કર્યો છે. ચિત્ર ‘બે યોગી’માં યોગાસનની મુદ્રાને હાસ્યનો વિષય બનાવી છે. અવળે હાથે કાન પકડતા મનુષ્યોનું ચિત્રણ કરી માનવીની પ્રવૃત્તિઓની સંકુલતા, નિરર્થકતા તેમણે બતાવી છે. તે ઉપરાંત ભાષાકીય કહેવતોનો પણ ચિત્રકળામાં વિનિયોગ કરેલો દેખાય છે. 1994 પછી કાગળના માવામાંથી શિલ્પ પણ બનાવ્યાં છે. અમિત વડોદરાની ‘ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ’માં બૉર્ડ ઑવ્ સ્ટડિઝમાં રહી ચૂક્યા છે અને હાલમાં ગુજરાત લલિત કલા અકાદમીની કારોબારી સમિતિના સભ્ય છે. તેમનાં ચિત્રો દિલ્હીની નૅશનલ ગૅલેરી ઑવ્ મૉડર્ન આર્ટ, લલિત કલા અકાદમી-દિલ્હી, લલિત કલા અકાદમી-ગાંધીનગર તથા લંડનના બ્રિટિશ મ્યુઝિયમ અને લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં છે.

અમિતાભ મડિયા